<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ચાંદીપુરા વાઇરસઃ સતર્કતા જરૂરી ગુજરાતમાં ટેન્‍શન વધારનાર

રાજકોટ તા. રર : હાલમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાઇરસે ટેન્‍શન સાથે આરોગ્‍ય તંત્રને દોડતું કરી દીધું છે ત્‍યારે આ વાઇરસથી ગભરાટમાં આવવાને બદલે તેને અટકાવવાના ભાગરૂપે - સતર્કતા ખૂબ જરૂરી છે. ચાંદીપુરમ વાઇરસથી ખાસ કરીને ૧૪ વર્ષ સુધીના બાળકો વધુ પ્રભાવિત થાય છે ત્‍યારે ચાંદીપુરમ વાઇરસ તાવ વિશે તથા સતર્કતાના પગલાઓ વિશે વાત કરીએ તો...

* સૌપ્રથમ વખત ઇ.સ.  ૧૯૬પ માં મહારાષ્‍ટ્રના નાગપુર જીલ્લાના ચાંદીપુરા ગામે પ્રથમ કેસ નોંધાયો હતો. ગામના નામ ઉપરથી આ વાઇરસનું નામ ચાંદીપુરમ પડયું હતું. તેને ચાંદીપુરા તરીકે પણ ઓળખાય છે.

* ઇ. સ. ર૦૦૩-૦૪ માં ઉત્તર ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્‍ટ્ર વિગેરેમાં ચાંદીપુરમ વાઇરસે કહેર મચાવ્‍યો હતો પણ અંદાજે ૩૦૦ થી ૪૦૦ લોકોના મૃત્‍યુ થયા હતાં.

* હાલમાં ગુજરાતમાં અંદાજે પ૦ જેટલા કે તેથી વધુ શંકાસ્‍પદ કેસો ચાંદીપુરમ વાઇરસના ગણાવાઇ રહ્યા છે, જેમાં ૧૬ જેટલા મૃત્‍યુ ચાંદીપુરમ વાઇરસથી થયાની શંકા ગુજરાતના આરોગ્‍ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે માત્ર એક જ કેસમાં જોવા મળ્‍યો હોવાના સમાચાર છે. હાલમાં રાજસ્‍થાન અને મધ્‍ય પ્રદેશ પણ ચાંદીપુરમ વાઇરસથી પ્રભાવિત છે.

* ચાંદીપુરમ વાઇરસને અટકાવવાના તથા તેની સામે સતર્કતાના ભાગરૂપે ઘરમાં મચ્‍છર કે માખીનો ઉપદ્રવ અટકાવવો જરૂરી છે. સેન્‍ડ ફલાય સામે રક્ષણ મેળવવા બાળકોને મચ્‍છર - માખી સામે રક્ષણ આપતા ક્રીમ લગાવવા, રોલોઓન કે કોપરેલ તેલનો ઉપયોગ કરવો હિતાવહ છે.

* મચ્‍છર અગરબતી, કપુરદાનીમાં કપુરનો ઉપયોગ, લીમડાનો ધૂપ વિગેરે પણ યોગ્‍ય માત્રામાં કરવા, જેથી મચ્‍છર-માખી-સેન્‍ડ ફલાયનો ઉપદ્રવ ઘટશે. હાલમાં વરસાદની સિઝન હોય, ડેન્‍ગ્‍યુ, મેલેરીયા, તાવ-શરદી, ટાઇફોઇડ જેવા રોગો પણ જોવા મળતા હોય છે તો આ રોગો સંદર્ભે પણ ડોકટરની સલાહ લેવી હિતાવહ છે. પોતાની રીતે દવા લેવાથી બને તો બચવું જરૂરી છે.

* બાળકો સ્‍કૂલે જાય ત્‍યારે અને ત્‍યાં સુધી આખા હાથ-પગ ઢંકાઇ જાય તેવી રીતે બૂટ-મોંજા તથા સ્‍કૂલ ડ્રેસ પહેરાવવા જોઇએ. મચ્‍છર-માખી સામે રક્ષણ આપતી ક્રીમ કે પછી ઓઇલનો ઉપયોગ કરવો જરૂરી છે. યોગ્‍ય નિયમો રાખવા હિતાવહ છે.

* બાળકોના અભ્‍યાસ વર્ગ ખંડમાં રમત-ગમતના મેદાનમાં બાગ-બગીચામાં વિગેરે જગ્‍યાએ પૂરતા પ્રમાણમાં જરૂરી દવાનો છંટકાવ કરવો જોઇએ, કે જેથી ચાંદીપુરમ વાઇરસને અટકાવવામાં મદદ મળે.

* ફેમિલી ડોકટરની સલાહ મુજબ બાળકોને મલ્‍ટી વિટામીન, વિટામીન સી સાથેનો ખોરાક, શકિત વર્ધક અને રોગપ્રતિકારક શકિત વધારતો ખોરાક વિગેરે આપવા જોઇએ.

* શકય હોય તો બહારનું ખાવા-પીવાનું  ટાળવું જોઇએ અને ભીડભાડ વાળી જગ્‍યાએ જવાનું ટાળવું જોઇએ.

* ખાસ કરીને ચાંદીપુરમ વાઇરસ સામેથી વેકસીન ન હોવાનું સામે આવી રહ્યું છે ત્‍યારે ‘ચેતતા નર સદા સુખી' કહેવત ને સાર્થક કરવાના હેતુ સાથે સતર્કતા ખૂબ જ જરૂરી છે. કોઇપણ દવા પોતાની રીતે લેવા કરતા ડોકટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

* સેન્‍ડફલાય (ચાંદીપુરમ વાઇરસ ફેલાવતી માખી) થી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરનો તેમજ બહારના ભાગમાં રહેલ છીદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઇએ.

* ઘરની અંદર મોટેભાગે સૂર્યપ્રકાશ-હવા ઉજાસ આવે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવી.

* ૧૪ વર્ષ સુધીના બાળકોને શકય હોય ત્‍યાં સુધી જંતુનાશક દવાયુકત મચ્‍છરદાનીમાં સુવડાવવા હિતાવહ છે.

* બાળકને લાંબા સમયથી તાવ આવે, ઉલ્‍ટી થાય, ઝાડા થાય, ખેંચ આવે કે પછી બાળક બેભાન કે અર્ધભાન થઇ જાય તો તુરંત જ ડોકટરનો સંપર્ક કરવો હિતાવહ છે. આ બધા ચાંદીપુરમના લક્ષણો છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાઇરસે ભય સર્જયો છે. ત્‍યારે તેનો ફેલાવો ન થાય તે માટે જાગૃત રહેવું અત્‍યંત જરૂરી છે. (સૌજન્‍ય : પીયુષ જાવિયા-યશ મેડીકલ, રાજકોટ)

(11:59 AM IST)