<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

બંગડી બજારમાં હેન્‍ડીક્રાફટની દૂકાનમાં આગ ભભૂકીઃ ફાયર બ્રિગેડે તુરંત કાબુમાં લીધીઃ ગીચ બજારમાં બનાવથી પોલીસ અધિકારીઓ પણ દોડયા

બીજા માળે શોર્ટ સરકિટને કારણે બનાવઃ જાગૃત નાગરિકે ધૂમાડા નિહાળતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને દૂકાન માલિકને જાણ કરતાં તુરંત આગ કાબુમાં લેવાઇ

રાજકોટ તા. ૨૬: શહેરની ગીચ બજાર ગણાતી બંગડી બજારમાં સવારે એક કોમ્‍પલેક્ષના બીજા માળે આવેલી હેન્‍ડીક્રાફટની દૂકાનમાં આગ ભભૂકતાં બજારમાં દોડધામ મચી ગઇ હતી. આ વખતે એક જાગૃત નાગરિક ત્‍યાંથી પસાર થતાં તેણે ધૂમાડાના ગોટેગોટા નિહાળતાં તુરત જ પોલીસ, ફાયર બ્રિગેડ, દુકાન માલિકને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત પહોંચી પાણીનો મારો ચલાવી આગને તુરંત કાબુમાં લીધી હતી. જો કે પુઠા, પ્‍લાસ્‍ટીકનો જથ્‍થો હોઇ તેના કારણે ધૂમાડા મોડે સુધી નીકળવાનું ચાલુ રહ્યું હતું. આજુબાજુની દૂકાનો બચાવી લેવાઇ હતી અને મોટી દુર્ઘટના બનતી અટકી હતી.

જાણવા મળ્‍યા મુજબ બંગડી બજારમાં હેન્‍ડીક્રાફટની દૂકાનમાં આગ લાગ્‍યાની જાણ થતાં ફાયર બ્રિગેડના ઓફિસર, જવાનો ફાયર ફાઇટરો સાથે પહોંચ્‍યા હતાં અને આગ બુઝાવી હતી. આગ બંગડી બજારમાં આડા રોડ પર રાજદીપ કોલ્‍ડ્રીંકની બાજુની શેરીમાં પરીમલ હેન્‍ડીક્રાફટ નામના શો રૂમમાં લાગતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. હતી. એ-ડિવીઝન પોલીસના અધિકારીઓ પણ તુરંત પહોંચી ગયા હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી. દરમિયાન એક પોપડુ પડતાં ફાયર બ્રિગેડના જવાન હરેશભાઇ શિયાળને હાથમાં ઇજા પહોંચતા સારવાર માટે લઇ જવાયા હતાં.

દરમિયાન ઘટના સ્‍થળે હાજર હિરેનભાઇ નરસાણા નામના નાગરિકે જણાવ્‍યું હતું કે સવારે દસેક વાગ્‍યે હું બંગડી બજાર આડા રોડ પરથી પસાર થતાં હતાં ત્‍યારે તેણે પરિમલ હેન્‍ડીક્રાફટ નામના બિલ્‍ડીંગના બીજા માળે ધૂમાડાના ગોટેગોટા જોવા મળતાં તેમણે તુરત જ પહેલા પોલીસને જાણ કરી હતી, એ પછી ફાયર બ્રિગેડ અને દૂકાન માલિકને જાણ કરતાં તેઓ પણ તુરંત આવી ગયા હતાં. જીઇબીની ટીમે પણ તાકીદે પહોંચી વિજપુરવઠો કાપી નાખ્‍યો હતો.

ફાયર બ્રિગેડના અધિકારીઓએ ટીમ સાથે પહોંચી ત્રણ ફાયર ફાયટરની મદદથી આગ ઓલવવાની શરૂઆત કરતાં આગ આગળ વધતી અટકી હતી. ગીચ બજારમાં આવેલી દૂકાનમાં આગ લાગ્‍યાની જાણ થતાં એસીપી, પીએસઆઇ, એએસઆઇ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ પણ દોડી ગયા હતાં. ફાયર ઓફિસરે જણાવ્‍યું હતું કે આગ તુરંત કાબુમાં આવી ગઇ હતી. શોર્ટ સરકિટને કારણે આગ લાગી હતી. જ્‍યાં આગ ભભૂકી હતી એ પરિમલ હેન્‍ડીક્રાફટના માલિકનું નામ વિપુલભાઇ હિમતભાઇ જોબનપુત્રા હોવાનું અને તેઓ એરપોર્ટ રોડ પર રહેતાં હોવાનું ફાયર બ્રિગેડને જણાવાયું હતું. આગમાં નુકસાની કેટલી થઇ તેની વિગતો હવે પછી જાહેર થશે. તસ્‍વીરમાં જ્‍યાં આગ લાગી તે સ્‍થળ, ધૂમાડાના ગોટા, ઘટના સ્‍થળે પોલીસ, લોકો, ફાયર બ્રિગેડની ટીમો, વિગતો જણાવતાં ફાયર ઓફિસર અને આગની સોૈ પહેલા જાણ થઇ તે હિરેનભાઇ તથા ઇજાગ્રસ્‍ત ફાયરમેન જોઇ શકાય છે.

(3:01 PM IST)