<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા:ભવ્ય રથયાત્રા યોજાઈ:ભાવિકો ઉમટ્યા:પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ભગવાન જગન્નાથજી રથયાત્રામાં ૬ આઇપીએસ સહિત ૧૭૮૬ અધિકારીઓ-જવાનો ખડેપગે: ૨૨ કિલોમીટરના રૂટ પર ફરનારી રથયાત્રામાં ૬૦ વાહનો અને હજારો શ્રદ્ધાળુઓ જોડાયા રાજકોટ:આજે અષાઢી બીજ નિમીતે

રાજકોટ શહેરમાં ભગવાનશ્રી જગન્‍નાથજી, બલભદ્રજી અને શુભદ્રાજીની રથયાત્રા નીકળી હતી. સવારે પહિંદ વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કારવાયું હતું.યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રૂટ પર અઢારે આલમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. રૂટની બંને તરફ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

આજે શહેરના અન્‍ય વિસ્‍તારોના મળી નાના મોટા કુલ ૯ ધાર્મિક સરઘસો, શોભાયાત્રાઓ નીકળનાર હોઇ શહેર પોલીસ દ્વારા કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇપણ જાતના છમકલા ન થાય તે માટે ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની રાહબરી હેઠળ ૬ આઇપીએસ સહિત ૧૭૮૬ અધિકારીઓ, જવાનો બંદોબસ્‍તમાં ખડેપગે તૈનાત કરાયા હતા.

બાવીસ કિલોમીટરના રૂટ પર ફરનારી આ રથયાત્રામાં મહત્‍વની અને સ્‍ટેટીક જગ્‍યાએ ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્‍ટ પર પોલીસ જવાનોને બાયનોક્‍યુલર, વોકીટોકી સાથે બંદોબસ્‍ત સોંપવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ સતત હાજર રહેલ. રથયાત્રા રૂટમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ રહેલ. સંવેદનશીલ વિસ્‍તાર, ગીચ વિસ્‍તાર તથા સુરક્ષાની દ્રષ્‍ટીએ મહત્‍વના હોય તેવા સ્‍થળો ખાતે સીસીટીવી કેમેરા, વિડીયોગ્રાફીથી પુરતી વોચ રખાઈ હતી. કોઇપણ મુશ્‍કેલ પરિસ્‍થિતિને પહોંચી વળવા વોટર કેનન, ટીયર ગેસ માટેના વરૂણ અને વ્રજ નામના અત્‍યાધુનિક વાહનો બંદોબસ્‍તમાં સામેલ કરાયા છે.

રથયાત્રામાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફરલોની ટીમો અને મહિલા પોલીસની શી ટીમો સતત પેટ્રોલીંગ કરશે. કોઇ વિઘ્ન ઉભુ ન થાય તે માટે અસામાજીક તત્‍વો પર સતત વોચ રાખી રહ્યા છે. સોશિયલ મિડીયા પર સાયબર સેલની ટીમોની નજર રહેલી છે. કુલ ૧૦ રથયાત્રા-શોભાયાત્રાને અનુલક્ષીને જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવાયો છે. કોમી એખલાસભર્યા વાતાવરણમાં રથયાત્રા, શોભાયાત્રાઓ શાંતિથી પસાર થાય તે માટે સમાજના આગેવાનો સાથે અગાઉથી મીટીંગો કરી લેવામાં આવી હતી.

(2:14 PM IST)