<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

રાજકોટ ઝનાના હોસ્‍પિટલમાં ચાંદીપુરાની શંકા સાથે દાખલ ૧૧ વર્ષની બાળાનું મોત

મોટા મવામાં રહેતો પરિવાર મુળ દાહોદનો વતનીઃ રિપોર્ટ આવવાનો બાકીઃ રાજકોટ હોસ્‍પિટલનો મૃત્‍યુ આંક ૭ થયો : સિવિલમાં આજે પાંચ દર્દી સારવારમાં: જેમાં બેના રિપોર્ટ પોઝિટીવ

રાજકોટ તા. ૨૬: રાજ્‍યભરમાં ચાંદીપુરા વાયરસને કારણે મૃત્‍યુની ઘટનાઓ બની રહી હોઇ આરોગ્‍ય તંત્રમાં દોડધામ મચી છે. રાજકોટ સિવિલ હોસ્‍પિટલ સંલગ્ન ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં ચાંદીપુરાની શંકા સાથે દાખલ કરાયેલી વધુ એક બાળકીનું આજે મૃત્‍યુ થયું છે. મોટા મવા વિસ્‍તારમાં રહેતો આ બાળકીનો પરિવાર મુળ દાહોદનો વતની છે. આ બાળકીનો રિપોર્ટ આવવાનો બાકી હતો. ગઇકાલે જ તેણીને દાખલ કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ચાંદીપુરાના શંકાસ્‍પદ કેસમાં મૃત્‍યુ  આંક ૭ થયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગઇકાલે મોટા મવાની ૧૧ વર્ષની બાળકીમાં ચાંદીપુરાનાં લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે ખસેડી સેમ્‍પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્‍યા હતાં. જો કે રિપોર્ટ આવે તે પહેલા જ આ બાળકીનું આજે મૃત્‍યુ થયુ છે. આ બાળકીનો પરિવાર મુળ દાહોદનો વતની છે.

અગાઉ ગત તારીખ ૨૦ જુલાઈના રોજ મોકલવામાં આવેલા પડધરીની ૭ વર્ષની બાળકીનો રિપોર્ટ ગઇકાલે પોઝીટીવ જાહેર થયો હતો. જેને પગલે હવે પોઝીટીવ દર્દીઓનો આંકડો બે થયો છે. આજે સિવિલ હોસ્‍પિટલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. જે પૈકી ત્રણના રિપોર્ટ બાકી છે. સિવિલ હોસ્‍પિટલનાં મીડિયા કો-ઓર્ડીનેટર ડૉ. હેતલ કયાડાનાં જણાવ્‍યા મુજબ હાલ સિવિલ હોસ્‍પિટલની ઝનાના હોસ્‍પિટલમાં ચાંદીપુરા વાયરસના પાંચ બાળકોની સારવાર ચાલી રહી છે. જેમાં ૨ બાળકો પોઝીટીવ છે અને ત્રણ બાળકોના રિપોર્ટ હજુ આવ્‍યા નથી. હાલમાં પોઝીટીવ દર્દીઓ પૈકી એક બાળકી વેન્‍ટિલેટર પર અને બીજી બાળકી રૂમ એર ઉપર એકદમ નોર્મલ છે. સિવિલ હોસ્‍પિટલમાં ચાંદીપુરા વાયરસ સામે લડવા હાલ પૂરતી દવાઓ અને સ્‍ટાફ સહિતની સુવિધા ઉપલબ્‍ધ હોવાનું જણાવાઇ રહ્યું છે.

મોટા મવાની અગિયાર વર્ષની બાળકીનું મૃત્‍યુ થવા સાથે ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં અત્‍યાર સુધીમાં કુલ મૃત્‍યુ આંક સાત થયો છે. અગાઉ છના મોત થયા હતાં. જેમાં એકનો રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો હતો.

(3:02 PM IST)