<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને મહિને ૩ લાખના પગારદાર કુલપતિ પાંચ વર્ષ માટે જોઇએ છે

શિક્ષણ નહિ, વિદ્યાર્થી કલ્‍યાણ પ્રવૃત્તિ નહિ અને માત્ર સતત વિવાદગ્રસ્‍ત બી-ગ્રેડની : અગાઉ સર્ચ કમિટિએ સૂચવેલા ત્રણ નામો સરકારે ફગાવી દીધા બાદ કાર્યકારી કુલપતિ તરીકે ડો. કમલ ડોડીયાને સુકાન સોંપાયુ : કુલપતિની યોગ્‍ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજી મંગાવતી જાહેરાત પ્રસિધ્‍ધ : ૨૨ ઓગષ્‍ટ સુધી અરજી કરી શકાશે

રાજકોટ તા. ૨૯ : બી-ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એકાદ દસકાથી કુલપતિ, કુલસચિવ, પરીક્ષા નિયામક સહિત મહત્‍વના જવાબદાર અધિકારી કે પદાધિકારી કાર્યકારી ધોરણે કામ કરે છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મુખ્‍ય સત્તાધીશ અને વિશાળ સત્તા ધરાવતા કુલપતિ પદ છેલ્લા ત્રણ વર્ષથી ખાલી રહેતા સમગ્ર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો વહીવટ ઠપ્‍પ થઇ ગયો છે. પરિણામે વિદ્યાર્થીની કારકિર્દીને પણ ભારે અસર કરી રહી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ શોધવાની પ્રક્રિયા ૨૦-૧૨-૨૦૨૧થી શરૂ કરેલ પરંતુ કોઇ કારણોસર આ સર્ચ કમિટિ કોઇ યોગ્‍ય ઉમેદવાર શોધી શકી ન હતી. આથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ ૫-૧-૨૦૨૪ના બીજી વખત કુલપતિના પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલ. આ સમયગાળા દરમિયાન ૮૦ મૂરતિયાઓએ કુલપતિ બનવાની મહેચ્‍છા સાથે અરજી કરી હતી.

સર્ચ કમિટિએ તમામ મુરતિયાઓના બાયોડેટા ચેક કરી તત્‍કાલિન કાર્યકારી કુલપતિ નિલામ્‍બરીબેન દવે ગાંધીનગર સ્‍થિત ઉચ્‍ચ શિક્ષણ વિભાગના અધિકારી ડો. સચિન પરીખ અને અન્‍ય એક ઉમેદવારની પસંદગી કરવામાં આવેલ. જેમાં સચિન પરીખનું નામ જાહેર થવાની ઘડી ગણાતી હતી ત્‍યારે સરકારે આ ત્રણેય નામ રદ્દ કરીને નવી અરજી મગાવીને તાબડતોબ કાર્યકારીનો હવાલો ધરાવતા નિલામ્‍બરીબેન દવેને હટાવી આઇ સર્જન ડો. કમલ ડોડીયાની નિમણુક કરી છે.

આજે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ માટેની ત્રીજીવાર જાહેરખબર પ્રસિધ્‍ધ થઇ છે. ૨૦ ઓગષ્‍ટ સુધી અરજી કરવાની મુદ્દત આપવામાં આવી છે.

ઉચ્‍ચ શિક્ષણમાં સૌથી માભાદાર પદ કુલપતિનું ગણાય છે. કુલપતિ પદે પસંદ થનાર મહાનુભાવને મહિને ૩ લાખથી વધુનો પગાર, ૨ હજાર વારમાં બંગલો, બંગલામાં બગીચો, ચોકીદાર, રસોયા, મોટરકાર સહિત અનેક સુવિધાઓ મળે છે. સુવિધાથી પણ વિશેષ તેમનો કુલપતિનો હોદ્દો હોય છે.

(2:55 PM IST)