<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

રાજકોટ આરટીઓ ઓફિસર ખપેડને બદનામ કરતાં, કચેરીને ભ્રષ્‍ટ ગણાવતા ટ્‍વિટ બે બોગસ આઇડી પર થયાઃ પુર્વ એજન્‍ટ સકંજામાં

મોરબી રોડ પાવન પાર્કમાં રહેતાં સંજય ધુળકોટીયા વિરૂધ્‍ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયોઃ એએસઆઇ ડી. બી. કાકડીયા, હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કર્યોઃ પીઆઇ કે. જે. મકવાણા અને પ્રદિપભાઇ કોટડે આરોપીની પુછતાછ આદરી

રાજકોટ તા. ૧૩: રાજકોટના આરટીઓ ઓફિસર ખપેડ ગરીબોના મોતના સોદાગર છે, આરટીઓમાં પબ્‍લીકનો ડેટા સેફ નથી,  કચેરીમાં તમામ સરકારી કામ માટે અલગ અલગ રૂપિયા લેવામાં આવે છે, ભ્રષ્‍ટાચાર થાય છે તે પ્રકારે બે અલગ અલગ આઇડી પર ટ્‍વિટ કરી અધિકારીને બદનામ કરવામાં આવતાં અને કચેરીના કર્મચારીઓનુ મનોબળ  તોડવાનો પ્રયાસ થતાં આરટીઓ ઓફિસર દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં મોરબી રોડ પર રહેતાં પુર્વ આરટીઓ એજન્‍ટે બોગસ આઇડી ઉભી કરી આ ટ્‍વિટ કર્યાનું ખુલતાં ગુનો નોંધી તેને દબોચી લેવાયો છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે આરટીઓ ઓફિસર કેતનકુમાર મથુરભાઇ ખપેડ (રહે. બી-૧૦ સરકારી ક્‍વાર્ટર રેસકોર્ષ સામે)ની ફરિયાદ પરથી મોરબી રોડ સેટેલાઇટ ચોક ૮૦ ફુટ રોડ પાવન પાર્ક ફલેટ નં. ૪૦૧માં રહેતાં ટ્‍વિટર પર બીપીન જોષી અન ચિરાગ પરમારના નામે ફેક આઇડી બનાવનારા ધુળકોટીયા સંજય શાંતિલાલ વિરૂધ્‍ધ કલમ ૫૦૦ તથા આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

આરટીઓ ઓફિસર કેતનકુમાર ખપેડે જણાવ્‍યું છે કે તા. ૧/૬ના રોજ હું કચેરીએ હતો અને ઓફિસનું ટ્‍વિટર એકાઉન્‍ટ ચેક કરતો હતો ત્‍યારે એક આઇડી બીપીન જોષીના નામે હતી તેણે મારા નામનો ઉલ્લેખ કરી અમારી ઓફિસ આરટીઓ કચેરી રાજકોટ ખાતે તમામ સરકારી કામ માટે અલગ અલગ રૂપિયા લોવમાં આવતાં હોવાના અને ઓફિસમાં ભ્રષ્‍ટાચાર થાય છે તે બાબતના અલગ અલગ ટ્‍વિટ કરેલા હતાં. આ ઉપરાંત અન્‍ય ટ્‍વિટર આઇડી ચિરાગ પરમારના નામે હતી તેણે પણ મારા નામનો ઉલ્લેખ કરી આરટીઓ ઓફિસ રાજકોટ ખાતે તમામ કામ માટે પૈસા લેવામા આવે છે અને આરટીઓ કચેરીમાં પબ્‍લીકનો ડેટા સેફ નથી, આરટીઓ કે.એમ. ખપેડ ગરીબોના મોતનો સોદાગર છે તેમજ અલગ અલગ કામ માટેના રૂપિયા ભ્રષ્‍ટાચાર દ્વારા લેવામાં આવે છે તે પ્રકારના ટ્‍વિટ કરેલા હતાં.

આ ટ્‍વિટમાં કોઇ તથ્‍ય ન હોઇ અને અમે સરકારના નિયમો અનુસાર જ ફરજ બજાવતાં હોઇ તેમજ આરટીઓમાં નિયમો વિરૂધ્‍ધ કોઇ કામ કરવામા આવતું ન હોઇ તેમજ કોઇનો પણ ડેટા લિક કર્યો ન હોઇ તેમ છતાં બિપીન જોષી અને ચિરાગ પરમાર નામના ટ્‍વિટર ધારકે અમને બદનામ કરવા તથા આરટીઓ કચેરીના કર્મચારીઓનું મનોબળ તોડવા ટ્‍વિટ કર્યા હોઇ અમે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી. તેના આધારે ફરિયાદ નોંધાવી છે.

તપાસ થતાં અમારા નામે તથા કચેરીના નામે ખોટા આક્ષેપો કરનારા બંને ટ્‍વિટર ધારકોનો એક જ મોબાઇલ નંબર હોવાનું અને તેના સીડીઆરની માહિતી મેળવાતા આ નંબર ધુળકોટીયા સંજયભાઇ શાંતિલાલ (રહે. પાવન પાર્ક ફલેટ એ-વીંગ નં. ૪૦૧, મોરબી રોડ સેટેલાઇટ ચોક, એંસી ફુટ રોડ રાજકોટ)નો હોવાનું ખુલ્‍યુ઼ હતું. સંજય ધુળકોટીયાએ બે ખોટી આઇડી ટ્‍વિટર પર બનાવી ઓળખ છુપાવી અમારા તથા કચેરી પર ખોટા આરોપો મુકી અમને બદનામ કરી કચેરીના કર્મચારીઓનું મનોબળ તોડવા પ્રયાસ કર્યો હતો. તેમ વધુમાં આરટીઓ શ્રી ખપેડે જણાવતાં સાયબર ક્રાઇમના ઇન્‍ચાર્જ એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં એએસઆઇ ડી. બી. કાકડીયાએ ફરિયાદની તજવીજ કરતાં હેડકોન્‍સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ પીઆઇ કે. જે. મકવાણાએ હાથ ધરી છે. ઝડપાયેલો સંજય પોતે અગાઉ આરટીઓ એજન્‍ટ તરીકે કામ કરતો હોવાનું રટણ કર્યુ હતું. કોઇ કારણે દુભાયો હોવાથી આ ટ્‍વિટ કર્યાની શક્‍યતા છે. પોલીસ વિધીસર ધરપકડ બાદ આગળ પુછતાછ કરશે.

(10:04 AM IST)