<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

રેલનગરના બે મિત્રોએ ૬.૭૦ લાખ સામે ૨૭ લાખ ચુકવ્‍યા છતાં ઉઘરાણીઃ મોહસીન ઉર્ફ એઝાઝ અને ટોળકીની કિડની વેંચી વ્‍યાજ ચુકવવા ધમકી!

નિલેષભાઇ હિન્‍ડોચા અને મિત્ર ભાર્ગવભાઇ ભદ્રાએ સોૈ પહેલા ૧૫ હજાર વ્‍યાજે લીધા, તેના રોજના ૧૦૦ લેખે ૫૦ હજાર ચુકવ્‍યાઃ એ પછી કટકે કટકે બીજી રકમો લીધી અને ફસાયા : સર્વેશ્વર ચોકમાં ઓફિસ ધરાવતાં એઝાઝ સાથે મોગલ નામના શખ્‍સે ડેરી સંચાલક મિત્રોનો સંપર્ક કરાવ્‍યો હતોઃ બંને મિત્રોના નામે એઝાઝે ક્રેટા કાર અને મોંઘાદાટ મોબાઇલ ખરીદી લીધા તેના હપ્‍તા પણ આ બંનેને ભરવા ધમકાવ્‍યાઃ ડેરીએ જઇ મકાનમાં કબ્‍જો કરવાની ધમકી દીધીઃ નિલેષભાઇના પત્‍નિ બે હાથ જોડી કરગર્યાઃ છેલ્લે કંટાળી બંને મિત્રોએ ગભરાઇને ગામ મુક્‍યું: વ્‍યાજ માટે ધમકીઓ ચાલુ જ રહેતાં અંતે પ્ર.નગરમાં ફરિયાદ નોંધાવી : મોહસીને બંને મિત્રોને ઓફિસમાં આખો દિવસ બેસાડી અસહ્ય સિતમ ગુજાર્યો અને પોતાનો બર્થડે ઉજવ્‍યો, પછી કહ્યું આજે જવા દઉ છું, હવે રૂપિયા નહિ આપો તો ઘરમાં ઘુસી જઇશું! : રામનાથપરાના મોહસીન ઉર્ફ બાબર ઉર્ફ એઝાઝ, તેના માણસો શિવરાજસિંહ, શાહરૂખ અને સાહિલને શોધતી પ્ર.નગર પોલીસ

રાજકોટ તા. ૨૯: વ્‍યાજંકવાદની બદ્દીને નાબુદ કરવા શરૂ થયેલી ઝુંબેશ અંતર્ગત વધુ એક બનાવ પોલીસ ચોપડે પહોંચ્‍યો છે. જેમાં રેલનગરમાં રહેતાં અને દૂધની ડેરી ચલાવતાં બે ભાગીદાર મિત્રોએ ધંધાના કામ માટે સર્વેશ્વર ચોકમાં બેસતાં રામનાથપરાના મોહસીન ઉર્ફ એઝાઝ ઉર્ફ બાબર બ્‍લોચ પાસેથી શરૂઆતમાં ૧૫ હજાર વ્‍યાજે લઇ રોજના ૧૦૦ લેખે ૫૦ હજાર ભરપાઇ કર્યા બાદ કટકે ટકે ૨૦૨૧થી ૨૦૨૪ સુધી કુલ ૬,૭૦,૦૦૦ વ્‍યાજે લઇ તેની સામે ૨૭ લાખ ચુકવ્‍યા છતાં બીજા છ લાખની ઉઘરાણી કરી માણસોને ઘરે અને ડેરીએ મોકલી વ્‍યાજ ન હોય તો તમારી કિડની વેંચીને રૂપિયા આપો, તમારા ઘર પર કબ્‍જો કરીને વસુલશું તેવી ધમકી આપતાં બંને ભાગીદાર ગામ મુકીને ભાગી જવા મજબૂર થયા હતાં. અંતે આ મામલે પોલીસને જાણ કરતાં મોહસીન, તેના માણસો વિરૂધ્‍ધ ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર શ્‍યામજી કૃષ્‍ણ વર્મા ટાઉનશીપ એફ-૨૦૩માં રહેતાં અને રેલનગર દ્વારીકા ચોક પાસે વી ફોર નામની દૂધની ડેરીમાં બેસી વેપાર કરતાં નિલેષભાઇ શાંતિલાલ હિન્‍ડોચા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી રામનાથપરા ગરબી ચોક શેરી નં. ૪માં રહેતાં મોહસીન ઉર્ફ એઝાઝ ઉર્ફ બાબર રઝાકભાઇ બ્‍લોચ, મવડી પુનીતના ટાંકા પાસે રહેતાં શિવરાજસિંહ, શાહરૂખ અને સાહિલ વિરૂધ્‍ધ  મનીલેન્‍ડ એક્‍ટ, ધમકી આપી બળજબરીથી પડાવી લેવાનો ગુનો નોંધ્‍યો છે.

નિલેષભાઇ હિન્‍ડોચાએ જણાવ્‍યું છે કે મેં અને મારા મિત્ર ભાર્ગવભાઇ ભરતભાઇ ભદ્રાએ વર્ષ ૨૦૨૧થી રેલનગરમાં વી-ફોર નામે દૂધની ડેરીનો ધંધો શરૂ કર્યો છે. વેપાર માટે મારે ડિસેમ્‍બર-૨૦૨૧માં રૂપિયાની જરૂર પડતાં અમને મોગલભાઇ નામની વ્‍યક્‍તિ મારફત જાણવા મળેલુ કે સર્વેશ્વર ચોકમાં એઝાઝ ઉર્ફ બાબર મકરાણી વ્‍યાજે પૈસા આપે છે. જેથી હું અને ભાગીદાર ભાર્ગવભાઇ સર્વેશ્વર ચોક એબીસી મેડીકલ સ્‍ટરો સામે એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે એઝાઝને રૂબરૂ મળ્‍યા હતાં. મોગલે ઓળખાણ કરાવી હતી. અમે તેની પાસે સોૈ પહેલા રૂા. ૧૫૦૦૦ લીધા હતાં. જેની સામે રોજના રૂા. ૧૦૦ વ્‍યાજ આપવાનું હતું. તે વખતે એઝાઝે પ્રોમીસરી નોટ બનાવી મારી પાસેથી બે કોરા ચેક, ફોટા લઇ સહીઓ કરાવી હતી.

આ રકમનું વ્‍યાજ હું અથવા ભાર્ગવભાઇ રોકડા રૂપે ચુકવી દેતાં હતાં. આ રીતે અમે ૧૦૦ દિવસના ૫૦ હજાર ભરપાઇ કર્યા હતાં. એ પછી ફરીથી અમે ૨૫ હજાર વ્‍યાજે લીધા હતાં. ત્‍યારબાદ ૩ લાખ લીધા હતાં. જેમાં અઠવાડીએ ૧૦ હજાર વ્‍યાજ આપવાનું હતું. ૨૦૨૧થી ૨૦૨૪ સુધી એઝાઝે અમને કુલ રૂા. ૩,૪૦,૦૦૦ વ્‍યાજે આપ્‍યા હતાં. ત્‍યારબાદ ૧૯/૯/૨૨ના રોજ ૩ લાખ ધંધા માટે ફરીથી અમે વ્‍યાજે લીધા હતાં. જેનું મહિને ૫૦ હજાર વ્‍યાજ ભરવાનું હતું. આ રીતે કુલ ૬,૭૦,૦૦૦ મને અને ભાર્ગવભાઇને તેણે વ્‍યાજે આપ્‍યા હતાં. તેનું વ્‍યાજ હું અને ભાર્ગવભાઇ દૂધની ડેરીના ધંધામાંથી આવક થાય તે ભરતાં હતાં.

અમે બંનેએ એઝાઝના બેંક ઓફ ઇન્‍ડિયાના એકાઉન્‍ટમાં ગૂગલ પેથી વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી અલગ અલગ તારીખે કુલ રૂા. ૧૧,૭૮,૪૯૯ ઓનલાઇન વ્‍યાજ પેટે ચુકવી દીધા છે. તેમજ રોકડા અલગથી મળી કુલ રૂા. ૨૭ લાખ ચુકવ્‍યા છે. એ પછી એઝાઝે મને અને મારા ભાગીદારને વિશ્વાસમાં લઇ ક્રિસ્‍ટલ મોલ પાછળ આવેલા મીરામલ ફાયનાનસમાંથી ૧૨,૨૧,૯૭૫ની લોન લેવડાવી ક્રેટા કાર જીજે૧૮બીપી-૭૩૩૩ લીધી હતી. આ ગાડીના હપ્‍તા એઝાઝે ભરવાના હતા. પણ તેણે કોઇ હપ્‍તા ભર્યા નથી. તેમજ આ ગાડી પણ અમને પાછી આપી નથી. આ કારના બે હપ્‍તા ભાર્ગવભાઇએ ભર્યા છે. આ ઉપરાંત એઝાઝે મારા અને મારા તથા પુર્વીબેનના નામે એસ ૨૪ અલ્‍ટ્રા મોબાઇલ ફોન રૂા. ૨,૫૯,૯૯૮ની લોનથી લીધા હતાં. આના હપ્‍તા અમારે ભરવાના થયા છે અને ફોન એઝાઝ પાસે છે.

એઝાઝ અમને અવાર-નવાર વ્‍યાજની પેનલ્‍ટી ભરવા માટે પણ ફોન કરી ધમકી આપતો હોઇ તેની ઓફિસે મને અને ભાર્ગવભાઇને આખો દિવસ બેસાડી ગાળો દીધી હતી અને અમે મરી જઇએ એવી પોઝીશનમાં લાવી દીધા હતાં. તેમજ મારે ૧૨ લાખ જોઇએ જ તેમ કહી અમારી હાજરીમાં તેનો બર્થ ડે ઉજવ્‍યો હતો અને કહ્યું હતું કે આજે તો મારો બર્થડ છે એટલે જવા દઉ છું, હવે પૈસા નહિ આપો તો બંનેના ઘરનો કબ્‍જો લઇ લઇશું તેવી ધમકી આપી હતી.

આ ઉપરાંત તા. ૧૧/૧/૨૪ના રોજ મવડી પુનિતનગરના શિરાજસિંહ અને એઝાઝ બાઇક લઇને અમારી ડેરીએ આવ્‍યા હતાં. હું, મારા પત્‍નિએ ભાર્ગવભાઇ હાજર હોઇ ધમકી આપી હતી કે વ્‍યાજના ૧૨ લાખ અને હપ્‍તો ભરી દો નહિતર બંનેને મારી નાખવા પડશે, તમારા ઘરનો કબ્‍જો લઇ લઇશું, સામાન બહાર ફેંકી દઇશું કહી મા-બહેન સમી ગાળો દીધી હતી. તેમજ કિડની વેંચીને પણ રૂપિયા આપવા પડશે તેવી ગર્ભીત ધમકી આપી ઘરનો કબ્‍જો કરી લેવાની ધમકી આપી હતી. આ વખતે મારા પત્‍નિએ હાથ જોડી પગે લાગી રડતાં રડતાં બંને પાસે કરગરતાં બંને પાછળા વળી ગયા હતાં અને જતાં જતાં દસ દિવસની મુદ્દત આપી હતી. એ પછી અમે ૨૦/૧/૨૪ના રોજ ૬ લાખ એઝાઝને અમારી ડેરી ખાતે ચુકવ્‍યા હતાં. આ રકમ ભાર્ગવભાઇએ તેના માસા પસેથી હાથઉછીની લઇને આપી હતી.

હજુ બીજા ૬ લાખ બાકી હોઇ એઝાઝ સતત ફોન કરી પૈસા ક્‍યારે આપવાના છે? કહી ધમકી આપે છે. તેના માણસો શાહરૂખ અને સાહિલે અમારા ઘરે આવી ધમકી આપી હતી. આ વખતે હું, મારા પત્‍નિ અને માતા હાજર હતાં. તેણે કહેલું કે અમને બાબરે મોકલ્‍યા છે, છ લાખ લેવાના છે. મેં તેને પૈસા નથી તેમ કહેતાં તેણે તો ઓફિસે આવો કહી મને નીચે લઇ ગયા હતાં અને અત્‍યારે જ પૈસા આપવા પડશે કહી ધમકી આપી ત્‍યાંથી એઝાઝ ઉર્ફ બાબરને ફોન કરી કહેલુ કે હાલ પૈસા આપતા નથી. આથી એજાઝે હવે રોજના ૧૫૦૦ ભરવા પડશે દર દસ દિવસે ૨૦ હજાર આપવા પડશે તેવુ નક્કી કર્યુ હતું. તેમજ એઝાઝે પૈસા ન હોય તો તમારી કિડની વેંચી દ્‌યો કહી મને અને ભાર્ગવને ફોનથી કહ્યું હતું. એ પછી તેના માણસો સાહિલ અને શાહરૂખ અમારી ડેીએ આવી ધમકી આપતા હોઇ કંટાળીને અમે ૩/૪/૨૪ના રોજ સરદાર બાગ પાસે આઇસીઆઇસીઆઇના એટીએમમાંથી ૪૦ હજાર રોકડા ઉપાડી એઝાઝના માણસ શાહરૂખને દીધા હતાં.

ત્‍યારબાદ ૪/૪ના ફરી ગોંડલ રોડ મક્કમ ચોક શાખાનો બેંકનો ચેક આપતાં રૂા. ૪,૦૫,૦૦૦ રોકડા ઉપાડી શાહરૂખને આર કમ આપી હતી. એઝાઝના આ રીતના સતત ત્રાસથી કંટાળીને હું અને ભાર્ગવભાઇ ૧૧/૪/૨૪ના રોજ રાજસ્‍થાન જતાં રહ્યા હતાં. તે અંગે મારા પત્‍નિએ ગૂમ થયાની જાણ યુનિવર્સિટી પોલીસને કરી હતી. દસ દિવસે અમે પાછા આવ્‍યા હતાં અને એઝાઝ સાથે સમાધાનની વાત કરી હતી.

પરંતુ તે પોલીસમાં હાજર થયો નહોતો. આ રીતે અમને મોહસીન ઉર્ફ બાબર ઉર્ફ એઝાઝ બ્‍લોચે કટકે કટકે ૬,૭૦,૦૦૦ વ્‍યાજે આપી તેની સામે ૨૭ લાખ ઓનલાઇન અને રોકડાથી વસુલી લીધા હતાં. તેમજ ક્રેટા કાર, બે મોબાઇલ પણ અમારા નામે લઇ લીધા હતાં. અમે વ્‍યાજ પેનલ્‍ટી ચુકવ્‍યા હોવા છતાં વધુ ૧૨ લાખ માંગતાં અમે છ લાખ ચુકવી દેતાં બાકીના ૬ લાખ માટે સતત ધમકીઓ આપતાં અંતે અમારે ફરિયાદ કરવી પડી હતી. પ્ર.નગર પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાતની રાહબરીમાં પીએસઆઇ જે. જી. તેરૈયાએ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:09 PM IST)