<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

રાજકોટ તાલુકાના વાંકવડ ગામે સરકારી ખરાબામાંથી માટી-રેતી લઇ રસ્‍તો કરતા ગ્રામજનોનો એક ચેનલે વિડીયો ઉતારતા ધમાલ

પોલીસ દોડી આવી જેસીબી કબજે લીધુ : બાદમાં ચેનલે ન્‍યુઝ પ્રસારીત નહી કરાય તેવી ખાત્રી આપતા જેસીબી છોડી દેવાયું પરંતુ ખાનગી ચેનલે ન્‍યુઝ પ્રસારીત કરતા પોલીસ અને ખાણ ખનીજમાં દોડધામઃ સરપંચ સહીતના ગામ લોકો કલેકટર પાસે દોડી આવ્‍યા ગ્રામજનોના આગેવાન હમીરભાઇ બોરીચાએ પત્રકારોને જણાવ્‍યું કે, અમે કોઇ ખનીજ ચોરી નથી કરી... ગામનો રસ્‍તો સુધારતા હતાઃ જો જેસીબી નહી છોડાય અને દંડ કરાશે તો અમે અત્‍યારે ભુખ હડતાલ પર ઉતરીશું

રાજકોટ, તા., ૨૯: કુવાડવા રોડ ઉપર રાજકોટ તાલુકાના વાંકવડ ગામે ગઇકાલે ગામનો રસ્‍તો સુધારવા માટે અને તળાવ છે તે પણ ઉંડુ ઉતારવા પ્રશ્ને ગ્રામજનો દ્વારા જેસીબીની મદદ લઇ સવારે ૧૧ વાગ્‍યા આસપાસ સરકારી ખરાબામાંથી માટી-કપચી-રેતી ખોદતા હતા અને ૪ થી પ ડમ્‍પર માટી-રેતી ભરી રસ્‍તો સરખો કરવા ઠાલવતા  હતા ત્‍યારે એક ખાનગી ચેનલ દ્વારા તેનો વિડીયો ઉતારી વાંકવડ ગામે ખનીજ માફીયા બન્‍યા બેફામ, ર ડમ્‍પર અને ૧ જેસીબી દ્વારા ધોળા દિવસે ખોદકામ કરતા જોવા મળ્‍યા તેવા ન્‍યુઝ ઉતારી લેતા ભારે ધમાલ થઇ હતી. પરીણામે એરપોર્ટ પોલીસ પણ ત્‍યાં પહોંચી ગઇ હતી અને જેસીબી-ડમ્‍પર કબ્‍જે કરી લીધા હતા.

કલેકટર કચેરીએ દોડી આવેલ ગામના આગેવાન હમીરભાઇ બોરીચાએ પત્રકારોને જણાવેલ કે આ પછી અમે સરપંચ સહીતના ગ્રામજનોએ પોલીસને જણાવ્‍યું હતું કે અમે કોઇ ખનીજ ચોરી નથી કરતા પરંતુ ગામનો રસ્‍તો સરખો કરવા માટે અમે સરકારી ખરાબામાંથી ખોદકામ કર્યુ છે. આથી ચેનલના સંચાલકને બોલાવી સ્‍પષ્‍ટતા કરતા તેણે પણ ન્‍યુઝ રીલીઝ નહી કરાય તેમ જણાવતા પોલીસે જેસીબી છોડી દીધું હતું.  પરંતુ પાછળથી આ ખાનગી ચેનલે ન્‍યુઝ રીલે કરતા હવે પોલીસ અને ખાણ ખનીજ ખાતાને દોડધામ થઇ પડી છે. પોલીસે ફરીથી જેસીબી-ડમ્‍પર કબ્‍જે લીધું છે. તો આખી બાબત પોલીસે રાજકોટ કલેકટર કચેરીમાં ત્રીજા માળે બેસતી ખાણ ખનીજ ખાતા કચેરીને મોકલી દેતા અને ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ દંડનીય કાર્યવાહી બાબતે આગળ વધતા વાંકવડ ગામના સરપંચ લાલજીભાઇ, ઉપરોકત આગેવાન હમીરભાઇ તથા અન્‍ય ૩૫ થી ૪૦ ગ્રામજનો કલેકટર કચેરીએ દોડી આવ્‍યા છે. કલેકટર સમક્ષ રજુઆતો કરનાર છે. હમીરભાઇએ પત્રકારોને જણાવેલ કે અમે લોકો તો ગામનું સારૂ કામ કરતા હતા. કોઇ ખનીજ ચોરી કરી નથી. આ ખાનગી ચેનલ દ્વારા બ્‍લેકમેઇલનો પણ કહેવાતો પ્રયાસ થયો છે. કલેકટરને મળી વિસ્‍તૃત રજુઆત કરાશે. તેમજ આમ છતા જેસીબી મુકત નહિ કરાય અને દંડ કરાશે તો અમે આજે જ કલેકટર કચેરીમાં ભુખ હડતાલ પર ઉતરી જઇશું. કલેકટરશ્રી તાકીદે આ બાબતે નિર્ણય લ્‍યે અને યોગ્‍ય કાર્યવાહી કરે તેવી માંગણી છે.

(3:53 PM IST)