<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ભારતના જુદા જુદા જંગલોમાં ૩૬૮૨ વાઘ વિચરે છે

આજે વિશ્વ વાઘ દિવસ : વિશ્વમાં વાઘની વસ્‍તી છેલ્લી ગણતરી મુજબ ૫૫૭૫ : દુનિયામાં વાઘની વસ્‍તીના ૭૫% વાઘ ભારતમાં

રાજકોટ હજારો વર્ષોથી માનવો, વનો અને વન્‍ય પ્રાણીઓ વચ્‍ચે પ્રેમ-ઘર્ષણ યુક્‍ત અજીબો-ગરીબ પરંતુ એક અતૂટ સબંધ રહ્યો છે. આદિમાનવો અને વન્‍ય પ્રાણીઓ વિશાળ કુદરતી વનોમાં સાથે રહેતાં. મોટાં ભાગનાં આદિમાનવો વન્‍ય પ્રાણીઓનો શિકાર કરી, તેનાં માંસ પર જીવન જીવતાં, સાથે સાથે કંદ-મૂળ અને જંગલી ફળો પણ આહારમાં લેતાં. માંસભક્ષી પ્રાણીઓ મુખ્‍યત્‍વે ચિતલ, સાબર, નીલગાય, વિગેરે જેવાં તૃણભક્ષી પ્રાણીઓ તથાં ક્‍યારેક માનવોના શિકાર કરીને જીવતાં. સમયાંતરે મનુષ્‍યો ખેતી કરવા લાગ્‍યાં અને વિવિધ પ્રકારનાં હથિયારો પણ બનાવ્‍યાં. આ હથિયારોથી મહાશક્‍તિશાળી વન્‍ય પ્રાણીઓનો માત્ર ‘શૂરવીરતા'  દેખાડવાનાં શોખ માટે નિરંકુશ રીતે શિકાર થવાં લાગ્‍યો. જયારે દીર્ઘદ્રષ્ટિવાળા મનુષ્‍યોને ખ્‍યાલ આવ્‍યો કે પ્રાકૃતિક વનો અને વન્‍યજીવો વગર મનુષ્‍યનું અસ્‍તિત્‍વ પણ જોખમમાં છે, ત્‍યારથી શિકાર ઉપર નિયંત્રણો આવ્‍યાં અને વન્‍ય પ્રાણીઓ તથાં તેમનાં કુદરતી આવાસ એવા વનોની જાળવણી અને સંરક્ષણની શરૂઆત થઈ.

સિંહ, વાઘ, દીપડા, હીમ દીપડા, જેગુઆર, ચિત્તા, વિગેરે જેવાં સુંદર, ચપળ અને શક્‍તિશાળી બિલાડી કુળનાં માંસભક્ષી પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી વાઘ છે. વનમાં મુક્‍ત રીતે વિહરતા વાઘને એક વખત જોયો હોય તો જિંદગીભર તેના ઠાઠ અને સુંદરતાને ભૂલી ન શકીએ. શરીર પર સોનેરી કેસરી કલરની સુંવાળી ફર પર કાળી પટ્ટીઓ અને પેટનાં ભાગે સફેદ રંગ - જાણે કોઈ ચિત્રકારે જ ન બનાવેલ હોય! મોટાં માથાં પર પ્રભાવશાળી આંખો, મૂંછો, અઢીસો થી ત્રણસો કિલો વજનનું શરીર હોવાં છતાં તેની ગજબની સ્‍ફૂર્તિ અને ચપળતાની અનુભૂતિ અવિસ્‍મરણીય છે. જો કે તેની આ સુંદરતા અને આકર્ષક દેખાવ શિકારીઓને આકર્ષિત કરતાં રહ્યાં છે. બ્રિટિશ શાસન દરમિયાન તેમનાં ઉચ્‍ચ અધિકારીઓ તથાં રાજા-મહારાજાઓએ હજારો વાઘોનો શિકાર કરી નાખ્‍યો છે.

ભારતમાં વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ દ્વારા વાઘ તથાં સર્વે વન્‍ય પ્રાણીઓને રક્ષણ અપાયેલ છે, પરંતુ પાડોશી દેશોમાં આવાં કડક નિયમોને અભાવે અને પારંપરિક ચાઈનીઝ દવાઓમાં થતાં ઉપયોગને લીધે વિશ્વનાં અનેક દેશોમાં વાઘ વિલુપ્ત થયેલ છે અને જયાં બચ્‍યાં છે, ત્‍યાં પણ તેમનું અસ્‍તિત્‍વ સતત જોખમમાં છે. કુદરતી વનોનો થઈ રહેલ વિનાશ, મનુષ્‍યો સાથેનું ઘર્ષણ, વિગેરે કારણો પણ તેમનાં અસ્‍તિત્‍વ પર પ્રશ્નાર્થ કરી રહેલ છે. ૨૦૧૦ માં સેન્‍ટ પીટર્સબર્ગ સમ્‍મીટ માં ૨૯ જુલાઈ નાં દિવસને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય થયેલ. જેમાં વાઘનાં સંરક્ષણ માટે દરેક વર્ગના લોકોમાં જાગૃતિ ફેલાવવાનું નક્કી થયેલ.

એક સદી પહેલાં વિશ્વમાં એક લાખ વાઘ હતાં, જેમાંથી ઘટીને ૨૦૧૬ માં માત્ર ૩૮૯૦ બચ્‍યાં હતાં! ભારતમાં સન ૨૦૦૬ માં ૧૪૧૧ વાઘ હતાં.  સત્તાધીશો, વૈજ્ઞાનિકો, બિનસરકારી સંસ્‍થાઓ, જાગૃત મીડિયા અને સ્‍થાનિક લોકોનાં સતત પ્રયત્‍નોને કારણે તેની સંખ્‍યા પ્રસંશનીય રીતે વધી રહી છે. વિશ્વમાં વાઘની વસ્‍તી ૨૦૨૩ ની ગણતરી મુજબ ૫,૫૭૫ થયેલ. ભારતમાં ૨૦૧૮ માં ૨૧૯૭ અને ૨૦૨૨માં ૩૬૮૨, એટલે કે વિશ્વની વાઘની કુલ વસ્‍તીનાં ૭૫% આપણાં દેશમાં છે. આપણાં સૌ માટે આ એક ગર્વની બાબત છે, પરંતુ સંકોચાતા જંગલો, વધતી જતી માનવ વસ્‍તી, ખેતરો, ઉદ્યોગો, શહેરી વિકાસ, વિગેરે કારણોને લઈને આ જંગલનો જીવ માનવ વસ્‍તીમાં આવવા લાગ્‍યો છે. સ્‍વાભાવિક રીતે જ પોતાનાં વિસ્‍તારમાં વાઘ આવે તો ગામ લોકો ભયભીત થાય અને ક્‍યારેક તેનાં દ્વારા કરેલા માલ ઢોરના મારણ ઉપર ઝેર છાંટી, મારી નાંખવાના બનાવો પણ બને છે. રસ્‍તા પર વાહનોનાં ટ્રાફિક અને રેલ્‍વે લાઈન પર દોડતી ટ્રેનોને કારણે પણ જીવલેણ અકસ્‍માતો સર્જાય છે. હજુ થોડાં દિવસ પહેલાં જ મધ્‍યપ્રદેશમાં ભોપાલથી ૬૦ કિલોમીટર દૂર, બુધની-મીડઘાટ રેલવે સેક્‍શનમાં વાઘનાં ત્રણ બચ્‍ચાં ટ્રેન સાથે અથડાયા હતાં. તેમાંથી એકનું સ્‍થળ પર જ મૃત્‍યુ થયું હતું અને બીજાં બે ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયાં હતાં. આ વિસ્‍તાર રાતાપાણી વન્‍યપ્રાણી અભયારણ્‍યની નજીક આવેલ છે. અહીં વાઘ અને દીપડાની સતત અવરજવર રહે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં કુલ ૬ વાઘ અને તેટલાં જ દીપડા ટ્રેન નીચે કપાઈ ગયા છે, તેથી ત્‍યાં ટ્રેનની ઝડપ ઘટાડવી અતિ આવશ્‍યક છે. વાઘ માટે વધુ આરક્ષિત વિસ્‍તારો જાહેર કરવા અને જયાં વાઘ છે ત્‍યાં મજબૂત સુરક્ષા આપવી જરૂરી છે.

 વાઘને વધુ સંરક્ષણ મળે તે હેતુથી નેશનલ બોર્ડ ફોર વાઈલ્‍ડ લાઈફ દ્વારા સન ૧૯૭૩ માં એશિયાઈ સિંહને સ્‍થાને વાઘ એટલે કે રોયલ બેંગાલ ટાઇગરને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાયેલ છે. આજનાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે તે હેતુ યાદ રાખી, તેમના અકુદરતી મૃત્‍યુ ઘટે તેવાં પગલાં સત્‍વરે લેવાં જરૂરી છે. હિન્‍દુ પૌરાણિક કથાઓમાં દુર્ગા માતાજી, પાર્વતી માતાજી અને કાલી માતાજીનાં વાહન તરીકે વાઘને પવિત્ર સ્‍થાન અપાયેલ છે.

: આલેખન :

ભૂષણ પડ્યા

વન્‍યપ્રાણી તસવીરકાર

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ

મો. +૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭

(3:09 PM IST)