<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

અનેક પડકારો વચ્‍ચે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પદે કાર્યભાર સંભાળતા ડો. કમલ ડોડીયા

વિવાદાસ્‍પદ કુલપતિ ગીરીશ ભીમાણી બાદ યુનિવર્સિટીનો વહીવટ ઠપ્‍પ કરનાર નીલામ્‍બરીબેન દવેને તાબડતોબ હટાવતી રાજ્‍ય સરકાર : ડો. કમલ ડોડીયાના આગમનથી શૈક્ષણિક - બિનશૈક્ષણિક કર્મચારીઓમાં ઉત્‍સાહ - ઉમંગ

રાજકોટ તા.પઃ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યકારીઓના સથવારે સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં વહીવટ ચાલે છે ત્‍યારે કાયમી કુલપતિને બદલે રાજય સરકારે ગત મોડી સાંજે કાર્યકારી કુલપતિ પદે ડો.કમલ ડોડીયાની નિમણુંક કરી છે.

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટી કેમ્‍પસ અને સંલગ્ન કોલેજોના અઢી લાખ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર તેમજ વહીવટીક્ષેત્રે ભારે મુશ્‍કેલી હોવા છતાં રાજય સરકાર કોઇ કાયમી કુલપતિપદે નિમણુંક કરી શકી નથી. વર્તમાન કાર્યકારી કુલપતિ નીલાંબરીબેન દવેના કાર્યકાળમાં શૈક્ષણિક તેમજ વહીવટી કાર્યો ઠપ્‍પ થઇ જતા રાજય સરકારે ગંભીર નોંધ લઇ મોડી સાંજે ૭.૪૦ કલાકે નીલાંબરીબેન દવેને હટાવીને ડો.કમલ ડોડીયાને ચાર્જ સોંપ્‍યો છે.

પ્રો.નીલાંબરીબેન દવેના કાર્યકાળમાં અનેક વિવાદો તેમજ સતત ગેરહાજરીને કારણે સામાન્‍ય કાર્યમાં પક્ષ વિક્ષેપ ઉભો થતો હતો.

સંઘ પરિવારમાંથી આવતા ડો.કમલ ડોડીયા સ્‍વચ્‍છ પ્રતિભા કડક વ્‍યકિતત્‍વ ધરાવે છે. નિડરતાની છાપ ધરાવતા અને રાજકોટ મેડીકલ કોલેજના સીનીયર પ્રોફેસર ડો.કમલ ડોડીયા ઉપર રાજય સરકારે પસંદગી ઉતારી છે. ડો. કમલ ડોડીયાએ પદગ્રહણ કરતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓમાં ઉત્‍સાહ - ઉમંગ છવાયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિવાદાસ્‍પદ પૂર્વ કુલપતિ ગીરીશ ભીમાણીને પણ રાજ્‍ય સરકારે તેમની ગેરવર્તણુંક અને ગેરરીતિ સબબ રાતોરાત હટાવીને નીલાંબરીબેન દવેને ચાર્જ સોંપ્‍યો હતો પરંતુ નીલાંબરીબેન દવે પણ કોઇ જવાબદારી લેવા તૈયાર ન થતા અને વિવાદ વધતા કામગીરી પૂર્ણ કરવાને બદલે વિલંબમાં નાખતા હોવાની ફરીયાદ ઉઠી હતી.

નવા કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સુધારા માટે ખૂબ ઉત્‍સુક છે. ડો. કમલ ડોડીયા તેની ટીમમાં કોને સાથે રાખે છે તેના પર મીટ છે. હાલના અનેક અધિકારી - કર્મચારીઓ સામે અનેક આક્ષેપો થઇ રહ્યા છે. ડો. કમલ ડોડીયા પડકારને પહોંચી શકશે કે નહી ? તે આવનારા સમયમાં સ્‍પષ્‍ટ થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી તરીકે પ્રોફે. કમલસિંહ ડોડીયાએ આજે ચાર્જ સંભાળ્‍યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી તરીકે ચાર્જ સંભાળતા  પ્રોફે. કમલસિંહ ડોડીયાએ જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવાની પ્રાથમિકતા રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઉચ્‍ચકક્ષાએ લઈ જવા માટે પ્રયત્‍ન રહેશે.

કુલપતિશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવાની પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોલેજ મેનેજમેન્‍ટ, કર્મયોગીઓ, સમાજ અને રાજય સરકારશ્રી વચ્‍ચે સંતુલન રાખવાની પ્રાથમિકતા રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ, એકઝીકયુટીવ કાઉન્‍સીલના સભ્‍યશ્રીઓ, ભવનોના અધ્‍યક્ષશ્રીઓ, વિવિધક્ષેત્રના પ્રબુધ્‍ધ નાગરીકો, સમાજ શ્રેષ્ઠીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ કુલપતિશ્રી પ્રોફે. કમલસિંહ ડોડીયાને શુભેચ્‍છાઓ પાઠવી હતી.(

(4:04 PM IST)