News of Thursday, 18th July 2024
૮૦૦ ચેકડેમો અને ૧૩૭ રસ્તાના કામોની સરકારી સહાય માટે પંચાયતમાં ઠરાવઃ નકલી શાળા, રખડતા પશુઓ મુદ્દે દેકારો
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બે સભ્યોના ૬ પ્રશ્નોની ચર્ચા : કોંગીના મનસુખ સાકરિયાએ કહ્યુ પક્ષાપક્ષીનું રાજકારણ ચાલે છેઃ પ્રમુખે આક્ષેપને ખોટા ગણાવ્યા

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંચ પર પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજૂ ડાંગર, ડી. ડી. ઓ., ડો. નવનાથ ગવ્હાણે, ડે. ડી. ડી.અો. ઇલાબેન ગોહિલ, શ્રી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહેલ. નીચેની તસ્વીર ઉપસ્થિત સભ્યોની છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૧૮ :.. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીની અધ્યક્ષતામાં મળેલ. જેમાં ચેકડેમોની જાળવણી, રસ્તાના કામો વગેરે માટે સરકારી સહાય માંગતો ઠરાવ કરવામાં આવેલ. નકલી શાળા, ગામડાઓમાં રખડતાં પશુઓ વગેરે મુંદે વિપક્ષી સભ્ય મનસુખ સાકરિયા (ભાડલા) એ તંત્ર પર તડાપીટ બોલાવી હતી. તેના ૪ પ્રશ્નો તથા ભાજપના દક્ષાબેન પાદરિયાના બે વિકાસલક્ષી પ્રશ્નોની ચર્ચા થઇ હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના સમગ્ર જિલ્લાનાં વિવિધ રોડ રસ્તાઓની કુલ ૧૩૭ દરખાસ્ત કુલ રકમ રૂપિયા ૩૩પ કરોડ હાલ સરકારમાં કરેલ છે જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે મંજૂર કરવા સરકારમાં જિલ્લા પંચાયત રાજકોટ વતી ભલામણ કરવા માટે આજની સામાન્ય સભામાં ઠરાવ કરાયેલ.
જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ હસ્તક નાના મોટા અંદાજે ૮૦૦ ચેક ડેમો આવેલા છે જેના રીપેરીંગ, સમારકામ, જાળવણી માટે રાજકોટ જિલ્લાને એક વિશેષ પેકેજ સ્વરૂપે સરકાર તરફથી વધારાની ગ્રાન્ટ રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા પંચાયત રાજકોટ વતી કરવા માટે આજની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.
સભ્ય મનસુખ સાકરિયાના પ્રશ્નના જવાબમાં શિક્ષણાધિકારી દિક્ષિત પટેલએ જણાવેલ કે રાજકોટ જિલ્લાની તમામ સરકારી પ્રા. શા.માં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે તેમજ પ્રાઇવેટ શાળાઓમાં જે શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા નથી તેવી શાળાઓને નોટીસ આપવામાં આવેલ છે.
મનસુખ સાકરિયાએ રાજકોટના ગેમઝોન અગ્નિકાંડનો ઉલ્લેખ કરી પ્રશ્ન પૂછયો હતો. તેમણે ગામડાઓમાં બિનવારસી ઢોરના કારણે થતી. હેરાનગતિ બાબતે નિયમ મુજબ પગલા લેવા રજૂઆત કરતા વહીવટી તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પોતાના પ્રશ્નોની રજૂઆત વખતે મનસુખ સાકરિયાએ શાસકો સામે આક્રોશ ઠાલવેલ તેમણે પૂર્વ પ્રમુખ ભૂપત બોદરના શાસનના વખાણ કરી વર્તમાન શાસકો વિકાસ કામોમાં પક્ષાપક્ષીનું રાજકારણ કરતા હોવાનું જણાવેલ. પંચાયત પ્રમુખ પ્રવીણાબેને આ આક્ષેપ ફગાવ્યો હતો.
(3:24 PM IST)










