News of Friday, 5th July 2024
કાર્યકારી કુલપતિને હટાવવાનું ઓપરેશન પાર પાડતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી
યુનિવર્સિટી શૈક્ષણિક તેમજ વહીવટી કાર્ય ઠપ્પ કરવા અને વિવાદ વકરતા સંઘ અને ભાજપના આગેવાનોને સાથે રાખીને કરેલી રજૂઆત ફળી

રાજકોટ : અગાઉ અનેક શૈક્ષણિક સિધ્ધી અને સંશોધનો દ્વારા દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ બી-ગ્રેડ ધરાવે છે. નેક દ્વારા બી-ગ્રેડ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડીગ્રી અને વિશ્વસનીયતા તળીયે ગઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો માત્ર રાજકારણ અને અંગત પ્રતિભા ઝળકાવવામાં વ્યસ્ત રહેતા હોય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારે પીછેહઠ થઇ છે. અગાઉ કાર્યકારી કુલપતિ પદે ગીરીશ ભીમાણીએ અનેક વિવાદ કરતા રાતોરાત તેમને હટાવીને નિલામ્બરીબેન દવેને મુકાયા હતા પરંતુ ગઇકાલે રાજ્ય સરકારે પણ નિલામ્બરીબેન દવેને કાર્યકારી પદેથી દૂર કર્યા છે. રાજ્ય સરકારના આ પગલા લેવા પાછળ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ ડો. નિલામ્બરીબેન દવે કાર્યકારી કુલપતિ પદે રહ્યા બાદ કોઇ નક્કર નિર્ણય કર્યા નથી. અનેક વિવાદ કર્યા છે. મોટેભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગેરહાજર રહેતા હોય પરીક્ષા અને શિક્ષણ કાર્ય ઉપર સીધી અસર પડી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી કાર્ય સદંતર ઠપ્પ થઇ ગયું હતું.
અનેક સ્વચ્છ પ્રતિભા સંપન્ન શૈક્ષણિક અને ઉચ્ચ અધિકારીઓ પણ રાજીનામા આપવા લાગ્યા હતા. આ સંજોગોમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીના ધ્યાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમગ્ર પ્રકરણ ધ્યાને આવતા પ્રથમ સંઘના આગેવાનો અને ભાજપના ધારાસભ્યો તેમજ આગેવાનોને સાથે રાખીને મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રી તેમજ ભાજપ હાઇકમાન્ડને રજૂઆત કરી હતી. રજૂઆતમાં પણ મુકેશભાઇ દોશીએ અનેક દ્રષ્ટાંતો આપીને નિલામ્બરીબેન દવેની જગ્યાએ કોઇ નવા કર્મઠ વ્યકિતને કુલપતિ પદે બેસાડો જેથી રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગરીમા વધે. આ રજૂઆત બાદ રાજ્ય સરકારે તુરંત કાર્યકારી પદેથી નિલામ્બરીબેન દવેને હટાવીને ડો. કમલ ડોડીયાને ચાર્જ સોંપ્યો છે.
મુકેશભાઇ દોશીના યુનિવર્સિટી ક્ષેત્રે સક્રિયતા તેમજ જરૂરી નિર્ણય સમયસર કરાવતા યુનિવર્સિટીના વિદ્યાર્થી આલમ, શૈક્ષણિક કર્મચારીઓમાં ઉત્સાહ-ઉમંગ છવાયા છે.
(4:02 PM IST)










