News of Wednesday, 31st July 2024
મોરબીના ૭ માસના બાળકને ચાંદીપુરાની શંકાઃ રાજકોટ સિવિલમાં દાખલઃ આજે ૯ દર્દી સારવારમાં
ચારના રિપોર્ટ પોઝિટિવ, ૦૨ દર્દીના નેગેટિવ અને ૦૩ દર્દીના રિપોર્ટ આવવાના બાકી

રાજકોટ તા. ૩૧: રાજકોટ સહિત રાજ્યભરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. અમુક પોઝિટિવ કેસ પણ જાહેર થાય છે. તો પોઝિટિવ જાહેર થયેલા આવા દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં વધુ એક બાળકને ચાંદીપુરાની શંકા સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયું છે. મોરબીના ૭ મહિનાના બાળકને દાખલ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. સિવિલ હોસ્પિટલમાં આજે ૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૪ના રિપોર્ટ પોઝિટિવ છે અને બેના નેગેટિવ છે, જ્યારે ત્રણના રિપોર્ટ આવવાના બાકી છે.
શહેરપી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ૭ વર્ષની પડધરીની બાળા કે જેનો ચાંદિપુરા રિપોર્ટ પોઝિટિવ હતો અને હાલત પણ ગંભીર થઇ ગઇ હતી તેને અગિયાર દિવસ સુધી સઘન સારવાર મળતાં તે સંર્પુણ સ્વસ્થ થતાં ગઇકાલે રજા અપાઇ હતી. તે સાથે ગઈકાલે ઝનાના હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગ અને સિવિલ હોસ્પિટલમાં મળી આઠ દર્દીઓ સારવારમાં હતા જયારે ગત રાત્રીના મોરબીના સાત મહિનાના બાળકને પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવતા સંખ્યા ૯ થઇ છે. મધ્યપ્રદેશનો આ પરિવાર હાલ મોરબી જિલ્લામાં ખેત મજૂરી કરે છે. તેના સાત મહિનાના બાળકને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હોવાથી સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર લીધી હતી. પરંતુ તકલીફ વધી જતા રાત્રીના ઝનાના હોસ્પિટલમાં લાવતા તબીબી તપાસ દરમિયાન બાળકની મેડિકલ હિસ્ટ્રી જોતા ચાંદિપુરાના સંભવિત લક્ષણ હોવાનું જણાયા હતાં.
આ બાળકની હાલ સઘન સારવાર શરૂ છે. બાળકના સેમ્પલ લઇ આજે ગાંધીનગરની લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. સારવારમાં રહેલા દર્દીઓ પૈકી બે દર્દીના રિપોર્ટ નેગેટીવ જાહેર થયા હતાં અને ગોંડલના ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો.
(10:57 AM IST)










