News of Wednesday, 31st July 2024
‘સખી સુપર મોલ'નો ઓગષ્ટમાં મંગલારંભ
લોકલ ટુ વોકલને સિધ્ધ કરવા બહેનોએ તૈયાર કરેલ ગૃહ ઉદ્યોગની વસ્તુઓ વેચાણમાં મુકાશે : મહિલાઓને ટોકન ભાવે અપાશે જગ્યા : ૧૫૦ બહેનોની ટીમ રંગ લાવી રહી છે : નામ નોંધણી ચાલુ : શનિવારે વી કેન ગ્રુપ સાથે મીટીંગ

રાજકોટ તા. ૩૧ : બહેનો પોતાના પગભર થઇ રોજગારી મેળવી શકે તેવા હેતુ સાથે શ્રી હરિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વી કેન ગ્રુપના સહયોગથી બહેનોની એક ટીમ દ્વારા ‘સખી સુપર મોલ'નો કાલાવડ રોડ, અમીન માર્ગ ખાતે આગામી ૧૭/૧૮ ઓગષ્ટથી પ્રારંભ થવા જઇ રહ્યો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બહેનોએ જણાવ્યુ હતુ કે ‘લોકલ ટુ વોકલ' સુત્રને ચરિતાર્થ કરવા જે બહેનો ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેમને એક મંચ પુરો પાડવાનો અમારો પ્રયાસ છે. આ મોલમાં ખાસ ટોકન ચાર્જ લઇને તેમને જગ્યા ફાળવાશે.
હાલ આશરે ૧૫૦ થી વધુ બહેનોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. નજીકના દિવસોમાં આવી રહેલ રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળીના તહેવારોને ધ્યાને લઇ યુનિક પ્રોડકટસ બજારમાં મુકાશે. શરૂઆતના તબકકે આ મોલ દર શનિ-રવિ ખુલ્લો રહેશે. હાલ બહેનોનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવાયુ છે.
આ સખી સુપર મોલમાં એવા બહેનોને આમંત્રિત કરાયા છે. જેઓ ઘરેથી કઇ પણ નાનો મોટો વ્યવસાય કરે છે. તેમને અહીં પ્લટફોર્મ પુરૂ પડાશે. ઉપરાંત એવા બહેનો કે જે મુડી રોકાણ કરી શકે તેમ નથી. છતાય તેમનામાં કઇક સ્કીલ છે તેને બહાર લાવવા મથતા હોય તેવા બહેનોને પણ અહીં તાલીમ અને મુડી રોકાણની વ્યવસ્થા કરી અપાશે.એકઝીબીશનમાં ભાગ લેવા ઇચ્છતા બહેનોની એક મીટીંગ આગામી શનિવારે સાંજે પ વાગ્યે વી. કેન ગ્રુપના કાર્યાલયે રાખેલ છે. વધુ માહીતી અને રજીસ્ટ્રેશન માટે ડો. પીનાબેન કોટક (મો.૭૪૩૩૯ ૨૭૬૦૬) અને હિનાબેન રાવલ (મો.૮૪૬૦૨ ૧૦૫૩૧)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ‘સખી સુપર મોલ'ની વિગતો વર્ણવતા ડો. પીનાબેન કોટક, ટ્રસ્ટી હિનાબેન રાવલ, નિશાબેન રાણપરા, કિંજલબેન, નેહાબેન રાચ્છ, રચનાબેન રૂપારેલ, અરૂણાબેન જે. આડેસરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:32 PM IST)










