<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

જિલ્લા પંચાયતનું પ્રતિનિધિ મંડળ મુખ્‍યમંત્રીને મળવા જશેઃ ખાલી જગ્‍યાઓ ભરવા અને નવી કચેરીનું ખાતમૂહુર્ત મુખ્‍ય મુદ્દો

પદાધિકારીઓની સંકલન બેઠકમાં ચર્ચાઃ નવી ૬૦ થી વધુ આંગણવાડીઓ શરૂ કરવાની તૈયારી

રાજકોટ, તા., ૨૯:  જિલ્લા પંચાયતમાં આજે સવારે ભાજપના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્‍યોની સંકલન બેઠક મળેલ. જેમાં આગામી દિવસોમાં પંચાયતના પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરવા અને જિલ્લા પંચાયતની નવી કચેરીનું ખાતમુહુર્ત કરવા સમય મેળવવા માટે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને મળવાનું નક્કી થયું હતું.  એકદમ ટૂંક સમયમાં પંચાયત કચેરીનું સિવિલ હોસ્‍પિટલ ચોકમાં જૂની કોર્ટ બિલ્‍ડિંગમાં કામચલાવ ધોરણે સ્‍થળાંતર થશે હાલની કચેરીને પાડીને ત્‍યાં નવી કચેરી બનાવવાની છે. જન્‍માષ્ટમીના હર્ષામાં ખાતમુહુર્ત થાય તેવો પદાધિકારીઓનો પ્રયાસ છે

જિલ્લા પંચાયતમાં મુખ્‍ય આરોગ્‍ય અધિકારીની જગ્‍યા ખાલી છે વર્તમાન સમયમાં રોગચાળાએ  માથુ ઉચકયું છે ત્‍યારે આ મહત્‍વની જગ્‍યા પર તાત્‍કાલિક કોઈ અધિકારીને મુકવાની રજૂઆત કરવામાં આવશે ઉપરાંત બાંધકામ વિભાગમાં કાર્યપાલક ઇજનેરથી નીચેની કક્ષાએ સ્‍ટાફની ખૂબ ખેંચ છે તે મુદ્દો પણ સરકાર સાથેની ચર્ચામાં આવરી લેવામાં આવશે પંચાયતના કાર્યક્ષેત્રમાં આગામી દિવસોમાં ૬૦ થી વધુ નવી આંગણવાડીઓ ખોલવાની જરૂરિયાત દેખાય છે ચૂંટાયેલા સભ્‍યોને પોતાના વિસ્‍તારના ગામોમાં સર્વે કરી માહિતી આપવા જણાવાયું છે. સભ્‍યોને અધિકારીઓના અહેવાલ બાદ આંગણવાડી શરૂ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

આજની બેઠકમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુ ડાંગર અગ્રણી સંજય રંગાણી તેમજ વિવિધ સમિતિઓના અધ્‍યક્ષ અને સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. સભ્‍યોએ પોતાના વિસ્‍તારની કામોની રજૂઆત કરેલ આ કામો વહીવટી તંત્રના ધ્‍યાને મૂકવામાં આવશે.

(4:06 PM IST)