<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ર૮ નિર્દોષ હતભાગી પરિવારોની વેદનાને વાચા આપી ન્‍યાય અપાવવા શું રજુઆતો ન કરવી ?

સતાધીશોના જોહુકમી ભર્યા નિર્ણયો સામે કોંગ્રેસનો વેધક સવાલ : ઘટના સ્‍થળથી લઇ હોસ્‍પીટલ-પીએમ રૂમ ઉપર શરૂ થયેલા પરિવારજનોના ડુસકા આજે પણ અમારા કાનમાં ગુંજે છે : અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠીયા

રાજકોટ, તા., પઃ ગઇકાલે પોલીસ કમિશ્નર કચેરીમાં બનેલી ઘટના સંદર્ભે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી,  પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ એક સંયુકત નિવેદનમાં સતાધીશોના જો હુકમી ભર્યા નિર્ણયો સામે વેધક સવાલ ઉઠાવ્‍યા છે.

લેખીત નિવેદનમાં જણાવાયું છે કે, સમગ્ર ગુજરાતના લોકોનું マદય કંપાવી દે તેવી તા.રપ-પ-ર૪ ની રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં ર૮ મહામુલી જીંદગી હોમાઇ ગઇ છે. અગ્નિની જવાળાઓમાં એ વેદનાભરી ચીચીયારીઓ આજે પણ આપણું કાળજુ કંપાવી દે છે. આ હતભાગી પરિવારના આંસુઓ આજે પણ સુકાતા નથી. ત્‍યારે આ ઘટના બની ત્‍યારથી એક સક્ષમ વિપક્ષ તરીકે અમે ઘટના સ્‍થળથી લઇ સિવિલ હોસ્‍પીટલ અને પીએમ રૂપ સુધી આ પરિવારની દરેક મુશ્‍કેલીઓમાં માનવ તરીકેની ફરજ બજાવી મદદ કરી રહયા છીએ અને ત્‍યાર બાદ આ ઘટનામાં જવાબદાર એવા રાજકોટ શહેર પોલીસ તંત્ર અને રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનનું તંત્ર લાખો અને કરોડો રૂપીયાના ભ્રષ્‍ટાચારથી ખદબદે અને એ ભ્રષ્‍ટાચારનાં ભોરીંગે જ આ ર૮ માનવ જીંદગીનો ભોગ લીધો છે. ત્‍યારે સરકાર અને સરકાર દ્વારા રચેલી એજન્‍સીઓ આજે દોઢ મહિનો જેવો સમય થયેલ હોવા છતાં તપાસના નામે ફીફા ખાંડી રહી છે.  દરેક તપાસ માત્ર રાજકોટના ટીપીઓથી આગળ વધતી નથી. રાજયની ભાજપ સરકારના આગેવાનોને યેનકેન પ્રકારે બચાવવા માટે મોતના સોદાઓ થઇ રહયા છે. ત્‍યારે અમે સત્‍ય અને ન્‍યાય માટે લડત આપી રહયા છીએ. પછી તેમાં ઉપવાસ આંદોલન હોય, રાજકોટ બંધનું એલાન હોય કે સરકારના જુદા જુદા સતાધીશો સમક્ષની રજુઆતો હોય.

 ત્‍યારે સરકારના સતાધીશોને આમા એવું તે શું ખોટુ લાગ્‍યું ? કે આ સતાધીશોએ લોકશાહી પધ્‍ધતીથી થતી રજુઆત સાંભળવાનો  ઇન્‍કાર કરી આ ભ્રષ્‍ટાચારના પાપીઓને બચાવવા માટે પોતાના વાણી-વર્તનથી સંદેશો આપી દીધો.

આ ઘટના બાદ ભાજપના બટકબોલા નેતાઓ લઇ રાજય સરકારના એક પણ મંત્રી કે ધારાસભ્‍ય પીડીત પરીવારને મળવાનો, સાંભળવાનો, શોક સંદેશો પાઠવવાનો કે શોકસભામાં જવાનો સમય નથી અને બોલવા માટે જાણી મોઢા સીવી લીધા હોય તેવી હાલત આખી ભાજપ પાર્ટીની અને સરકારની છે.

ત્‍યારે ન્‍યાયની આ લડાઇમાં સતાધીશો પ્રજાજનોના પ્રશ્નો સાંભળવા માટે બંધાયેલા છે તે ન ભુલે. કારણ કે તેમના પગાર  પ્રજાના ટેક્ષના પૈસામાંથી થાય છે. આ દેશમાં  પ્રજાજનોને જે બંધારણીય અધિકારો આપવામાં  આવ્‍યા છે તે વાણી સ્‍વતંત્રતાના અધિકાર ઉપર દમનની લાઠી વીંજી મીડીયા અને પ્રજાજનોનો અવાજ દબાવવાનો પ્રયત્‍ન ન  કરે અને એ ર૮ જીંદગીઓની ચીચીયારીઓ સાંભળે. તેમને ન્‍યાય દેવામાં પણ મદદ કરે નહી તો કુદરત માફ નહી કરે.

(4:00 PM IST)