News of Saturday, 6th July 2024
૧૧ અને ૧૨ વર્ષની બે બહેનોને રાજકોટથી ઉઠાવી જનાર આઝમગઢનો શખ્સ મુંબઇમાં પકડાઇ ગયો
મુંબઇ કલ્યાણ રેલ્વે પોલીસે હાલ રાજકોટ રહેતાં યુપીના કરણને બાળાઓ સાથે દબોચ્યોઃ રાજકોટ પોલીસ મુંબઇ પહોંચી યુનિવર્સિટી પીઆઇ સી. એચ. જાદવે બાળાઓની તસ્વીરો સાથેની વિગતો ઓલ ઇન્ડિયા પોલીસ બ્રોડકાસ્ટમાં મુકતાં તેના આધારે પત્તો મળ્યો

રાજકોટ તા. ૬: શહેરમાં રહેતાં યુપીના પરિવારની ૧૨ અને ૧૧ વર્ષની બે દિકરીઓ ગયા ગુરૂવારે ગૂમ થઇ જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધાયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇએ બંને બાળાની તસ્વીરો સાથેની વિગતો ઓલ ઇન્ડિયા પોલીસ ગ્રુપમાં પોસ્ટ કરતાં તેના આધારે મુંબઇ કલ્યાણ રેલ્વે પોલીસે આ બંને અપહૃત બાળા અને તેનું અપહરણ કરનારા આઝમગઢના શખ્સને સકંજામાં લઇ લેતાં રાજકોટ પોલીસ મુંબઇ જવા રવાના થઇ હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મુળ યુપીના અને હાલ રાજકોટમાં રહેતાં પાંત્રીસ વર્ષિય યુવાનની ફરિયાદ પરથી અજાણ્યા સામે બીએનએસની કલમ ૧૩૭ મુજબ ફરિયાદીની ૧૨ અને ૧૧ વર્ષની બે દિકરીઓનું અપહરણ કરી જવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યુનિવર્સિટી પીઆઇએ ઓલ ઇન્ડિયા પોલીસ બ્રોડકાસ્ટ ગ્રુપમાં બંને બાળાઓની તસ્વીર સાથેની વિગતો પોસ્ટ કરી હોઇ તેના આધારે ગઇકાલે મુંબઇ કલ્યાણ રેલ્વે પોલીસે આ બંને બાળા સાથે એક શખ્સને સકંજામાં લીધો હતો. ખરાઇ કરતાં આ બંને બાળા રાજકોટથી ગૂમ થયેલી અપહૃત બાળા જ હોવાનું સ્પષ્ટ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ બાળા અને અપહરણનો કબ્જો લેવા રવાના થઇ છે.
ફરિયાદી રાજકોટમાં પંદર વર્ષથી પરિવાર સાથે રહે છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. તેણે જણાવ્યું હતું કે તા. ૪/૭ના સાંજે પાંચેક વાગ્યે હું અને મારા પત્નિ મારા ભાઇને ઉત્તર પ્રદેશ જવું હોઇ જેથી તેને રાજકોટ રેલ્વે સ્ટેશને મુકવા ગયા હતાં. ચારેય સંતાનો ઘરે હતાં. સાંજે આઠેક વાગ્યે અમે ઘરે આવ્યા ત્યારે ૧૨ અને ૧૧ વર્ષની બંને દિકરી ઘરમાં જોવા ન મળતાં આસપાસમાં તપાસ કરી હતી. આસપાસમાં અમારા વતનના બીજા રહેવાસીઓ રહેતાં હોઇ તેના ઘરે પણ તપાસ કરી હતી. પણ બંને કિદરી મળી નહોતી.
શોધખોળ બાદ અમે પોલીસને જાણ કરી હતી. પીઆઇ સી. એચ. જાદવ, રાહુલભારઇ રાઠોડ, જીજ્ઞેશભાઇ મારૂ સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન અપહૃત બંને બાળા એક શખ્સ સાથે મુંબઇ કલ્યાણમાં જોવા મળતાં ત્યાંની પોલીસે શંકાને આધારે એ શખ્સને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતે આઝમગઢનો વતની કરણ હોવાનું કહ્યું હતું. બાળાઓને રાજકોટથી સાથે લાવ્યાનું કહેતાં પોલીસને શંકા ઉપજતાં રાજકોટ પોલીસને જાણ કરતાં આ બંનેના અપહરણનો ગુનો નોંધાયો હોવાનું જણાતાં તેને નજરકેદ કર્યો હતો.
બાળાઓને પણ મહિલા પોલીસની હાજરીમાં સુરક્ષા આપી હતી. રાજકોટ યુનિવર્સિટી પોલીસની ટીમ તેનો કબ્જો લેવા રવાના થઇ હતી. આ શખ્સનો ઇરાદો શું હતો? તે અંગે હવે પછી તપાસ થશે.
(4:18 PM IST)










