News of Thursday, 11th July 2024
ઉદ્યોગકારોના સેટલમેન્ટ અંગે શનિવારે એડી. કલેકટર ચેતન ગાંધી સમક્ષ ૩૦ કેસો અંગે ખાસ સુનાવણી યોજાશે
ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં આયોજનઃ રાજકોટ સહિત ૭ જીલ્લાના ૩૦ ઉદ્યોગકારોના કેસો મૂકાશે : સામે ગુજરાત તથા ગુજરાત બહારના ઉદ્યોગકારોઃ કુલ પ સભ્યોની કમિટી હિયરીંગ હાથ ધરાશે

રાજકોટ તા. ૧૧ :.. ઉદ્યોગકારોના સેટલમેન્ટ અંગે રાજય સરકારે માઇક્રોસ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસીલીટેશન કાઉન્સીલની ખાસ રચના કરી છે, આ કાઉન્સીલના અધ્યક્ષપદે રાજકોટના એડી. કલેકટરશ્રી ચેતન ગાંધી છે, તથા અન્ય ૪ પ્રતિનિધિઓ પણ છે.
આગામી શનિવારે તા. ૧૩ ના રોજ સવારે ૧૧ વાગ્યાથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં ઉદ્યોગકારોના સેટલમેન્ટ અંગે એડી. કલેકટરશ્રી ચેતન ગાંધી સમક્ષ ૩૦ કેસોની સ્પે. અને ખાસ સુનાવણી થશે, આ પહેલા બે હિયરીંગ થયા છે, પહેલા હિયરીંગમાં ૧૦ કેસ, બીજામાં રપ તથા શનિવારે ૩૦ કેસો મૂકાશે. આમાં રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, પોરબંદર, કચ્છ-ભુજ, દેવભૂમિ દ્વારકા, અને જુનાગઢના ઉદ્યોગકારોના પ૦ લાખ કે તેથી નીચેની રકમના કેસો અંગે સેટલમેન્ટ સંદર્ભે સુનાવણી હાથ ધરાશે, સામે ગુજરાત તથા ગુજરાત બહારના ઉદ્યોગકારો હશે, જેઓ ફીઝીકલી અથવા તો ઓનલાઇન સુનાવણીથી જોડાશે, માલ વેચેલો હોય અને નાણા ન મળ્યા હોય સહિતની બાબતના કેસો હોવાનું અને બધાની રેન્જ અલગ-અલગ તથા ર થી ૩ વર્ષ જૂના હોવાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું. હિયરીંગ કરનાર કમિટીમાં એડી. કલેકટર શ્રી ચેતન ગાંધી, જીલ્લા ઉદ્યોગ અધિકારી શ્રી મોરી, લીડ બેન્કના મેનેજર, રાજકોટ ચેમ્બર કોમર્સના પ્રતિનિધી તથા ગર્વમેન્ટ પ્લીડરનો સમાવેશ થાય છે.
(2:49 PM IST)










