News of Friday, 26th July 2024
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વગર ૨૦ પ્રોફેસરો નવરા
બી-ગ્રેડની યુનિવર્સિટીથી મોઢુ ફેરવતુ વિદ્યાર્થી જગત : મહિને અઢી થી ત્રણ લાખનો પગાર મેળવતા પ્રોફેસરોને રાજ્ય સરકારને હવાલે કરી સરકારી કામગીરી સોંપવા વિચારણા : કરોડોના ખર્ચે બનેલા ભવનો પણ બીસ્માર થઇ રહ્યા છે

રાજકોટ તા. ૨૬ : વાયબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારે અનિયમિતતા સર્જાય છે. ખાનગીકરણની સીધી અસર રાજ્યના શિક્ષણજગત ઉપર પડી છે. સરકારી શાળાઓ જેમ મૃતપાય થઇ તેવી રીતે સરકારી કોલેજોની પણ હાલત દયનિય બની છે. હવે ધીરે ધીરે ખાનગીકરણની અસર તેમજ લાખોનો પગાર કટકટાવતા કર્મચારીઓની કામ પ્રત્યેની વફાદારીની અસર હવે શૈક્ષણિક ભવનો અને યુનિવર્સિટી કક્ષાએ જોવા મળી છે.
રાજકોટ અને ગુજરાતમાં કહેવાય છે કે શિક્ષણ મેળવવું તો ખાનગી શાળામાં અને નોકરી કરવી તો સરકારી યુનિવર્સિટી અને તેના ભવનો તેમજ ગ્રાન્ટેડ શાળા - કોલેજોમાં... જ્યાં સુધી ખાનગી કોલેજો કે શાળાના શિક્ષકો સરકારી શાળા કે યુનિવર્સિટીના ભવનોના કર્મચારી બને પછી થોડા જ સમયમાં તેમની કર્તવ્ય નિષ્ઠા ખોવાય જાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા ખૂબ અચકાય છે. પૂર્વ કુલપતિ કનુભાઇ માવાણીના અથાગ પ્રયત્નોથી એ-ગ્રેડની બની ગયેલી યુનિવર્સિટી તેમના નબળા સત્તાધીશો અને અધ્યાપકોની કર્તવ્યનિષ્ઠા તેમજ સતત રાજકારણને કારણે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી-ગ્રેડની બની ગઇ છે અને આવનારા સમયમાં કદાચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગ્રેડ-સી આવે તો પણ નવાઇ નહિ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણનું સ્તર તળિયે ગયું છે. કેટલાક ભવનોને બાદ કરતા મોટાભાગના ભવનોમાં અધ્યાપકો માત્ર ઉડતી મુલાકાત જ લે છે. શિક્ષણ કાર્ય તો દૂર રહ્યું છે. મહિને બે થી સવા ત્રણ લાખનો પગાર કટકટાવતા કેટલાક પ્રોફેસરો ભવનો, કલાસરૂમ ને બદલે ઘરે કે અન્ય જગ્યાએ હાજર રહેતા હોય છે.
યુજીસી તેમજ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની દર વર્ષે ગ્રાન્ટ આવે છે છતાં વિદ્યાર્થી કલ્યાણને બદલે અધ્યાપકો આત્મકલ્યાણના માર્ગે ચાલતા હોય ગ્રાન્ટ વણ વપરાયેલી રહે છે. છેલ્લા પાંચ વર્ષથી સંશોધન કાર્ય સદંતર ઠપ્પ થઇ ગયું છે.
નવા શૈક્ષણિક વર્ષ ૨૪-૨૦૨૫માં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓએ જાણે બી-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી મ્હોં ફેરવ્યું હોય તેમ ખાનગી યુનિવર્સિટી - ખાનગી કોલેજોમાં અનુસ્નાતક કક્ષાની બેઠકોમાં વિદ્યાર્થીઓ તગડી ફી ભરીને પ્રવેશ મેળવે છે પરંતુ નજીવા દરે શિક્ષણ મેળવવાનું પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે માંડી વાળે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશની સંખ્યા જોઇએ તો કુલ ૧૫૬૩ની કુલ સંખ્યામાંથી માત્ર ૯૯૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે જ્યારે ૫૭૩ બેઠકો ખાલી રહી છે. તેમાય નેનો સાયન્સ ભવનમાં ૪૦ની બેઠક સામે માત્ર ત્રણ જ એડમિશન થયા છે. જ્યારે બાયો કેમેસ્ટ્રીમાં ૨૫ની સંખ્યા સામે ત્રણ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે. જ્યારે માસ્ટર ઓફ કોમર્સમાં ૨૫ની સંખ્યામાં ૩, ઇલેકટ્રોનિકસ ભવનમાં ૪ અને બાયો સાયન્સ ભવનમાં ૫ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
સૌથી ચોકાવનારી બાબત એ છે કે નેનો સાયન્સ ભવનમાં માત્ર ૩ વિદ્યાર્થીઓ છે અને ભવનમાં ૪ તો પ્રોફેસરો છે. ઇલેકટ્રોનિકસ ભવનમાં ૪ વિદ્યાર્થીઓ સામે ત્રણ પ્રોફેસરો ફરજ બજાવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અન્ય ભવનોમાં કેમેસ્ટ્રી ભવનમાં ૧૦૦ સંખ્યાની સામે ૯૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે અંગ્રેજી ભવનમાં ૬૦ બેઠકો સામે ૬૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તેવી જ રીતે મેથેમેટીકસમાં ૫૦ બેઠકોમાં ૫૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
ભારત સરકાર અને રાજ્ય સરકાર દર વર્ષે લાખો - કરોડોનો ખર્ચ આ ભવનો પાછળ કરતું હોય છે ત્યારે હાલ કેટલાક ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જતાં ૨૦ થી વધુ પ્રોફેસરોને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના હવાલે કરવાની વિચારણા ચાલી રહી છે.
વર્તમાન કાર્યકારી કુલપતિ કમલભાઇ ડોડીયા પણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને લઇને ખૂબ ચિંતીત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કેટલાક ભવનમાં અભ્યાસ કેમ નથી કરતા ? ઓછી સંખ્યાથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આર્થિક ભારણ પણ થઇ રહ્યું હોવાનું જણાય રહ્યું છે ત્યારે અમુક ભવનો અને તેની શાખાઓ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરીને અધ્યાપકોને ફાજલ કરીને રાજ્ય સરકારના હવાલે કરવાની વિચારણા ચાલી રહ્યાનું જાણવા મળે છે.
(2:48 PM IST)










