News of Friday, 5th July 2024
અષાઢી બીજે આઇશ્રી પૂ.નાગબાઇમાની ૧૪ ફુટની પ્રતિમા સાથે શોભાયાત્રા
‘વૃક્ષો વાવો વરસાદ લાવો' થીમ હેઠળ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમઃ સમસ્ત ચારણીયા સમાજ દ્વારા દસમાં વર્ષે આયોજન ચારણીયા સમાજ પરંપરાગત વેશભુષા સાથે શોભાયાત્રામાં જોડાશે, યુવાનો ભગવી ધ્વજા સાથે તૈનાત રહેશે, શોભાયાત્રાનો કિસાનપરા ચોક ખાતેથી પ્રારંભ થઇ રાજમાર્ગો ઉપર ફરશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટઃ સેંકડો વર્ષથી શકિતનાં ઉપાસક એવા ચારણીયા સમાજ જેના પર ભગવતી પૂ.નાગબાઇમાંની અસીમ કૃપા છે. જેથી આઇશ્રી નાગબાઇ માતાજીના બીજ મહોત્સવ નિમિતે રાજકોટમાં આગામી તા. ૭ જુલાઇના રવિવારે અષાઢી બીજના પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ધાર્મિક પ્રસંગ માટે રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન સુધી ગામડે -ગામડે ચારણીયા સમાજના ઘરે ઘરે આમંત્રણ અપાયા છે. ચારણીયા સમાજમાં પણ જબરો ઉત્સાહ છવાયો છે.
રાજકોટમાં ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો તા. ૭ જુલાઇ રવિવારે સવારે ૯:૩૦ વાગ્યે કિસાનપરા ચોકથી પ્રારંભ થશે. જેમાં શ્રી નવઘણભાઇ ડી.મુંધવા (નાગલધામ ગ્રુપ, અમદાવાદ)ના પરિવાર દ્વારા આઇશ્રી નાગબાઇ માતાજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. ભવ્ય શોભાયાત્રામાં પૂ. જગદંબા આઇશ્રી નાગબાઇ માતાજીની ફણીધર નાગ સાથેની ૧૪ ફુટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરૂ આકર્ષણ જમાવશે.
શોભાયાત્રામાં સૌથી આગળ વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ. શ્રીનાગબાઇ માતાજીની ૧૪ ફુટ ઉંચી દિવ્ય પ્રતિમા બીરાજમાન રહેશે. આ રથયાત્રામાં શાનદાર ડી.જે.ના સુર-તાલે આદ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજ જબરૂ આકર્ષણ જમાવશે. આ સાથે રથયાત્રા ફરતે યુવાનો ભગવી ધ્વજા સાથે તૈનાત રહી વ્યવસ્થા સંભાળશે. આ શોભાયાત્રામાં પરંપરાગત પહેરવેશ સાથે વડીલો તો ઠીક યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે. નાના બાળકોને પણ ચારણીયા સમાજના પરંપરાગત પહેરવેશમાં સજ્જ કરશે. આ ઉપરાંત કેટલાક નાના બાળકોને હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની વેશભૂષામાં તૈયાર કરીને ભવ્ય શોભાયાત્રાને દિવ્ય બનાવાશે.
કિસાનપરા ચોક ખાતે પૂ. શ્રીનાગબાઇ માતાજીની ૧૪ ફુટ ઉંચી વિરાટ પ્રતિમાના પૂજન-અર્ચન બાદ શોભાયાત્રા પ્રસ્થાન પામીને જિલ્લા પંચાયત ચોકથી ડો.યાજ્ઞિક રોડ થઇ માલવિયા ચોકથી ત્રિકોણબાગ થઇને જયુબેલી ચોકથી આગળ આર.ડી.સી. બેંક રોડ થઇ ચૌધરી હાઇસ્કૂલ ચોકથી બહુમાળી ભવન થઇ રેસકોર્ષમાં કિસાનપરા પાસે બપોરે ૧૨:૩૦ વાગ્યે સમાપન થશે. જ્યાં રેસકોર્સ ખાતે સમુહ મહાપ્રસાદ યોજાશે.
સમસ્ત ચારણીયા સજમાના યુવાનો છેલ્લા બે મહિનાથી પૂ.જગદંબા આઇશ્રી નાગબાઇ માંના પ્રાગટય મહોત્સવની તૈયારી માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ચારણીયા સમાજનાં વડીલોનો પણ સહકાર અને માર્ગદર્શન મળી રહ્યા છે.
ચારણીયા સમાજને ઉમટી પડવા આહવાન
પૂ.જગદંબા આઇશ્રી નાગબાઇ માઁનો પ્રાગ્ટય મહોત્સવ ચારણીયા સમાજના આત્મગૌરવને ઉજાગર કરશે. ચારણીયા સમાજનાં એકતા અને સંગઠનને વધુ મજબુત બનાવશે. પરીણામે અષાઢી બીજનાં ધાર્મિક અને સામાજિક મહોત્સવમાં ગામે-ગામથી જ્ઞાતિજનોને માત્ર એક દિવસ કામ, ધંધા રોજગાર બંધ રાખીને ઉમટી પડવા આહવાન ચારણીયા યુવા સંગઠન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા સર્વશ્રી પ્રવિણ ગોગીયા (૮૧૬૦૬ ૦૨૭૭૨), સુરેશભાઇ ગર, કેતન આઠુ, કિશોર ચૌહાણ, જયેશ ગર, નરેશ ગોગિયા, દિેનેશ ચૌહાણ, પ્રવિણ મોખરા, યાજ્ઞિક ગોગિયા, ગોપાલ ખાણિયા, રવિ બઢિયા નજરે પડે છે.

(3:55 PM IST)










