<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

નેમીનાથ સોસાયટીમાં સેન્‍ટ્રલ જેલના સિનિયર કલાર્કના બંધ મકાનમાં ચોરીઃ ત્રણ તસ્‍કરો સીસીટીવીમાં દેખાયા

ચંદ્રકાંતભાઇ પરમારની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટઃ તા. ૧૩: ગાંધીનગરની નેમીનાથ સોસાયટીમાં રહેતા સેન્‍ટ્રલ જેલના સિનિયર કલાર્કના મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી રૂા. ૪૯ હજારની માલમતા ચોરી જતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નેમીનાથ સોસાયટીમાં રહેતા ચન્‍દ્રકાંતભાઇ મગનભાઇ પરમાર (ઉ.વ. ૫૭) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોતે પોપટપરા સેન્‍ટ્રલ જેલમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવે છે. પોતે તથા પત્‍ની બે પુત્ર અને પુત્ર વધુ પરિવારના સભ્‍યો તા. ૬ ના રોજ ઘરને તાળુમારી સાસણગીર ફરવા ગયા હતા. બીજા દીવસે રાત્રે પરત આવ્‍યા ત્‍યારે દરવાજાનું તાળુ ખોલી ઘરમાં પ્રવેશ કરતા બેમાળનું મકાન હોઇ જેમાં નીચેના માળે બે રૂમ અને ઉપરના માળે બે રૂમના ચારયે કબાટ ખુલ્લા અને સામાન વેરવીખેર જોવા મળ્‍યો હતો. પોતે તપાસ કરતા નીચેના માળે પાછળના ભાગે નવેરામાં આવેલી બારીના સળીયા તુટેલા હતા. અને રૂમમાં કબાટમાં રાખેલા રૂા. ૨૫ હજાર રોકડા, સોનાની વીટી, એક ઘડીયાળ, ચાંદીની  ચાર વીંટી તથા રૂા. ૨૦૦૦૦ ની કિંમતની ઇમીટેશનની જવેલરી મળી રૂા. ૪૯૦૦૦ ની માલમતાની ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોત તપાસ કરતા ઘરમાં લગાડેલા સીસી ટીવી કેમેરામાં ત્રણ શખ્‍સો દેખાયા હતા.બાદ પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણકરતા હેડકોન્‍સ એમ.એમ.બાડે ચંદ્રકાંતભાઇ પરમારની ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ.એસ.ગોહિલે તપાસ હાથધરી છે

(3:16 PM IST)