<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

સ્‍ટેન્‍ડિંગ કમિટિ ચેરમેન માટે ૨૫ લાખની આધુનિક કાર ખરીદાશે

કાલે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠક : જયનાથ હોસ્‍પિટલ પાછળ શાકમાર્કેટથી વાણીયાવાડી-૬ને જોડતો ફુટ બ્રિજ બનાવવા, ખોડલ રાજ રીયલ હોમમાં ૯.૧૩ લાખના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇન નાંખવા સહિતની ૪૭ દરખાસ્‍તો અંગે નિર્ણય થશે

 

રાજકોટ તા. ૧૫ : આવતીકાલે મળનાર સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન માટે ૨૫ લાખની કાર ખરીદવા, જયનાથ હોસ્‍પિટલ પાછળ શાકમાર્કેટથી વાણીયાવાડી - ૬ને જોડતો ફુટબ્રીજ બનાવવા તથા વોર્ડ નં. ૪માં ખોડલ રાજ રિયલ હોમમાં ૯.૧૩ લાખના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન નાખવા સહિતની ૪૭ દરખાસ્‍તો અંગે નિર્ણય થશે.

મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટિની મીટીંગ તા. ૧૬ના મંગળવારે સવારે ૧૧ વાગ્‍યે સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમિટી કોન્‍ફરન્‍સરૂમમાં સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં મિટિંગ યોજાશે. જેમાં વિવિધ વિકાસકામો સહિતની ૪૭ દરખાસ્‍ત અંગે નિર્ણય થશે.

૨૫ લાખના ખર્ચે

કાર ખરીદાશે

કોર્પોરેશનના પદાધિકારી એટલે કે સ્‍ટેન્‍ડીંગ ચેરમેન માટે ૨૫ લાખના ખર્ચે નવી ઇનોવા કાર ખરીદવા એજન્‍ડામાં દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. આ અંગે સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરે વધુ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, છેલ્લે સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન માટે ૨૦૧૬માં ઇનોવા કાર લેવામાં આવી હતી. આ કાર ૨.૨૮ લાખ કિલોમીટર ચાલી છે. આ નવી હાઇબ્રીડ ઇનોવા કાર ખરીદવામાં આવશે જે શહેરમાં ઇલેકટ્રીકથી ચાલશે અને હાઇવે પર પેટ્રોલમાં ૧૮ થી ૨૦ની એવરેજ આપશે. અત્રે નોંધનિય છે કે, મનપાના મેયર, ડે.મેયર, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન, શાસક નેતા, વિપક્ષ નેતા તથા મ્‍યુ. કમિશનર સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ માટેની કાર ૧ લાખથી વધુ કિલોમીટર ચાલેલી કાર નિયમ મુજબ બદલાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત શહેરના વોર્ડ નં. ૧૪માં ગીતામંદિર રોડ, જયનાથ હોસ્‍પિટલ પાછળ શાકમાર્કેટ પાસે આવેલ વોંકળાથી વાણીયાવાડી શેરી નં. ૬ને જોડતો ફુટબ્રીજ ૨૩.૭૨ લાખના ખર્ચે બનાવવા, વોર્ડ નં. ૪માં અમદાવાદ હાઇવે પર આવેલ ખોડલ રાજ રિયલ હોમમાં ૯.૧૩ લાખના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન બીછાવવા તથા મનપામાં ૭માં પગાર પંચ મુજબના પગાર ધોરણના લેવલ ૯ માં (વર્ગ-૨) ફરજ બજાવતા અધિકારીઓને સળંગ નોકરીના ૧૨ વર્ષ બાદ ૭મા પગારપંચ મુજબના પગાર ધોરણના લેવલ ૧૧ મુજબ એટલે કે ૫૪૦૦ના બદલે ૬૬૦૦નો પે-ગ્રેડ નો લાભ આપવા સહિતની દરખાસ્‍તોનો સમાવેશ થાય છે.(

(3:15 PM IST)