News of Saturday, 6th July 2024
કૃષ્ણનગર-ગુરૂપ્રસાદ ચોકમાં બે દૂકાને લુખ્ખાગીરીઃ મીત અને રાહુલને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું : જુઓ વિડિયો
ગુરૂપ્રસાદ ચોકમાં મોબાઇલની દૂકાન ધરાવતાં ગોૈતમ વરણ અને કૃષ્ણનગરમાં પાનની દૂકાને કામ કરતાં મિતરાજ ચોૈહાણની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે બે અલગ અલગ ગુના દાખલ કર્યાઃ માથાકુટના વિડીયો થયા હતાં વાયરલ : મોબાઇલની દૂકાને જઇ મારો ફોન કેમ રીપેર નથી થયો? કહી દૂકાનદારના ગળે છરી રાખી દીધીઃ પાનની દૂકાને ટેબલ પર છરી પછાડી કર્મચારીને કહ્યું-તારા શેઠ ક્યાં છે? પછી ૪૦ રૂપિયાની સિગારેટ લઇ પૈસા ન દીધા

રાજકોટ તા. ૬: શહેરમાં ગુનેગારોને પોલીસનો ખોફ જ ન હોય એ રીતે ગમે ત્યારે ગમે તેના પર ખેલ કરી નાખતા હોય છે. ગત સાંજે અડધા કલાકના અંતરે બે સ્થળે લુખ્ખાગીરી આચરી ધમાલ મચાવનારા બે શખ્સોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં માલવીયાનગર પોલીસની ટીમોએ તપાસ આદરી હતી. કલાકોમાં જ ભોગ બનનાર બે વેપારીને શોધી તેમની ફરિયાદ નોંધી હતી અને લુખ્ખાગીરી આચરનારા બંનેને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ બંનેએ એક દૂકાનદારે મોબાઇલ ફોન રિપેર કર્યો ન હોઇ તેના કારણે તેને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી છરી બતાવી માર મારી ધમકી દીધી હતી. બીજા દૂકાનદાર પાસેથી ૪૦ રૂપિયાની સિગારેટ લઇ પૈસા ન આપી છરી બતાવી ખેલ કર્યા હતાં.
વેપારીઓને છરી બતાવી તેમજ જાહેરમાં મારામારી કરતાં બે શખ્સનો વિડીયો વાયરલ થતાં માલવીયાનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ બંને શખ્સો મીત સુધીરભાઇ રાજ્યગુરૂ (ઉ.વ.૨૩-રહે. નવલનગર-૩/૧૮) તથા રાહુલ પ્રભાતભાઇ સભાડ (ઉ.વ.૨૭-રહે. શ્રીનાથજી સોસાયટી-૩) હોવાનું જાણવા મળતાં બંનેની શોધખોળ આદરી હતી. આ મામલે પોલીસે બે ગુના દાખલ કર્યા હતાં. જેમાં આંબેડકરનગર-૧૪માં રહેતાં ગોૈતમ ધનજીભાઇ વરણ (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી મારામારી, ધમકી, એટ્રોસીટી એક્ટ હેઠળ બંને સામે ગુનો નોંધાયો હતો. ગોૈતમ વરણના કહેવા મુજબ પોતે કૃષ્ણનગર ગુરૂપ્રસાદ ચોકમાં આર. વી. મોબાઇલ નામે ફોન રીપેરીંગનું કામ કરે છે. દૂકાને રાહુલ અને તેનો મિત્ર મીત આવ્યા હતાં. મીત અગાઉ તેનો ફોન રિપેરમાં આપી ગયો હોઇ તે હજુ રીપેર થયો ન હોઇ તે કારણે તે અને રાહુલ ઉશ્કેરાઇ ગયા હતાં અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દઇ ગળા પર છરી રાખી મારકુટ કરી હતી. તેમજ અડધા કલાકમાં ફોન રીપેર નહિ થાય તો મારી નાખશુ તેવી ધમકી આપી બંને ભાગી ગયા હતાં.
બીજી ફરિયાદ મવડી ગામ સ્મશાન સામે ક્રિષ્ના આરએમસી ટાઉનશીપ બ્લોક ઇ-૪૦૪માં રહેતાં મિતરાજ ચંદુભાઇ ચોૈહાણ (ઉ.વ.૧૯)એ આ બંને વિરૂધ્ધ નોંધાવી હતી. મિતરાજ કૃષ્ણનગર રોડ પર શ્રીરામા પાન નામની દૂકાનમાં નોકરી કરે છે. તેણે કહ્યું હતું કે સાંજે સાડાચારે હું દૂકાને હતો ત્યારે રાહુલ અને મીત આવ્યા હતાં. ટેબલ પર છરી પછાડી ‘તારા શેઠ ક્યાં છે?' તેમ કહેતાં મેં શેઠ હાજર નથી તેવું જણાવતાં આ બંનેએ ગાળો દીધી હતી. તેને ગાળો બોલવાની ના પાડતાં છરી બતાવી બળજબરીથી રૂપિયા ૪૦ની સિગારેટ લઇ લીધી હતી. મેં પૈસા માંગતા બંનેએ શેના પૈસા, જો અમારી પાસે પૈસા માંગીશ તો મારી નાખશુ કહી ધમકી આપી ભાગી ગયા હતાં.
પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ગજેરા, પીએસઆઇ એસ. એ. સિન્ધી, હેડકોન્સ. એ. વી. ચાવડાએ બે ગુના દાખલ કર્યા હતાં. કલાકોમાં જ આ બંનેને પકડી લીધા હતાં. પોલીસના કહેવા મુજબ રાહુલ અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસે બંનેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
(1:52 PM IST)










