News of Monday, 29th July 2024
સફાઇ કામદારોના પ્રશ્નો ઉકેલો : યુનિયન આગેવાનોની ઉપસ્થિતિમાં મળી ગયેલ મીટીંગ : હવે બુધવારે મ્યુ. કમિશ્નરને કરાશે રજુઆત
વાલ્મીકી સમાજ અને સફાઇ કામદારોને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરનારા લોકોથી દુર રહેવા પંચો દ્વારા કરાયો નિર્ણય

રાજકોટ તા. ૨૯ : સફાઇ કામદારોના પ્રશ્નો સંદર્ભે રાજકોટ વાલ્મીકી સંકલન સમિતિ દ્વારા અવાજ ઉઠાવાયો છે. તમામ પ્રશ્નો સંદર્ભે આગામી બુધવારે મ્યુ. કમિશ્નર સમક્ષ રજુઆત કરવા નિર્ણણ જાહેર કરાયો છે.
તાજેતરમાં રાજકોટ વાલ્મિકી સમાજના તમામ વિસ્તારના પંચ પટેલશ્રીઓ, યુનિયન પ્રતિનિધિઓ, રાજકીય અને ધાર્મિક આગેવાનોને સાથે રાખી બૃહદ વાલ્મિકી સમાજની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં વાલ્મિકી સમાજના સફાઇ કામદારોને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરતા બે ત્રણ લોકો સામે નારાજગી વ્યકત કરવામાં આવી હતી. તેમજ બીજા સમાજના ઇશારે અને ખોટા યુનિયનનોનો આશરો લઇ વાલ્મિકી સમાજને નુકશાન પહોંચાડવાની પેરવી કરનારાઓ સાથે કોઇ વ્યવહારો ન રાખવા ઠરાવો કરાયા હતા.
દરમિયાન સફાઇ કામદારોના હાલ જે પ્રશ્નો છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને સફાઇ કામદારોની ભરતી અંગે ચર્ચા કરાઇ હતી. અગાઉ જે ફોર્મ ભરાઇ ગયા છે તેમને નિયમ મુજબ ડ્રો કરી તાત્કાલીક ભરતી કરવામાં આવે તેવી માંગણી ઉઠાવાઇ છે.
ઉપરાંત સ્વૈચ્છિક નિવૃત્તિ અને રાજીનામા બાબતે પણ સવાલો ઉઠાવાયા હતા. બે બે ત્રણ ત્રણ વર્ષથી રાજીનામા આપેલ હોવા છતા મંજુર કરાયા નથી. ડીસીપી કમીટી બોલાવી રાજીનામા મંજુર કરવા અને વારસદારોને નોકરી આપવા માંગણી કરાઇ છે.સરભંગનગર પ્લોટ નં. ૬૨૬ ના રહેવાસીઓ માટે વૈકલ્પીક જગ્યા આપવા તેમજ સાટાખતની લોન લીધેલ હોય તેઓને ડોકયુમેન્ટ રજુ કરવા નોટીસો મળેલ છે. આવા ડોકયુમેન્ટ અન્ય બેંકોની લોન લીધેલ હોય ત્યાં ગીરવે મુકાયા હોવાથી શરત મુજબ પેનલ્ટી કે વ્યાજ વસુલ વચલો રસ્તો કરાઢવા સુચન કરાયુ છે.
મિત્ર મંડળ સખી મંડળમાં કામ કરતા સફાઇ કામદારો કોન્ટ્રાકટરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યુ હોય આ બાબતે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવશે.
આ તમામ મુદ્દે આગામી બુધવારે મ્યુ. કમિશ્નર સમક્ષ રજુઆત કરવામાં આવશે. તેમ સફાઇ કામદાર આગેવાનો તેમજ રાજકોટ વાલ્મીકી સંકલન સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ.
તસ્વીરમાં સફાઇ કામદારોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા અને આગામી સમયમાં તંત્રને રજુઆત કરવા બાબતે એકત્ર થયેલ સફાઇ કામદારો તેમજ યુનિયનના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:13 PM IST)










