<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

મનપાની ફાયર કામગીરીનો પ્રચંડ વિરોધ અનેક હોટલ, કાફે, રેસ્‍ટોરન્‍ટ બંધ

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ધડાધડ સીલ મરાતા હોટલ ઉદ્યોગને હાલાકી : કોર્પોરેશનમાં કર્મચારીઓની ઘટથી પરવાનગી આપવાનું ખોરંભાયુ : શાળા - કોલેજો - હોસ્‍પિટલોની જેમ હોટલ - રેસ્‍ટોરન્‍ટ સહિતનાને છૂટછાટની માંગ

રાજકોટની ચા-ખાણી પીણીની દુકાનો બંધ : રાજકોટ કોર્પોરેશન દ્વારા ટીઆરપી ગેમઝોન આગ્નિકાંડ બાદ થયેલ સીલની કાર્યવાહી અને બીયુ પરમીશનમાં હાલાકીના મુદ્દે આજે શહેરના હોટલ -રેસ્‍ટોરન્‍ટ એસોસીએશન દ્વારા આજે આખો દિવસ બંધ પાળવામાં આવ્‍યું હતું. જે સંદર્ભર્ેે શહેરના રૈયા રોડ, અમીન માર્ગ, રેસકોર્ષ રીંગ રોડ, મહિલા કોલેજ અંડર બ્રીજ સહિતના વિસ્‍તારોના કાફે, હોટલ, ફાસ્‍ટ ફૂડના ધંધાર્થીઓ બંધ માં જોડાયા હતા ત્‍યારની તસ્‍વીરો. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૦:  ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મનપા દ્વારા તાત્‍કાલીક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે રાજકોટના મોટાભાગના લગ્ન હોલ, પાર્ટી પ્‍લોટ તેમજ હોટલો સીલ કરવામાં આવ્‍યા છે. ફાયર સેફટી અને બી.યુ. પરમીશનના નામે મનપા દ્વારા સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ આ ઘટના પગલે હોલ, હોટલ અને પાર્ટી પ્‍લોટના સંચાલકો અકડાયા છે. તેઓના ધંધા-રોજગાર પર અસર પડી છે. જેના  પગલે આજે  કેટરર્સ, રેસ્‍ટોરન્‍ટ,  હોલ, કાફે માલિકોએ આખો દિવસ બંધ રાખી મનપા તંત્રની ફાયર અને બી.યુની કામગીરી સામે  વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્‍યો છે.

 અત્‍યારે લગ્નગાળો ચાલુ છે અનેક પ્રસંગો યોજાઇ રહ્યા છે પરંતુ હાલ અનેક હોટલો સીલ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફાયર સેફટીના સાધનો હોવા છતાં અન્‍ય કારણોસર હોટલો અને હોલ સીલ કરી દેવામાં આવ્‍યા છે. આ ઉપરાંત જે હોટલો અને હોલ બંધ કરવામાં આવી છે ત્‍યાંના માલિકો તમામ તકેદારી રાખવા તૈયાર છે.પરંતુ મનપાના કર્મચારીઓ દ્વારા કોઇ સહયોગ મળી રહ્યો નથી. કર્મચારીઓની ઘટ હોવાથી મનપામાં પણ કામગીરી અટકી છે. જેને કારણે બીયુ પરમીશન અને ફાયર સેફટીની કામગીરી અટકી ગયેલ છે. જેનું પરિણામ હોટલ અને હોલ માલિકોને ભોગવવું પડી રહ્યું છે. રાજકોટ જીલ્લા મંડપ કોન્‍ટ્રાક્‍ટ એસો., રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ કાફે ફાસ્‍ટ ફૂડ, હોટલ માલિકોએ સ્‍વૈચ્‍છીક બંધમાં સમર્થન આપ્‍યું છે.

રાજકોટમાં અંદાજે એક હજારથી વધુ હોટલ અને હોલ આવેલ છે. આ તમામ હોટલ અને હોલ માલિકો બંધના એલાનમાં જોડાય સ્‍વૈચ્‍છીક બંધ પાળશે. આખો દિવસ હોટલ બંધ રહેવાથી સામાન્‍ય લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.અત્‍યાર સુધીમાં મનપા દ્વારા ૫૦થી વધુ હોટલ અને પાર્ટી પ્‍લોટ સીલ કરી દેવામાં આવ્‍યા છે. ૧૫૦૦થી વધુ જગ્‍યાએ નોટીસ ફટકારવામાં આવી છે. આ તમામ જગ્‍યાએ લોકો કામ કરે છે. આ લોકોની રોજગારી પર અસર થયેલ છે. આડેધડ સીલ કરવાથી હોટલ, હોલ અને પાર્ટી પ્‍લોટના માલીકોમાં રોષની લાગણી છવાઇ ગયેલ છે. છેલ્લા એક મહિનાથી સીલ કરાયેલ તમામ જગ્‍યાઓ બંધ છે જેને પરિણામે ધંધો ઠપ્‍પ થઇ ગયો છે.

આજે હોટલ, રેસ્‍ટોરન્‍ટ, મંડપ સર્વિસ, પાર્ટી પ્‍લોટ, બેંકવેટ હોલના માલિકો શાંતિપૂર્ણ બંધ પાળી તેમજ કલેક્‍ટર અને કમિશ્ર્‌નરને આવેદન આપી યોગ્‍ય કામગીરી કરવા રજૂઆત કરી હતી.

(2:57 PM IST)