<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

રાજકોટમાં ગત સાંજે બે ઇંચ : સવારથી ઉઘાડ

ગઇકાલે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજથી વરસી પડયોહતો : રસ્‍તાઓ પાણી...પાણી... આજે પણ મેઘરાજા શહેરીજનોને ભીંજવશે ?

રાજકોટ તા. ૧૦ : શહેરમાં ગત સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્‍ટ્રી કરી હતી. હવામાનખાતામાં બે ઇંચ પાણી નોંધાયું છે. બફારાથી ત્રસ્‍ત લોકોને રાહત મળી છે.

હવામાન વિભાગ દ્વારા આ આખુ સપ્‍તાહ રાજ્‍યમાં છુટોછવાયો હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી કરી છે. જોકે સૌરાષ્‍ટ્ર - કચ્‍છ કરતા ગુજરાતમાં સારા વરસાદની સંભાવના વ્‍યકત કરી છે.

દરમિયાન રાજકોટ શહેરમાં લોકો અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ બન્‍યા છે. તો ગઇકાલે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેલ. સાંજના સમયે આકાશમાં જબ્‍બર વાદળો છવાઇ ગયા હતા. છએક વાગ્‍યાની આસપાસ વરસાદે ધીમા પગલે એન્‍ટ્રી કરી હતી. શરૂઆતમાં જોર ઓછું હતું પરંતુ બાદમાં સ્‍પિડ પકડી હતી. અંદાજે એકાદ કલાક વરસ્‍યો હતો બાદમાં થંભી ગયો હતો.

ફરી વરસાદ ચાલુ થયો હતો. આ સમયે એકાએક જોર વધી ગયું હતું. એકધારો અડધી પોણી કલાક જામી ગયો હતો. રસ્‍તાઓ પાણી પાણી થઇ ગયા હતા. નીચાણવાળા રસ્‍તા ઉપર તો ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા.

હવામાન ખાતામાં ૪૯.૨ મીમી (બે ઇંચ) નોંધાયો છે. તો આજે સવારે ૮૭ ટકા ભેજ, પવનની ગતિ ૮ કિમી નોંધાઇ છે. સવારથી ઉઘાડ નીકળ્‍યો છે.

(2:57 PM IST)