News of Friday, 5th July 2024
અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ શાખામાં સામુહીક બદલી કેમ નહિ : કોંગ્રેસનો વેધક સવાલ
કાનુની જંગની તૈયારી : વિવિધ મુદ્દે વિપક્ષની મ્યુનિ. કમિશ્નરને રજુઆત

રજુઆત : શહેર કોંગ્રેસ દ્વારા આજે બપોરે મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇને અગ્નિકાંડ દુઘર્ટના બાદ ફાયર બ્રિગેડના સ્ટાફ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સહીતના વિવિધ પ્રશ્નોએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ઼ હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા., પઃ શહેરના નાનામવા રોડ પર અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના પછી પણ ફાયર બ્રિગેડ સ્ટાફની સામુહિક શિક્ષાત્મક બદલીઓ શા માટે ન કરાઈ ? છેલ્લા ૧૦ વર્ષથી ફાયર બ્રિગેડ સ્ટાફની બદલીઓ કેમ કરાઈ નથી? ભ્રષ્ટાચારનું વાર્ષિક ટર્ન ઓવર કરોડો રૂપિયામાં, ફાયર બ્રિગેડ સ્ટાફ ભુતકાળમાં લાંચ લેતા, જુગાર રમતા, પીધેલી હાલતમાં ઝડપાયાના દાખલા મૌજુદ, ચોમાસામાં વરસતા વરસાદે મ્યુનિ. કમિશ્નર કેમ ફિલ્ડમાં નીકળે છે ? ફાયર બ્રિગેડ સ્ટાફ કયાં છે ? સહીતના મુદ્દે કોંગ્રેસે વેધક સવાલ કરી મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી છે.
આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, ડો. હેમાંગ વસાવડા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલભાઈ અનડકટ, ડી. પી. મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, રાજદિપસિંહ જાડેજા, નયનાબા જાડેજા, દિપ્તિબેન સોલંકી સહિતના આગેવાનોએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે અગ્નિકાંડ બાદ આપની રાજકોટમાં નિમણુંક થતા આપ દ્વારા ટાઉન પ્લાનીંગ બ્રાંચનું વિભાજન કરી ૯૦ થી વધુ ઈજનેરો અને એટીપીઓની સામુહિક બદલીઓના હુકમો કરીને આપે સમગ્ર ટાઉન પ્લાનીંગ બ્રાંચને વિખેરી નાખી હતી. પરંતુ આપના દ્વારા ફાયર બ્રિગેડ સ્ટાફની સામુહિક બદલીઓ કેમ કરવામાં ન આવી?
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની ફાયર બ્રિગેડ બ્રાંચમાં છેલ્લા ૧૦-૧૦ વર્ષથી સામુહિક બદલીઓ થઈ નથી, ફાયર બ્રિગેડ બ્રાંચમાં મોટા પાયે સાફ-સુફી કરવી જરૂરી છે અને તે માટે જડમુળથી સામુહિક બદલીઓના હુકમ કરવામાં આવે તેવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની માંગણી છે.
અંતમાં જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ સ્ટાફની મોટા પાયે જડમુળથી અને સામુહિક બદલીઓ શિક્ષાત્મક ધોરણે નહીં કરાય તો આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ તેમજ નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(3:51 PM IST)










