તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Sunday, 28th July 2024
ચાંદીપુરાના વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયાઃ લોધીકા-ગોંડલના બાળકો રાજકોટ ઝનાનામાં સારવાર હેઠળ
રાજકોટ સારવાર દરમિયાન ૭ માસનું ગોંડલનું બાળક સ્વસ્થ થતાં રજા અપાઇઃ સિવિલમાં છ દર્દી સારવાર હેઠળઃ બે કેસ પોઝિટીવ, ચારના રિપોર્ટ બાકી

રાજકોટ તા. ૨૭: રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસને લીધે ફેલાયેલા રોગચાળાના કેસ વધી રહ્યા છે. બાળકોના મૃત્યુ પણ થઇ રહ્યા છે. આ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ચાંદીપુરાની શંકા સાથે દાખલ કરાયેલી ગોંડલની સાત માસની બાળકી સ્વસ્થ થતાં રજા અપાઇ છે. તો વધુ બે નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં ગોંડલ અને લોધીકાના બે બાળકને દાખલ કરી સેમ્પલ લઇ પરિક્ષણમાં મોકલાયા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે છ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે રિપોર્ટ પોઝિટીવ છે અને ચારના રિપોર્ટ આવવાના બાકી છે. સમગ્ર રાજ્યમાં વધી રહેલા ચાંદિપુરાના કેસમાં મોતની સંખ્યાની સાથે લક્ષણો ધરાવતા બાળકોની સંખ્યા અને તેના આધારે થતા રિપોર્ટ પણ પોઝિટિવ આવી રહ્યા છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે શંકાસ્પદ કેસ મળ્યા છે. ગોંડલના ત્રણ વર્ષના બાળકને અને લોધિકાના નવ વર્ષના બાળકને ચાંદીપુરાની શંકા સાથે ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજકોટની આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૭ બાળકોના મોત થયા છે. બીજી તરફ ગઇકાલે ગોંડલની સાત મહિનાની બાળકીને ત્રણેક દિવસની સઘન સારવાર અપાતાં તે ભયમુક્ત થતાં અને સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી. ગઈકાલે ગોંડલથી ત્રણ વર્ષના બાળકને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને પાંચેક દિવસથી તાવ રહેતો હતો અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જતાં ત્યાંના તબિબને ચાંદીપુરાની શંકા જણાતાં રાજકોટ સિવિલમાં જવા કહ્યું હતું. લોધીકાના નવ વર્ષના બાળકનો પરિવાર મધ્યપ્રદેશનો વતની છે અને દસેક દિવસ પહેલા જ ખેત મજૂરી કરવા આવ્યો છે. તેમ પીડીયુ સિવિલ હોસ્પિટલના મિડીયા કો-ઓર્ડિનેટર ડો. હેતલ કયાડાએ જણાવ્યું હતું.
(10:25 AM IST)










