News of Monday, 15th July 2024
રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ૧૩૦૦ બોર્ડ-બેનરો જપ્ત
મનપાની દબાણ શાખા ત્રાટકી : રસ્તા પર નડતર રૂપ ૭૬ રેંકડી, કેબીન, ૩૮૫ કિલો શાકભાજી-ફળના દબાણો હટાવાયાઃ ૬૨ હજાર વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ,તા. ૧૫: મનપાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧ થી તા.૧૧ દરમ્યાન કુલ રસ્તા પર નડતર રૂપ ૮૬ રેંકડી,કેબીન અને ૧૨૭૦ બોર્ડ,બેનરો જપ્ત કરેલ તેમજ રૂ.૬૧,૮૧૦નો વહીવટી ચાર્જ વસુલ વસુલવામાં આવ્યો છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ જયુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂપ ૮૬ રેકડી,કેબીન જપ્ત કરવામાં આવી હતી. જયોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૧૯૨ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.તથા જંક્શન રોડ, જયુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્મીનગર નાલા પાસેથી ૩૮૫ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
જ્યારે પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તાર, મટકી ચોક, સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.૩૯,૮૧૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૨૨,૦૦૦ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અંબીકા ટાઉનશીપ, કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ પરથી ૧૨૭૦ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(3:38 PM IST)










