News of Monday, 29th July 2024
સાધુ વાસવાણી રોડ પર ૪૭ મીટર જગ્યા હાઇકોર્ટના આદેશ મુજબ ફાળવેલ : ઉદય કાનગડ
કમિશનરે દરખાસ્ત મોકલેલ, સ્ટેન્ડિંગ અને સામાન્ય સભાએ મંજુર કરેલ

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકા દ્વારા સાધુ વાસવાણી રોડ પર ખેડૂતને ૪૭ મીટર જગ્યા ફાળવવાના વિવાદ અંગે તત્કાલીન સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને ભાજપના વર્તમાન ધારાસભ્ય શ્રી ઉદય કાનગડે જે તે વખતે જમીન ફાળવવાની વહીવટી પ્રક્રિયા હાઇકોર્ટના હુકમ મુજબ થયાની દલીલ કરી છે.
શ્રી ઉદય કાનગડે નિવેદનમાં જણાવેલ કે, સાધુ વાસવાણી રોડની ૫૫ વાર જગ્યામાં આવેલી પ્રોપર્ટી મુદ્દે કેટલાક માધ્યમોમાં મારું નામ ઉડ્યું છે તે બાબતે માટે જણાવવાનું કે, ખેડૂતની અન્ય કોઈ જગ્યા કપાતમાં આવી હોવાથી તેને એટલી જ જમીન ફાળવવા હાઇકોર્ટનો હુકમ હતો. ૨૦૧૮માં હું સ્ટેન્ડિંગ કમિટિનો ચેરમેન હતો ત્યારે પ્રક્રિયા મુજબ કમિશનરે મને દરખાસ્ત મોકલી હતી અને હાઇકોર્ટનો હુકમ હોય એટલે જમીન ફાળવવી જ પડે. અમે દરખાસ્ત મંજુર કરી એ પછી કાયદા મુજબ એ દરખાસ્ત જનરલ બોર્ડમાં ગઈ, ત્યાંથી નિયત પ્રક્રિયા પ્રમાણે મંજુર થયા બાદ મ્યુનિસિપલ કમિશનરએ એ દરખાસ્તને વહિવટી મંજૂરી આપી અને ત્યારબાદ જમીનની ફાળવણી થઈ હતી.
આ આખી પ્રક્રિયા હાઇકોર્ટના આદેશથી થઈ છે. લગભગ ૪૭ મીટર જમીન જે-તે ખેડૂતને નિયમ મુજબ જ ફાળવાઈ છે. ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે, કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી નથી. આ પ્રકારના આક્ષેપો અને આરોપો કોઈ રાજકીય બદઈરાદાથી પ્રેરિત હોય તેવું જણાઈ આવે છે તેમ શ્રી ઉદય કાનગડ જણાવે છે.
(4:29 PM IST)










