News of Monday, 29th July 2024
વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર બૂટલેગર સુધી પહોંચે એ પહેલા એલસીબી ઝોન-૧ ટીમે પકડી
લાતી પ્લોટના ક્રિપાલસિંહ સોલંકીને ભાવનગર રોડ પરથી પકડી લેવાયો બૂટલેગર હનીફ મઘરાનો જથ્થો હતોઃ પીએસઆઇ બી. વી. બોરીસાગર, વિજેન્દ્રસિંહ ઝાલાની ટીમની કામગીરીઃ રવિરાજભાઇ, સત્યજીતસિંહ અને દિવ્યરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૨૯: શહેરમાં નાના મોટા બૂટલેગરો ફરીથી મેદાનમાં આવી ગયા છે. સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા હોઇ સપ્લાયરો, બૂટલેગરોમાં સળવળાટ શરૂ થઇ ગયો છે. પોલીસ પણ સક્રિય બની ગઇ છે. એલસીબી ઝોન-૧ની ટીમે ભાવનગર રોડ આરએમસી વેસ્ટ ઝોન ઓફિસ પાસે કોમ્પલેક્ષના પાર્કિંગમાં દરોડો પાડી જીજે૦૩એનકે-૩૧૬૩ નંબરની ઇકો કાર સાથે લાતી પ્લોટ-૧૦ના ક્રિપાલસિંહ હિતેન્દ્રસિંહ સોલંકી (ઉ.વ.૨૨)ને પકડી લીધો હતો. કારમાં અલગ અલગ બ્રાન્ડનો ૫૭૬૦૦નો દારૂ મળતાં તે તથા કાર, મોબાઇલ ફોન મળી રૂા. ૪,ં૬૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આ શખ્સની ધરપકડ કરી હતી.
ક્રિપાલસિંહની પુછતાછ થતાં તેણે કહ્યું હતું કે પોતે ડ્રાઇવર તરીકે કામ કરે છે. પોતાને દુધસાગર રોડ પર રહેતાં બૂટલેગર હનીફ હુશેનભાઇ મઘરાએ આ દારૂનો જથ્થો ભરેલી કાર આપી હતી અને બીજા બૂટલેગર સુધી પહોંચાડવાની હતી. હનીફનો ફોન આવે એ પછી જે તે શખ્સને આ કાર આપવાની હતી. હનીફ અગાઉ થોરાળા, ડીસીબી, ગાંધીગ્રામ, વાંકાનેર તાલુકામાં દારૂના ૮ ગુનામાં પકડાઇ ચુક્યો છે. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી પરથી પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગોસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. હિતેષભાઇ પરમાર સહિતે આ કામગીરી કરી હતી.
(2:37 PM IST)










