<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ગુલાબવિહારના શિક્ષક અતુલભાઇને નફાની લાલચ બતાવી મેટોડાના ચેતને અડધા કરોડનું કરી નાંખ્‍યું

ફૂડ ડિલીવર કરતી કંપનીઓને માણસો પુરા પાડવાના કામમાં કમિશન મળશે કહી કંપનીઓના સ્‍ટેટમેન્‍ટ બતાવ્‍યા : શિક્ષકે ચાર પાંચ વાર ચેતનની ઓફિસની મુલાકાત લીધી, છ મહિના સુધી તેના ધંધાનો અભ્‍યાસ કર્યોઃ ત્‍યાર પછી વિશ્વાસ મુકી ચેતનને નાણા આપ્‍યા અને વિશ્વાસઘાત થઇ ગયોઃ માલવીયાનગર પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૧૧: શહેરમાં રહેતાં એક શિક્ષકે યુનિક મોનોપોલી ધરાવતાં અને ૫૦ થી ૭૦ લાખનું રોકાણ કરી શકે તેવા પાર્ટનર જોઇએ છે તેવી જાહેરખબર પરથી સંપર્ક કરતાં એક શખ્‍સે રૂબરૂ તેની પાસે આવી પોતે મેટોડા રહે છે અને ફૂડ ડિલીવર કરતી કંપનીઓને ડિલીવરીમેન પુરા પાડે છે અને એક વ્‍યક્‍તિ દીઠ ૨૫૦૦થી ૫૦૦૦ કમિશન મળે છે, પોતાને  ૧૫૦ રીંગ રોડ પર ઓફિસ છે, ૨૦ માણસોનો સ્‍ટાફ છે, હજુ ધંધો વિકસાવવો છે તેવું કહી બાદમાં પોતાને કંપનીઓ તરફથી મસમોટી રકમ મળી છે તેને એન્‍ટ્રીઓ, ડોક્‍યુમેન્‍ટ બતાવી ભાગીદારીમાં રોકાણ કરવાથી નફો થશે તેવી લાલચ આપતાં શિક્ષકે છએક મહિના આ વ્‍યક્‍તિના ધંધાનું નિરીક્ષણ કરી બાદમાં ૫૦ લાખનું રોકાણ કરતાં છેલ્લે આ શખ્‍સે હવે મને બીજો ભાગીદાર મળી ગયો છે કહી કોઇ રકમ પાછી ન દેતાં અને પોતાની ઓફિસ પણ બંધ કરી દેતાં છેતરાયેલા શિક્ષકે પોલીસને જાણ કરી હતી.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે  દોઢસો ફુટ રીંગ રોડ બીગ બાઝાર પાછળ ગુલાબવિહાર સોસાયટી મેઇન રોડ પર શ્રી નાગેશ્વર નામના મકાનમાં રહેતાં અને પ્રાઇવેટ ટયુશન ક્‍લાસ ચલાવતાં શિક્ષક અતુલભાઇ ધીરજલાલ બલદેવ (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી મેટોડા રહેતાં ચેતન કનકભાઇ પરમાર વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮ મુજબ ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઇઝ નામની પેઢીમાં ભાગીદાર-પાર્ટનર બનાવી રોકાણ કરવાથી ફીક્‍સ નફો મળશે તેવી લાલચ આપી શિક્ષક પાસેથી ૫૦ લાખ મેળવી લઇ કોઇ નફો ન આપતાં અને રકમ પણ પરત ન આપતાં છેતરપીંડી કર્યાનો ગુનો દાખલ કરાયો છે.

શિક્ષક અતુલભાઇ બલદેવે જણાવ્‍યું છે કે મેં અખબારમાં એક જાહેરખબર વાંચી હતી જેમાં લખ્‍યું હતું કે યુનિક મોનોપોલી ધરાવતાં ૫૦ થી ૭૦ લાખ રોકાણ કરી શકે તેવા પાર્ટનરની જરૂર છે. આથી મેં તેમાં આપેલા નંબર પર ફોન કરતાં સામેની વ્‍યક્‍તિએ પોતે ચેતન પરમાર છે અને રૂબરૂ આવીને બિઝનેસ વિશે સમજ આપશે તેમ કહ્યું હતું. બીજા દિવસે આ વ્‍યક્‍તિ મને ફોન કરીને મારા ઘરે મળવા આવ્‍યો હતો. તેણે કહ્યું હતું કે અમે ઝોમેટો સ્‍વીગી જેવી કંપનીઓમાં ડીલીવરીમેન અપોઇન્‍ટમેન્‍ટ કરીએ છીએ અને તેના બદલામાં વ્‍યક્‍તિ દિઠ રૂા. ૨૫૦૦થી ૫૦૦૦ સુધીના અલગ અલગ સ્‍કીમ મુજબ કમિશન મળે છે. મારે દોઢસો રીંગ રોડ પર ટ્‍વીન્‍સ સ્‍ટારમાં સાઉથ બ્‍લોકમાં એમ-૧૦૨ નંબરની ઓફિસ છે, તેમાં ૨૦ માસોનો સ્‍ટાફ છે અને હજુ મારે આ બીઝનેસ વધારવો છે, આ માટે રોકાણ કરી શકે તેવા ભાગીદારની જરૂર છે.

ચેતને આ પ્રકારની વાત મને કરતાં હું તેની ઓફિસે બેથી ચાર વાર તપાસ કરવા ગયો હતો. છ મહિના સુધી મેં ચેતનના ધંધા બાબતે અભ્‍યાસ કર્યો હતો. એ દરમિયાન અમે અવાર-નવાર એકબીજાને મળતાં હતાં. આ પછી તેણે કહેલું કે હું મારી ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઇઝને પ્રાઇવેટ લિમીટેડમાં ફેરવવા ઇચ્‍છુ છું, મને ઇન્‍દોર બરોડામાં ઝોમેટો તરફથી નવી બ્રાંચ શરૂ કરવાની ઓફર આવી છે. અતુલભાઇ બલદેવે વધુમાં જણાવ્‍યું હતું કે આ પછી ફેબ્રુઆરી ૨૦૨૪માં આરોપી ચેતન પરમારે મને તેની પેઢીના સ્‍ટેટમેન્‍ટ બતાવી ઝોમેટોમાં ૧.૦૩ કરોડ અલગ-અલગ દિવસે ડિપોઝીટ ભરેલા છે, ૭૦ લાખના નફા પર જીએસટી ભરેલ છે, કંપની લાખો કમાઈ રહી છે તેમ કહ્યું હતું અને સ્‍ટેટમેન્‍ટની કોપી મને આપી હતી અને કહ્યું હતું કે જા તમે મારી સાથે ભાગીદારમાં જોડાવ, ૫૦ લાખનું રોકાણ કરો તો તમને પણ સારો ફાયદો થશે. તેણે સ્‍ટેટમેન્‍ટની કોપી પણ મને આપી હોઇ મને તેના પર વિશ્વાસ બેસતાં મેં ૫૦ લાખ ભાગીદારી માટે ચેતન પરમારની પેઢીમાં ઓનલાઈન ટ્રાન્‍સફર કર્યા હતાં. તેની સામે ગઈ તા. ૨૬-૩- ૨૪ના ચેતને તેની પેઢીના ૫૦ ટકા ભાગીદારી ડીડ કરી આપી હતી. એ જ  દિવસે ચેતને ભવિષ્‍યમાં ભાગીદારી છૂટી કરવાની થાય તો ઝોમેટોમાં જે ૧ કરોડ ડીપોઝીટ મૂકી છે તે પરત લેવાની જવાબદારી મારી રહેશે તેવું લખાણ પણ  મને કરી દીધું હતું.

 ત્‍યારબાદ એપ્રિલ-૨૦૨૪માં ચેતન પાસે મેં હિસાબ માંગતા તેણે હજી કોઈ હિસાબ કર્યો નથી, થોડા દિવસમાં તમને આપી દઈશ તેવું જણાવ્‍યું હતું. બાદમાં મે મહિનામાં ફરીવાર મેં તેની પાસે હિસાબ માગતા તેણે હિસાબની જવાબદારી મારી રહેશે, નફા નુકશાન સાથે તમારે કાંઈ લાગતું વળગતુ નથી, તમારે હસ્‍તક્ષેપ કરવો નહીં, નફો કે નુકશાન જે થાય તે હું માર્ચ-એપ્રિલ-૨૦૨૪માં રૂા. બે-બે લાખ, મે-જૂનના રૂા. ૩-૩ લાખ અને જુલાઇથી દર ત્રણ માસે પાંચ-પાંચ લાખ રૂપિયા ફિક્‍સ કરીને તમને આપી દઈશ. જો ભાગીદારી છૂટી કરવાની થાય તો ૧૫ દિવસમાં રોકાણ કરેલ રૂપિયા આપી દઈશ તેવો સમજૂતિ કરાર કરી આપ્‍યો હતો.

ચેતને મને  બે-ત્રણ દિવસમાં મારી સાથે ફિક્‍સ નક્કી કરેલ રકમ આપી દેશે તેવુ઼ રૂબરૂમાં કહ્યું હતું. પરંતુ રકમ આપી ન હતી. તે ભાગીદાર હોવાથી સ્‍ટેટમેન્‍ટ અને બેલેન્‍સશીટમાં ઝોમેટોમાં ૧.૦૩ કરોડ ડીપોઝીટ અને રિસીપ્‍ટ રૂા. ૨૩.૫૦ લાખ તથા ૨૬.૫૦ લાખ અને અન્‍ય એન્‍ટ્રીઓના ડોકયુમેન્‍ટ બતાવ્‍યા હોઇ જેથી ખરાઈ કરતાં તે ખોટા હોવાનું દેખાયું હતું. જેથી આ બાબતે ચેતન સાથે વાત કરતાં તેણે આ બધું એડીટ કરીને બનાવ્‍યું હોવાનું કહેતાં મેં તેને હું તારા વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ કરીશ તેમ કહેતાં ચેતને મને ૨૬/૫/૨૪ના રોજ સાળા કાગળ પર પોલીસ કમિશનરને સંબોધીને મને લખી આપેલુ કે તા. ૨૭/૫ સુધીમાં ૨૦ લાખ અને ૨૮/૫ અથવા ૨૯/૫ સુધીમાં બાકીની તમામ રકમ પ્રોફીટ સાથે પરત આપી દેશે અને ભાગીદારી છુટી કરશે તેવું પોતાની સહી સાથેનું લખાણ કરી દીધુ હતું.

પરંતુ આ પછી પણ તેણે મને કોઇ રકમ આપી નહોતી. દિવસો પસાર થતાં મં મારી રકમ પાછી માંગતા તેણે કહેલું કે હવે મને બીજો પાર્ટનર મળી ગયો છે, તે પણ એક કરોડનું રોકાણ કરશે. તેથી હું તમને ભાગીદારીમાંથી છુટા કરશી. આ અંગે કાચુ ડીડ લાખણ મને બતાવ્‍યું હતું. પરંતુ ત્‍યારબાદ પણ ચેતને મને કોઇ રકમ આપી નહોતી અને છેલ્લે તે તેની ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઇઝ નામની ઓફિસ બંધ કરી જતો રહ્યો હતો. તપાસ કરતાં તે મેટોડા ગ્‍લોરીયસ સોસાયટી પ્‍લોટ નં. ૮૭માં પાઠક વિદ્યાલય સામે મહાદેવ મકાનમાં રહેતો હોવાની ખબર પડી હતી. અંતે તેના વિરૂધ્‍ધ મેં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં અતુલભાઇએ કહેતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ વી.આર. ઝાલાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:47 PM IST)