તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Monday, 29th July 2024
ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ રૂા.૫.૧૦ લાખનો દારૂ કબ્જેઃ હિરેન અને મિત્ર કેવલ પકડાયાઃ સુત્રધાર રાજનની શોધ
મોરબી રોડ બાયપાસ ૧૫૦ રીંગ રોડ મારૂતિ સર્વિસ સ્ટેશન સામે ન્યુ સીટી મોલમાં આવેલી હિરેન પાનસુરીયાની દૂકાનમાં દરોડો : રાજ ચોટીલાના લૂંટના ગુનામાં તાજેતરમાં જેલમાંથી છુટયો હતોઃ બે દિવસ પહેલા હિરેનની દૂકાન પાંચ હજારના ભાડેથી રાખી હતી અને મિત્ર કેવલની મદદથી દારૂ ઉતરાવ્યો હતોઃ ‘કટીંગ' થાય એ પહેલા પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ એસ. એલ. ગોહિલની ટીમની કાર્યવાહીઃ મુકેશભાઇ અને રોહિતદાનની બાતમી

રાજકોટ તા. ૨૯:તહેવાર નજીક આવતાં જ નાના મોટા બૂટલેગરો સક્રિય થઇ ગયા છે. પોલીસે પણ દરોડા વધારી દીધા છે. દરમિયાન ગાંધીગ્રામ પોલીસની ટીમે માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચેના મારૂતિના સર્વિસ સ્ટેશન નજીક આવેલા નવા બનેલા સીટી મોલ નામના કોમ્પલેક્ષની બંધ દૂકાનમાં દરોડો પાડી પાંચ લાખથી વધુનો વિદેશી દારૂ કબ્જે કરી દૂકાન માલિક, તેના મિત્રની ધરપકડ કરી છે. જ્યારે દારૂ ઉતારનારા સુત્રધારની શોધખોળ હાથ ધરી છે. બે દિવસ પહેલા જ આ શખ્સે મિત્રની દૂકાન ભાડેથી રાખી હતી અને જથ્થો ઉતાર્યો હતો. જે ‘કટીંગ' થાય એ પહેલા પોલીસે કબ્જે કરી લીધો હતો.
દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ગાંધીગ્રામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પાક્કી બાતમી મળી હતી કે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મારૂતી સર્વિસ સ્ટેશનની સામે રત્નમ્ રોયલ બંગલોઝની સામે ન્યુ સીટી મોલમાં આવેલી હિરેન જેન્તીભાઇ પાનસુરીયાની દૂકાન નં. ૮માં તેના મિત્ર રાજ ઉર્ફ રજની ચંદ્રપ્રકાશ ચોટાઇએ દારૂનો જથ્થો ઉતાર્યો છે.
આથી ટીમે તયાંપહોંચી દૂકાન નંબર આઠ પાસે જઇને જોતાં ત્યા શટર પર દૂકાન ભાડે આપવાની છે-હિરેન પટેલ અને તેના મોબાઇલ નંબર લખેલા જોયા હતાં. દૂકાન પર તાળુ હતું. પંચની હાજરીમાં તાળુ ખોલીને જોતાં અંદર દારૂની બોટલોના અલગ અલગ બોક્સ જોવા મળ્યા હતાં. પોલીસે દૂકાનમાંથી ગ્રીનલેબલ વ્હીસ્કીના ૩૦ બોક્સ, કિંગ્સ વોડકાના ૨૨ બોક્સ, એઇટ પીએમના ૯ બોક્સ, ઓફિસર્સ ચોઇસના ૨૪ બોક્સ તેમજ વ્હાઇટ લેક વોડકાના બે બોક્સ, બ્લેક લેકનું એક બોક્સ તેમજ ઓફિસર્સ ચોઇસના અન્ય દસ બોક્સ એમ અલગ અલગ ૭૫૦ એમએલ અને ૧૮૦ એમએલ વ્હીસ્કીની કુલ નાની મોટી ૧૭૮૮ બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂા. ૫,૧૦,૨૪૦ હતી.
પોલીસે દૂકાન માલિક હિરેન જેન્તીભાઇ પાનસુરીયા (ઉ.વ.૩૪-રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોક નાગબાઇ મેઇન રોડ આનંદ પાર્ક બ્લોક નં. ૨૬)ને સકંજામાં લેતાં તેણે મિત્ર આજીડેમ ચોકડી પાસે રહેતાં રાજ ઉર્ફ રજની ચંદ્રપ્રકાશ કોટાઇ તથા કનકનગરમાં રહેતાં કેવલ અશોકભાઇ મઢવીએ આ દારૂ ઉતાર્યો હોવાનું કબુલતાં પોલીસ રજની અને કેવલના ઘરે ત્રાટકી હતી. જો કે રજની મળ્યો નહોતો. કેવલ મળી આવતાં તેને પકડી લેવાયો હતો. રજની અગાઉ ચોટીલામાં લૂંટના ગુનામાં સંડોવાઇ ચુક્યો છે અને તાજેતરમાં જ તે જેલમાંથી છુટયો છે. તેણે મિત્ર હિરેનની દૂકાન બે દિવસ પહેલા જ પાંચ હજારના ભાડેથી રાખી હતી. તેણે હિરેન અને કેવલ બંનેને વાપરવા રૂપિયા આપશે તેવી લાલચ આપી હતી અને બાદમાં દારૂ ઉતાર્યો હતો. રજની ઉર્ફ રાજ કોટાઇની શોધખોળ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ બી. ટી. અકબરી અને પીએસઆઇ એસ. એલ. ગોહિલ, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, કોન્સ. મુકેશભાઇ સબાડ, શક્તિસિંહ ગોહિલ, કોન્સ. પ્રદિપભાઇ ડાંગર, પ્રશાંતભાઇ ગજેરા, રોહિતદાન ગઢવી, કુલદિપસિંહ રાણા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે મુકેશભાઇ અને રોહિતદાનને બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.
(4:38 PM IST)










