<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ભાડે કાર મેળવી બારોબાર વેંચી મારનાર મેટોડાના ચેતનનું વધુ એક કારસ્‍તાનઃ ૪૮.૭૫ લાખની ઠગાઇઃ ત્રણ કાર જપ્‍ત

નવાગામના જયેશ અગ્રાવત અને તેના સગા સંબંધીઓની કાર મેળવી શરૂઆતમાં ભાડુ ચુકવી પછી ધૂંબો મારી દીધો'તો : માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્‍યોઃ કોડીનાર, મોરબીથી ત્રણ કાર કબ્‍જેઃ ફરાર ચેતન પરમારની શોધખોળ

રાજકોટ તા. ૨૨: ભાડેથી કાર મેળવી શરૂઆતમાં ભાડુ ચુકવ્‍યા બાદ બારોબાર આ કાર સગેવગે કરી લાખોની ઠગાઇનો વધુ એક બનાવ નોંધાયો છે. મેટોડા રહેતાં ગઠીયાએ નવાગામના યુવાન તથા તેના સગા સંબંધીઓ, મિત્રો પાસેથી ઇનોવા, અર્ટીગા સહિતની ૮ કાર ફલીપકાર્ડમાં ભાડેથી મુકવાના નામે દર મહિને ૩૪૦૦૦ ભાડુ ચુકવવાનું નક્કી કર્યા બાદ ભાડુ પણ ન આપી કાર બારોબાર ગૂમ કરી દઇ રૂા. ૪૮,૭૫,૦૦૦ની ઠગાઇ કરતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ચેતનની શોધખોળ શરૂ કરી છે. આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ નોંધાયેલા ગુનામાં પણ તે વોન્‍ટેડ છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે નવાગામ શક્‍તિ સોસાયટી મેઇન રોડ પર સર્વેશ્વર સ્‍કૂલ પાસે રહેતાં અને નાના મવા રોડ સુર્યમુખી હનુમાનજી પાસે ક્રિષ્‍ના પાઇપ એન્‍ડ સેનેટરી વેર્સ નામે દૂકાનમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે નોકરી કરતાં જયેશ દુર્લભભાઇ અગ્રાવત (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી મેટોડા રહેતાં ચેતન કનકભાઇ પરમાર વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ જયેશ તથા અન્‍ય લોકો પાસેથી ફલીપકાર્ડમાં માસીક ભાડેથી કાર મુકવાથી ફાયદો થશે તેમ કહી રૂા. ૪૮,૭૫,૦૦૦ની ૮ કાર ભાડેથી મેળવી ભાડુ પણ ન આપી કાર બારોબાર સગેવગે કરી દીધાનો ગુનો નોંધ્‍યો છે.

જયેશ અગ્રાવતે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગત ફેબુ્રઆરી માસમાં મારા મિત્ર નરેન્‍દ્ર સોંદરવાએ કહ્યું કે તમારી પાસે જે ઈનોવા કાર છે તે ભાડે આપવી હોય તો કહેજો મારા સગા ચેતનની ૧૫૦  ફૂટ રીંગ રોડ પર ટવીન સ્‍ટાર ખાતે  ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઈઝ નામની ઓફીસ છે. જયાં તે ફિલીપકાર્ડમાં ગાડીઓ ભાડે મુકાવે છે. જેથી નરેન્‍દ્ર અને ભત્રીજા ઉમંગ સાથે હું ચેતનની ઓફીસે ગયો હતો અને વાત કરી હતી. ત્‍યારબાદં રૂ. ૩૪,૦૦૦ના ભાડામાં કાર મુકવાનું નકકી થયું હતું. તે વખતે ચેતને મને જણાવ્‍યું કે તમામ ખર્ચ અને ડ્રાઈવર કંપનીનો રહેશે. બાદમાં સર્વીસ એગ્રીમેન્‍ટમાં મારી સહી કરાવી હતી. આ વાત મેં સગાવ્‍હાલા અને મિત્રોને કરતાં તેઓ પણ પોતાની કાર ભાડે મુકવા તૈયાર થયા હતા. જેમાં મારા સાળા વિશાલ નરોતમભાઈ નિરંજનીની ઈનોવા, બીજા સાળા હિતેષ બાબુલાલ અગ્રાવતની અર્ટીગા, ભત્રીજા ઉમંગ અશોક અગ્રાવતની ઈનોવા, ઉમંગના મિત્ર મયુરસિંહ ધીરૂભાઈ પરમારની ઈનોવા, ઉમંગના બીજા મિત્ર રામજીભાઈ વલુભાઈ શિયાળીયાની ઈનોવા અને ઉમંગના ત્રીજા મિત્ર રવિગીરી ઈશ્વરગીરી ગોસ્‍વામીની અર્ટીગા ઉપરાંત હિરેનગીરી ભરતગીરી મેઘનાથીની ઈનોવા કાર મળી અમે કુલ ૮ ગાડીઓ ભાડેથી મુકી હતી. 

ચેતને શરૂઆતમાં ઓનલાઈન અને રોકડેથી અમને ભાડુ ચુકવ્‍યું હતું. પરંતુ બાદમાં ભાડુ ચુકવવાનું બંધ કરતાં ગઈ તા. ૬ જૂનના રોજ અમે ચેતનની ઓફીસે તપાસ કરતાં તે બંધ મળી આવી હતી. એટલું જ નહી તેણે દેવાળું ફુંકયાની અને કોઈની પણ કાર ભાડે નહીં આપી સગેવગે કર્યાની માહિતી મળી હતી. જેના આધારે તેના વિરૂધ્‍ધ અરજી કરી હતી. તેના પરથી માલવીયાનગર પોલીસે અમન ે બોલાવી હવે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.   પોલીસે જણાવ્‍યું કે આરોપી ચેતન વિરૂધ્‍ધ આ અગાઉ પણ લાખોના ચીટીંગનો ગુનો નોંધાયો છે. જેમાં પણ તે વોન્‍ટેડ છે.  તેના વિરૂધ્‍ધ અત્‍યાર સુધી જે બે ગુના નોંધાયા છે તે પહેલા તે ઓફીસેથી લાપત્તા થયાની જાહેરાત પણ માલવીયાનગર પોલીસમાં કરવામાં આવી છે. તેનો હાલ કોઈ પત્તો નથી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં  એએસઆઇ પી. એન. પરમારે ગુનો દાખલ કરતાં પીએસઆઇ જે. એચ. ચાવડાએ વધુ તપાસ શરૂ કરી છે.

કોડીનાર, મોરબી, ગોંડલમાં બારોબાર કાર વેંચી દીધી, ગીરવે મુકી દીધીઃ ૩ કાર કબ્‍જે

ઞ્જ જાણવા મળ્‍યા મુજબ ભોગ બનેલા ફરિયાદી જયેશ અગ્રાવત સહિતના લોકોએ પોતાની રીતે તપાસ કરતાં ચાર ગાડી કોડીનાર, ત્રણ ગાડી ગોંડલ અને એક ગાડી મોરબી ખાતે અલગ અલગ લોકોને વેંચાણ કરાર કરી બારોબાર વેંચી નાખી હતી અથવા તો ગીરવે મુકી દીધી હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ શરૂ કરી જે ૮ ગાડીઓ બારોબાર વેંચી દેવાઇ તે પૈકી કોડીનાર અને મોરબીથી ત્રણ કાર કબ્‍જે લીધી છે. જેમાં બે ઇનોવા અને એક અર્ટીગા સામેલ છે.

(12:14 PM IST)