તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Sunday, 28th July 2024
મોડી રાતે સ્વજનોને ઘરમાં પુરીને નીકળી ગયેલા સવિતાબેન ભટ્ટીની મવડી ચોકડી પાસે લાશ મળી
સાંઇઠ વર્ષિય વૃધ્ધા બે મહિનાથી કેન્સરની બિમારીથી પીડાતાં હતાં, સારવાર ચાલુ હતીઃ પરિવારમાં શોક : કોઇ વાહનની ઠોકરે માથું છુંદાઇ ગયાની શક્યતાઃ માલવીયાનગર પોલીસે તપાસ આદરી

તસ્વીરમાં માથું છુંદાઇ ગયેલી સવિતાબેન ભટ્ટીની લાશ, તેમનો ફાઇલ ફોટો, ઘટના સ્થળે લોકોના ટોળા, પોલીસ સ્ટાફ અને વિગતો જણાવતાં મૃતકના સગા સ્વજનો અને તપાસનીશ પીએસઆઇ સિંધી, સાથે ડી. સ્ટાફના ભાવેશભાઇ ગઢવી સહિતના જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૭: મવડી ચોકડી નજીક આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં સાંઇઠ વર્ષના વૃધ્ધા મોડી રાતે ઘર ડેલીના દરવાજા બહારથી બંધ કરી પરિવારજનોને પુરી દઇ નીકળી ગયા હતાં. સવારે જાગેલા સ્વજનોએ બહારથી દરવાજો બંધ હોઇ અને ઘરમાં માજી હાજર ન હોઇ ચિંતીત બની પડોશીને બોલાવી દરવાજો ખોલાવડાવી તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન મવડી ચોકડીએ એક વૃધ્ધાની લાશ પડી હોવાની જાણ થતાં પરિવારજનો હાંફળા ફાંફળા ત્યાં પહોંચતા પોતાના જ સ્વજનની લાશ હોવાનું જણાતાં કલ્પાંત સર્જાયો હતો. વૃધ્ધાનું માથું છુંદાઇ ગયું હતું. કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયાની શક્યતા જણાઇ હતી. ઘટના હિટ એન્ડ રનની છે કે પછી વૃધ્ધા બિમારીથી કંટાળ્યા હોઇ જાતે કોઇ વાહનમાં પડતું મુક્યું? તેની પોલીસે તપાસ શરૂ કરી હતી.
જાણવા મળ્યા મુજબ પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં અશોકભાઇ દામજીભાઇ ભટ્ટી, હાર્દિકભાઇ ભટ્ટીના માતા સવિતાબેન દામજીભાઇ ભટ્ટી (ઉ.વ.૬૦) વહેલી સવારે ઘરમાં જોવા ન મળતાં બંને દિકરા સહિતના સ્વજનોએ શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ ઘરનો દરવાજો પણ બહારથી બંધ હોઇ પડોશીને બોલાવી દરવાજો ખોલાવી સવિતાબેનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન મવડી ચોકડીએ આરકે પ્રાઇમ નજીક એક મહિલાની લાશ પડી હોવાની જાણ પરિવાજનોને થતાં બધા ત્યાં દોડી ગયા હતાં. આ લાશ સવિતાબેન ભટ્ટીની જ હતી. માલવીયાનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ એસ. એ. સિંધી, ભાવેશભાઇ ગઢવી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
સવિતાબેનનું માથુ છુંદાઇ ગયું હોઇ કોઇ વાહનની ઠોકરે ચડી ગયાનું તારણ નીકળ્યું હતું. મોડી રાતે વૃધ્ધા ઘરેથી નીકળીને ચોકડી તરફ આવ્યા હોઇ ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇને ભાગી ગયો કે પછી વૃધ્ધા રસ્તો ઓળંગવા જતાં ઠોકરે ચડયા? તે સહિતની પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃત્યુ પામનાર સવિતાબેન ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અશોકભાઇ, હાર્દિકભાઇ અને એક દિકરી ભગવતીબેન છે. પતિ દામજીભાઇ ભટ્ટી કારખાનામાં કામ કરે છે.
દિકરાઓએ જણાવ્યું હતું કે સવિતાબેનને બે મહિનાથી કેન્સરની બિમારી લાગુ પડી હોઇ હનુમાન મઢી પાસે કેન્સર હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. બે દિવસ પહેલા જ ટ્રીટમેન્ટ પુરી થઇ હતી. આ બિમારીથી તેઓ ખુબ કંટાળી ગયા હતાં. રાતે કોઇપણ સમયે ઘરના દરવાજા બહારથી બંધ કરી નીકળી ગયા બાદ સવારે તેમની લાશ મવડી ચોકડીએ મળી હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ હતી.
(10:25 AM IST)










