<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

મેઘો વરસી પડતા રાજકોટમાં અનેક તાજીયા માતમમાં જ રહ્યાઃ રાત્રીના જુલૂસરૂપે ફરી ન શકયાઃ ઐતિહાસિક ઘટનાઃ બપોરે જુલૂસ યથાવત

કરબલાના શહીદોને અંજલિ અર્પિતઃ મુસ્‍લિમ સમાજ શોકમાં ગરકાવઃ જડબેસલાક બંધઃ શ્રધ્‍ધાભેર મનાવાતુ ‘આશૂરાહ' પર્વ : મેઘાવી માહોલમાં મહોર્રમઃ રઝાનગર-જંગલેશ્વર વિસ્‍તારમાં ત્‍થા સદર વિસ્‍તારમાં તાજીયાની રોનક વર્તાઇ : રૈયા રોડના કેટલાક તાજીયા સદર સુધી આવ્‍યાઃ શહેરી વિસ્‍તારના અમુક તાજીયા રૂટ ઉપર નિકળ્‍યાઃ બજરંગવાડીના તાજીયા કોલોની સુધી જ ગયાઃ જંગલેશ્વર વિસ્‍તારમાં સતત રપમા વર્ષે રાબેતા મુજબ મેદની રહી

રાજકોટ : ગઇકાલે વરસાદના લીધે રાજકોટ શહેર અને સદર વિસ્‍તારમાં તાજીયા પોતપોતાના માતમમાં જ રહેતા અને રાબેતા મુજબનું જૂલૂસ મોકૂફ રહેતા સદર વિસ્‍તારમાં એકત્ર થયેલ તાજીયા તસ્‍વીરમાં નજરે પડે છે આ તાજીયા જોવા ત્‍થા દુલ-દુલ નિહાળવા લોકો ઉમટયા હતા તો અખાડા સંચાલકોએ દાવ પણ રમ્‍યા હતા. જયારે અન્‍ય તસ્‍વીરોમાં જંગલેશ્વર અને રઝાનગરમાં રપ વર્ષથી જુલુસમાં નહી જોડાતા તાજીયા માતમમાં જ રહેલા અને અહીં ઉમટતી મેદની નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) (પ-૧૮)

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ શહેરમાં ગઇ સાંજે એકાએક ભારે વરસાદ વરસી જતા ચોતરફ પાણી પાણી થઇ ગયું હતું એ વેળા જ બીજી તરફ ગઇ સાંજે મહોર્રમ માસ નિમિતે બનેલા વિવિધ તાજીયા ઇમામખાનામાંથી બહાર આવ્‍યા બાદ માતમમાં જ રહ્યા હતા અને સાવચેતીના પગલે રાજકોટ શહેરમાં વર્ષોથી નિકળતા તાજીયાના જૂલૂસમાં આ તાજીયાઓ નહીં જોડાતા અને પોતપોતાના માતમમાં જ બેસી રહેતા ઐતિહાસિક ઘટના ઘટી હતી.

સાંજે વરસાદ ચાલુ થયા બાદ મેઘાવી માહોલ સર્જાઇ ગયો હતો જેના લીધે આ તાજીયાઓને માતમમાં જ જે તે જગ્‍યાએ રખાયા હતા જેના લીધે શહેર અને સદર વિસ્‍તારમાં નિકળતા તાજીયાના જુલુસ નહીં યોજવા તાજીયા કમિટીએ નિર્ણય લીધો હતો. આમ રાજકોટ શહેરમાં પહેલી જવાર તાજીયાનું જુલુસ મેઘવર્ષાના લીધે મોકૂફ રહેવા પામ્‍યું હતું.

સદર વિસ્‍તારની તાજીયા કમિટીના પ્રમુખ હબીબભાઇ કટારીયાએ જણાવ્‍યું હતું કે, સદર વિસ્‍તારના તાજીયા માતમમાં જ રહ્યા હતા અને રૈયા રોડ તરફના અમૂક તાજીયાઓને સદર સુધી જાહેર માર્ગો ઉપર આવવા દેવાયા હતા અને તે પછી સદર વિસ્‍તારમાં નિયાઝ વિતરણ કરાયેલી હતી.

 શ્રી હબીબભાઇએ વધુમાં જણાવ્‍યું છે કે, રાજકોટ શહેરમાં પહેલી જ વાર તાજીયાનું જૂલૂસ નિકળ્‍યું નથી. અને વરસાદી માહોલ થકી  પૂર્ણ સાવચેતી રખાઇ છે. સદર વિસ્‍તારના તાજીયા રૂટમાં ફર્યા નથી. જો કે આજે બપોરે જૂલૂસ યથાવત રહેશે.

બીજી તરફ રાજકોટ શહેરમાં મુસ્‍લિમ સમાજે જડબેસલાક બંધ પાળ્‍યો છે. જેમાં કતલખાના, નોનવેજની લારીઓ, હોટલો સુધા બંધ રહેવા પામેલ છે. તેમ શ્રી કટારીયાએ વધુમાં ઉમેર્યુ હતું.

જયારે તાજીયા સંચાલક મહેબૂબભાઇ પરમારએ જણાવ્‍યું હતું કે, રાજકોટ શહેર વિસ્‍તારમાં ત્રણ લાઇન દોરીમાં તાજીયાનું જૂલૂસ રાત્રીના નિકળે છે. પરંતુ વરસાદના લીધે ૧૦-૧પ તાજીયા રૂટ ઉપર આવ્‍યા હતા અને અન્‍ય તાજીયાઓ માતમમાં જ રહ્યા હતા જો કે વરસાદના લીધે સૌ તાજીયા સંચાલકોએ સાવચેતી રાખી હતી.

જેમાં દૂધની ડેરી વિસ્‍તારના અમૂક તાજીયા માતમમાં જ રહ્યા હતાં. આમ છૂટાછવાયા વિસ્‍તારોના ૧૦ થી ૧પ તાજીયા રૂટમાં આવ્‍યા હતા જો કે આજે બપોરે જૂલૂસ યથાવત રહેશે તેમ શ્રી પરમારે જણાવ્‍યું હતું.

દરમિયાન મુસ્‍લિમ અગ્રણી રઝઝાકભાઇ જામનગરીએ જણાવ્‍યું છે કે, વરસાદના લીધે રાત્રીના જ તાજીયા કમિટીએ સાવચેતીના લીધે નિર્ણય લેતા અનેક તાજીયા માતમમાં જ રહ્યા હતાં.

જયારે બજરંગવાડીના તાજીયા પુલના સમાર કામના લીધે માત્ર કોલોની સુધી ફરવા ગયા હતાં.

બીજી તરફ જંગલેશ્વર વિસ્‍તારના તાજીયા છેલ્લા રપ વર્ષથી કયાંય ફરવા જતા નથી અને હમેંશા માટે માતમમાં જ રહે છે. ત્‍યારે જંગલેશ્વર વિસ્‍તારના તાજીયા સાંજે માતમમાં આવી ગયા બાદ આ વિસ્‍તારમાં રાત્રીના પણ મેદની રહી હતી. અને વાઅઝ, નિયાઝ, સબિલ વિતરણના કાર્યક્રમો યથાવત રહ્યા હતાં.

 ગઇ સાંજે તાજીયા પોતપોતાના માતમમાંથી બહાર આવવાના હતા એ સમયે અથવા એ પૂર્વે કે પછી સૌરાષ્‍ટ્રભરમાં અનેક વિસ્‍તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાં ભારે રાહત મળી હતી. તો બીજી તરફ મેઘકૃપા વરસતા મેઘાવી માહોલ વચ્‍ચે પણ સર્વત્ર મહોર્રમની ઉજવણી કરવામાં આવી હતી.

સૌરાષ્‍ટ્રમાં ગઇકાલે સાંજે મોડેથી તાજીયા માતમમાં આવ્‍યા બાદ આખીરાત ફરીને એ જ સ્‍થળે રહ્યા પછી આજ સવારથી ફરી માતમમાં આવ્‍યા છે અને આજે મોડી રાતે તેને ફરી ઇમામખાનામાં પ્રસ્‍થાપિત કરી દેવાશે.

ખાસ કરીને આજે ૧૦ મી મહોર્રમનો દિવસ એટલે કે, ‘આશૂરાહ' પર્વ મનાવાઇ રહ્યો છે. અને આશુરાહ પર્વ મુસ્‍લિમ સમાજમાં અનેરૂ મહત્‍વ ધરાવતો દિવસ હોઇ આજે વિશેષ નમાઝ પઢવાની હોય છે. આ દિવસની આજે સવારે વિશેષ નમાઝ, દુઆ તે પછી કબ્રસ્‍તાનમાં શ્રાધ્‍ધ તર્પણ પણ વધારાના કાર્યક્રમો રહ્યા હતા.

બીજી તરફ આશૂરાહના લીધે મુસ્‍લિમ સમાજ શહીદોના શોકમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને મુસ્‍લિમ સમાજ દ્વારા જડબેસલાક શોકમય બંધ પાળી વિવિધ પઠન કરી, નિયાઝ વિતરણ કરી કરબલાના શહીદોને ભવ્‍ય અંજલિ અર્પિત કરવામાં આવી છે.

મહોર્રમ નિમિત્તે ખાસ કરીને પૈગમ્‍બર સાહેબના દૌહિત્ર ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની યાદ તાજી કરવામાં આવી રહી હોય મુસ્‍લિમ લતાઓમાં દરરોજ રાત્રીના હુસેૈની મહેફીલો યોજાઇ હતી જેની ગઇરાતે પૂર્ણાહૂતિ થઇ હતી.

બીજી તરફ મુસ્‍લિમ લતાઓ ઉપરાંત જાહેર રસ્‍તા અને જાહેર ચોકમાં સબીલો દ્વારા ઠંડાપીણા, ચા-કોફી, નાસ્‍તા વિતરણ કરાઇ રહ્યા છે એ ઉપરાંત ઠેર-ઠેર જાહેર નિયાઝના કાર્યક્રમો યોજાયા છે.

અનેક મુસ્‍લિમ વિસ્‍તારોમાં રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્‍યો છે.

મહોર્રમ નિમિત્તે કેટલાક મુસ્‍લિમ ભાઇ-બહેનો ૧૦ દિ'ના રોઝા રાખી રહ્યા છે. તેમાં પણ અનેક ભાઇ-બહેનોએ ગઇકાલે અને આજે બે દિ'ના રોઝા રાખેલ અને આજે ૧૦ મી મહોર્રમ ઇસ્‍લામ ધર્મમાં મહત્‍વનો દિવસ હોય ‘આશૂરા'ના દિવસે મુસ્‍લિમ બિરાદરો સવારે વિશેષ નમાઝ પઢી અને કબ્રસ્‍તાનોમાં ઉમટી પડી શ્રદ્ધાતપર્ણ કરેલ હતું. ગઇકાલે આશુરા રાત્રી મનાવાયેલ હતી.

ખાસ કરીને આજે સવારે મસ્‍જિદોમાં વિશેષ નમાઝ પઢાઇ હતી અને તે પછી અસરપરસ મુસ્‍લિમ બિરાદરોએ ક્ષમાયાચના કરી દુઆઓ કરી હતી.

આજે સાંજે ઠેર ઠેર રોઝા ખોલાવવાના  જાહેર કાર્યક્રમો યોજાયા છે. એ ઉપરાંત સબિલ ઉપર નિયાઝ વિતરણનો ધમધમાટ રહ્યો છે. આમ આજે શ્રધ્‍ધાભેર શહીદ દિન મનાવવામાં આવી રહ્યો છે. આજથી ૧૩૮૬ વર્ષ પહેલા કરબલા (ઇરાક) ના રેતાળ પ્રદેશના મેદાનમાં અપાયેલ ભવ્‍ય આહૂતિને યાદ કરતા રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કરબલાના શહિદોની સ્‍મૃતિ જીવંત થઇ ગઇ છે. અને મુસ્‍લિમ સમાજ શોકમય બની ગયો છે.

આમ આજે સાદગીભેર અને અશ્રુભેર આશૂરાહ પર્વ મનાવાઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તાજીયાના જાહેરમાં દર્શન થઇ રહ્યા છે. માતમના સ્‍થળોએ વિના ભેદભાવે લોકો દર્શન માટે ઉમટી રહ્યા હોઇએકતા ભર્યો  શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.  (પ-૧૪)

 

શહેરી લાઇનદોરીનો આજનો રૂટ

રાજકોટ : રાજકોટ શહેર વિસ્‍તારમાં તાજીયાનું જબરૂ જુલૂસ નીકળે છે. શહેરી વિસ્‍તારના તાજીયા બપોરે ર.૩૦ વાગ્‍યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્‍યે એકત્ર થશે અને રામનાથપરા જેલના ઝાપા પાસે પ.૩૦ વાગ્‍યે આવશે.

સાંજે ૬.૩૦ વાગ્‍યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે. કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્‍યે આવશે. ત્‍યાંથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોની બજારમાં જશે. બીજી લાઇનદોરી પેલેસ રોડ ઉપર જશે. સ્‍વામીનારાયણ મંદિરના ચોક પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્‍યે પહોંચશે. ૯ વાગ્‍યે આશાપુરા મંદિર પાસે પહોંચશે. ૧૦ વાગ્‍યે સંતોષ ડેરી પાસે પહોંચશે. ત્‍યાંથી તાજીયા આ લાઇન દોરીમાં અલગ-અલગ વિસ્‍તારમાં પરત ફરશે અને રાત્રીના ૧ર વાગ્‍યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્‍તારમાં પહોંચી પોતપોતાના ઇમામ ખાનાઓમાં ટાઢા થશે. (૫-૧૧)

 

સદર વિસ્‍તારના જુલુસનો રૂટ

રાજકોટ : સદર વિસ્‍તારમાં ૧૬ જેટલા તાજીયાઓનું નિર્માણ થયું છે. જેમાં નહેરૂનગર, લક્ષ્મીનગર, રૈયા, ભીસ્‍તીવાડ હેડકવાર્ટસ સહિતના વિસ્‍તારોના તાજીયાઓનો સમાવેશ થાય છે. આ તમામ તાજીયાઓ ઇમામખાનામાંથી બહાર આવી જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકાયા છે.

જયારે આજે બપોરે ફરી ગઇકાલની જેમ એ જ રીતે ચાલી ફુલછાબ ચોકમાં સાંજે એકત્ર થઇ ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, હરીહર ચોક, સદર બજારના રૂટ ઉપર ચાલી રાત્રીના ૧ વાગ્‍યે પરત ફુલછાબ ચોકમાં પહોંચી સમાપ્‍તિ જાહેર કરાશે.

 

મહોરમ

રો રહા આજ યે પુરા

     કરબલા કા મેદાન

ગરીબ મઝલુમ વાસ્‍ત

     ઇમામ હુશેન લડે મેદાન

યઝિદો ઔર ઇમામ હુશેન

     મે જંગ હુયી કરબલા મેદાન

ગરીબ ઔર માસુમ બચ્‍ચે કી

   એક હિ અવાઝ  યા હુશેન યા હુશેન

ફાતિમાં કા લાલ થે હુશેન

     કુરબાન કર દી અપની જાન

તાજીયા જુલુસ નિકલે તબસે

     મુસ્‍લીમ મે હુશેન કી પહચાન

મહિના હૈ રોઝે કા યે પ્‍યારે

     ખૈરાત નિયાજ બંટેગી મેદાન

દો દિન મોહરમ કા શૌક મનાયેંગે

     હિન્‍દુસ્‍તાન કા હર મુસલમાન

કવિ, શબ્‍દ રમેશ લિખ રહે હૈ

અરે ભૈયા કયા હિન્‍દુ-મુસલમાન

હિન્‍દુ ભી તાજીયા દેખ કર દુવા કરતે

રક્ષા કરના દેશ કી યે ઇમામ હુશેન

કવિ-રાજગોર-રમેશ એ.

(૯૬૬૪૯ પપ૮૦૪)

(3:59 PM IST)