<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ખાનગી મેળાની સંભાવના નહીંવત : અટલ સરોવર ઓગષ્‍ટમાં ખુલવાની શકયતા

મનપા દ્વારા ટુંક સમયમાં એમ્‍યુઝમેન્‍ટ પાર્ક અંગે ગાઇડ લાઇનનું અમલીકરણ કરાશેઃ ગેમ ઝોનને પણ લાગુ પડશે નિયમો

રાજકોટ, તા., ૨૯ : શહેરમાં જન્‍માષ્ટમીના તહેવારમાં મેળાનો ધાર્મિક અને મનોરંજનની દ્રષ્ટિએ અનોરુ મહત્‍વ રહ્યું છે. તંત્ર દ્વારા રેસકોર્સ ખાતે લોકમેળાનું આયોજન થતું હોય છે છતાં ભારે ભીડને પહોંચી વળવા માટે મનપા અલગ અલગ પાંચ મેદાનો ખાનગી મેળાને ભાડેથી આપતી હોય છે. પરંતુ આ વખતે અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર ન થતા  મનપાએ હજી મેળાના મેદાન માટે અગાઉથી કરવામાં આવતા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કર્યા નથી. ઉપરાંત આયોજકોને પણ આ વખતે રાહ ન જોવા જણાવી દેવામાં આવતા આ વર્ષે ખાનગી મેળાઓ નહીં થાય તેવું લાગી રહ્યું છે.

 દર વર્ષે  મહાનગરપાલિકા દ્વારા નાનામૌવા સર્કલ, સાધુ વાસવાણી રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના પાંચ સ્‍થળે આવેલા જેમની માલીકીના મેદાનો મેળાના સંચાલકોને ભાડેથી આપવામાં આવે છે. જેના માટે જન્‍માષ્ટમી પહેલા એક મહિના અગાઉ ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવે છે. જે પ્રક્રિયા પૂર્ણ થતાં ૧૦થી ૧૨ દિવસનો સમય લાગતો હોય સંચાલકોને મંજુરી મળ્‍યા બાદ મેળાની તૈયારી કરવા માટે પણ ખાસો સમય લાગતો હોય છે. છતાં જન્‍માષ્ટમી નજીકમાં છે ત્‍યારે મહાનગરપાલિકા દ્વારા ભાડાના મેદાનો મેળા માટે આપવાની ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરાઈ નથી.

મેળાનું આયોજન કરતા સંચાલકો દ્વારા પણ પુછપરછ શરૂ કરાતા તંત્ર દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કાયમી ચાલુ રહેતા મેળાઓ સરકારે બંધ કરાવ્‍યા છે. આથી હજુ સુધી મેળા માટેની નવી ગાઈડલાઈન આવેલ નથી. આથી મેળાની તૈયારી ન કરતા તેવી જ રીતે તંત્રએ પણ જણાવ્‍યું છે કે, ગાઈડલાઈન મુજબ મેળાની તૈયારી કરવાની થાય છે. લોકમેળા મુજબ ખાનગી મેળાને મંજુરી આપવામાં આવે તો રાઈડ્‍સનો ઘટાડો કરવો પડે તેમજ નિયમ મુજબ ગ્રાઉન્‍ડ ખાલી રાખવાનું થાય જે મેળાના સંચાલકોને પોસાય નહીં અને નુક્‍શાની વેઠવાનો વારો આવે આથી મંજુરી આપવી કે નહીં જે મુજબ તંત્ર અવઢવમાં મુકાઈ ગયું છે.

જયારે હવે જન્‍માષ્ટમીના આડે ઓછા દિવસો હોવાથી મેળાના મેદાનની ટેન્‍ડર પ્રક્રિયા કરવી પણ અઘરી બની છે. આથી આ વખતે ખાનગી મેળાઓ થવાની શકયતા નહીવત હોવાનું જાણવા મળેલ છે.

શહેરમાં રપ મેના રોજ ગોઝારા ટીઆરપી અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા તમામ એમ્‍યુઝમેન્‍ટ પાર્ક બંધ કરવા આદેશ આપવામાં આવ્‍યો હતો. જેના ભાગરૂપે હજી સુધી રાજયનું એક પણ મનોરંજન સ્‍થળ ખુલ્‍યુ નથી.

સુત્રો મુજબ ટુંક સમયમાં મનપા દ્વારા એમ્‍યુઝમેન્‍ટ પાર્ક અંગે ગાઇડ લાઇનનું અમલીકરણ શરૂ થવાની સંભાવના છે. ત્‍યારે રાજકોટનું નવલુ નઝરાણુ અટલ સરોવર પણ ઓગષ્‍ટ મહિનામાં ખુલી જવાની શકયતા છે. આ નિયમો ગેમઝોન માટે પણ લાગુ પડશેનું પણ જાણવા મળી રહયું છે.

(4:23 PM IST)