<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

સિવિલ હોસ્‍પિટલમાં જીવલેણ બેદરકારીથી નવજાતનું મોત

ગોંડલમાં રહેતાં બિહારી પરિવારના નવજાત પુત્રને ન્‍યુમોનિયાની સારવાર માટે રાજકોટની ઝનાનાના ચિલ્‍ડ્રન વિભાગમાં દાખલ કરાયું હતું: સાજા થતાં રજા આપવાની હતી એ પહેલાઃ પગલા ન લેવાય ત્‍યાં સુધી લાશ નહિ સંભાળવાનો પરિવારજનોએ નિર્ણય કર્યોઃ પોલીસ કાર્યવાહી થતાં મૃતદેહ સંભાળ્‍યો : ઝનાના હોસ્‍પિટલના ચિલ્‍ડ્રન વિભાગમાં બનાવઃ નાસ લેવાના મશીનમાં આપવાની દવા ઇન્‍જેક્‍શનમાં ભરી નર્સિંગ છાત્ર દ્વારા બાળકને વેનમાં આપી દેવાતાં હાલત બગડી અને મૃત્‍યુ થયાનો આક્ષેપઃ કોન્‍ટ્રાક્‍ટ બેઝ એક નર્સને છુટા કરવાની કાર્યવાહી

 રાજકોટ તા. ૬: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલ અને તેના સંલગ્ન ઝનાના હોસ્‍પિટલના ચિલ્‍ડ્રન વિભાગમાં અગાઉ પણ બેદરકારી સામે આવી હતી. અગાઉ એક બાળક મશીન ગરમ થઇ જતાં દાઝી ગયું હતું ત્‍યાં હવે એક નવજાત બાળક કે જેની ઉમર માત્ર સાડા પાંચ મહિના છે તેને સારવાર દરમિયાન નર્સીંગ સ્‍ટુડન્‍ટ દ્વારા નેબેલાઇઝરમાં એટલે કે નાસ લેવાના મશીનમાં આપવાની દવા ઇન્‍જેક્‍સનમાં ભરી બાળકને વેન મારફત આપી દેતાં આ નવજાતની હાલત બગડી જતાં તેને વેન્‍ટીલેટર પર રાખવામાં આવ્‍યું હતુ. દરમિયાન સવારે આ બાળકનું મોત થતાં બિહારી પરિવારજનોમાં કલ્‍પાંત સાથે રોષ વ્‍યાપી ગયો હતો. જવાબદાર સામે પગલા ન લેવાય ત્‍યાં સુધી લાશ નહિ સંભાળીએ તેવું કહેતાં દોડધામ મચી ગઇ હતી. જો કે પોલીસ કાર્યવાહીની તજવીજ થતાં મૃતદેહ સંભાળવા પરિવારજનો રાજી થયા હતાં. બીજી તરફ એક નર્સને છુટા કરવાની કાર્યવાહી પણ હોસ્‍પિટલ તંત્ર તરફથી થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ મુળ  બિહારના વતની બિરેન્‍દ્ર કુશવાહા તેના પત્‍નિ સાથે ગોંડલમાં રહી કારખાનામાં મજૂરી કરે છે. આ દંપતિને સંતાનમાં સાડા પાંચ માસનો પુત્ર હતો, જેનું નામ રાજ રાખ્‍યું હતું. રાજને એકાદ ન્‍યુમોનિયા સહિતની બિમારી લાગુ પડી હોઇ ગોંડલ સારવાર કરાવ્‍યા બાદ અહિ રાજકોટની ઝનાના હોસ્‍પિટલના ચિલ્‍ડ્રન વિભાગમાં એક માસથી સારવાર માટે દાખલ કર્યો હતો. સઘન સારવાર બાદ  બાળક સ્‍વસ્‍થ બની ડિસ્‍ચાર્જ થવાની તૈયારીમાં હતું ત્‍યાં હોસ્‍પિટલમાં અભ્‍યાસ માટે આવતા નર્સીંગ સ્‍ટુડન્‍ટ દ્વારા નાસ લેવાના મશીનમાં ભરવાની દવા ઇન્‍જેક્‍શનમાં ભરી આ નવજાત બાળક રાજને વેનમાં આપી દેવાતાં આ બાળકની હાલત બગડી હતી અને આજે જીવ નીકળી ગયો હતો.

વધુ માહિતી મુજબ મુળ  બિહારના અને હાલ ગોંડલના જામવાડી નજીક રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્‍યાં રહેતા બીરેન્‍દ્ર કુશવાહાનો સાડા પાંચ મહિનાના પુત્ર રાજ એકાદ મહિના પહેલા બિમાર પડતાં ગોંડલ સારવાર કરાવી હતી. ન્‍યુમોનીયાની અસર હોઇ વધુ સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્‍પિટલમાં બાળકોના વિભાગના દાખલ કરવામાં આવ્‍યો હતો. જ્‍યાં બાળકને ન્‍યુમોનિયા, અને ટીબીની અસર હોવાનું નિદાન થતા દાખલ કરી એક મહિનાની લાંબી સારવાર દરમિયાન બાળક સ્‍વસ્‍થ બન્‍યું હતું. નવજાત હોવાથી તેના માતા સોનાબેન આઇસીયુ વોર્ડમાં સાથે રહેતા હતા. બાળકને કફ જેવું હોવાથી કેટલાક દિવસથી નેબેલાઇઝર મશીનમાં દવા નાખી નાસ આપવામાં આવતો હતો.

બાળક હવે સ્‍વસ્‍થ થયું હોઇ એકાદ દિવસમાં રજા આપવાની તૈયારી તબિબોએ કરી હતી. પરંતુ ગઇકાલે વોર્ડમાં અભ્‍યાસ માટે આવતા નર્સીંગ સ્‍ટુડન્‍ટને   ફરજ પરના નર્સીંગ સ્‍ટાફે બાળકને નેબેલાઇઝરની દવા  નાખી નાસ આપવાનું કહ્યું હતું જે એક સામાન્‍ય બાબત છે પરંતુ ર્નસિંગ સ્‍ટુડન્‍ટ દ્વારા ભુલથી નેબેલાઇઝરમાં દવા નાખવાને બદલે ૫૦ એમએલના ઇન્‍જેક્‍સનમાંથી દવા ભરી બાળકને વેનમાં આપી દેવામાં આવતા આ નવજાત બાળકની તબિયત ખરાબ થતા તાત્‍કાલિક વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યું હતું. પરંતુ આજે સવારે આ માસુમનું મોત નિપજતાં બિહારી દંપતિ, પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર બાળકના પિતા બિરેન્‍દ્ર કુશવાહાએ જણાવ્‍યું હતું કે, પુત્રની સાથે મારી પત્‍નિ સોનુ સતત રહેતી હતી અને કેટલાક દિવસથી બાળકને નાસ અપાતો હતો. જેથી તેણીને ખબર હતી કે દવા મશીનમાં નાખીને જ નાસ અપાય છે. પરંતુ નર્સિંગ છાત્રા ગઇકાલે ઇન્‍જેકશનમાં આ દવા ભરતી હોઇ તુરત જ મારા પત્‍નિએ તેને અટકાવી હતી અને દવા ઇન્‍જેકશનથી નહિ પણ નાસના મશીનથી આપવાની છે તેમ કહ્યું હતું. આમ છતાં ત્‍યાં ઉભેલા ત્રણેક નર્સિંગ છાત્રમાંથી કોઇએ ઇન્‍જેકશન મારા દિકરાના  હાથમાં નાખેલી સોઈ મારફતે  આપી દીધુ હતું. એ સાથે તેની હાલત બગડતાં ડોક્‍ટરને બોલાવતાં તેમણે મારા દિકરાને વેન્‍ટીલેટર પર રાખ્‍યું હતું. પણ આજે આ માસુમે સવારે દમ તોડી દીધો હતો.

બેદરકારીથી નવજાત દિકરાને ગુમાવનાર બિહારી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો અને રોષ સાથે બાળકના પિતાએ જણાવ્‍યું હતું કે અમને ન્‍યાય નહિ મળે ત્‍યાં સુધી મૃતદેહ સ્‍વીકારશું નહિ. બનાવને પગલે ઉચ્‍ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ કે. કે.માઢક સહિતના નિવેદન નોંધવા પહોંચ્‍યા હતાં. પોલીસ કાર્યવાહી બાદ મૃતદેહ સંભાળી લેવા પરિવારે તજવીજ કરી હતી. સુત્રોમાંથી જાણવા મળ્‍યા મુજબ જે વોર્ડમાં આ ઘટના બની ત્‍યાંના કોન્‍ટ્રાક્‍ટ બેઝના એક નર્સને છુટા કરવાની કાર્યવાહી થઇ હતી.

(2:12 PM IST)