તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 26th July 2024
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના સંયોજક પદે નિતેશ કથીરિયાઃ સહસંયોજક કુણાલ વ્યાસ
સ્પર્ધામાં ભાગ લેવા કાલે સાંજ સુધીમાં સૂત્ર મોકલો

રાજકોટ, તા. ર૬ : વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર દ્વારા દર વર્ષે ખાસ કરીને શ્રાવણ મહિનાથી શરૂ થતા અનેકવિધ તહેવારોની રંગે-ચંગે ઉજવણી કરવામાં આવે છે. વિશેષ રૂપે જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન મોટા પાયે થતુ હોય છે. આ વર્ષે પણ સૂત્ર સ્પર્ધા તથા બાળકો માટે રંગ પૂરણી હરીફાઈ, ગોપી-કિશન સ્પર્ધા સહિતના અનેક કાર્યક્રમો સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો ઉપર સહવિશેષ આયોજનને ઘ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીના ભાગ રૂપે વિ.હિ.પ.દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ર૮ સાંજે ૭ વાગ્યે નાગર બોર્ડીંગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કુલ સામે કાર્યાલય ઉદ્્ઘાટન કરવામાં આવશે. વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અઘ્યક્ષ શ્રી શાંતુભાઈ રૂપારેલીયા તથા કાર્યકારી અઘ્યક્ષ હસુભાઈ ચંદારાણા દ્વારા આગામી જન્માષ્ટમી મહોત્સવના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળે તેની વિગતવારની જાણકારી તથા માહિતી અને સુચનો આપેલ હતા
વિ.હિ.પ. પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ઉજવણીના ભાગ રૂપે અનેક જવાબદારીઓ બનતી હોય છે. આખા મહોત્સવની જવાબદારી જેના ખંભા ઉપર રહે છે તેવા મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, વિ.હિ.પ. ના પદાધિકારી, જાણીતા એડવોકેટ શ્રી નીતેશભાઈ કથીરીયાની વરણી કરવામાં આવેલ છે તેમજ સહ-ઈન્ચાર્જ તરીકે કૃણાલભાઈ વ્યાસની પસંદગી કરવામાં આવી છે તેઓ પણ અનેક સામાજીક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના આ નવનિયુકત ઈન્ચાર્જ શ્રી નિતેશભાઈ કથીરીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રવિવારે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મઘ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન સંતો-મહંતો, સામાજીક આગેવાનો અને કાર્યકર્તાઓની બહોળી હાજરી વચ્ચે કરવામાં આવશે. ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવ સારી રીતે ઉજવાય તે માટે અલગ-અલગ કમીટીઓ પણ બનાવવામાં આવશે તથા રાજકોટ શહેરમાં વિવિધ મંડળો દ્વારાજે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવામાં આવે છે તેનો પણ સંપર્ક કરવામાં આવશે.
જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત સૂત્રો કાલે શનિવારે સાંજે પ વાગ્યા સુધી મોકલી આપવા (મો. ૯૪ર૭ર ર૧૧ર૪) જણાવાયું છે.
(2:27 PM IST)










