<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

શિવાજીનગરના ધવલ ઓળકીયા પર ટોળકીનો હુમલોઃ પગ ભાંગી નાંખ્‍યો, મોબાઇલ, પર્સ પડાવી લીધાનો આક્ષેપ

યાર્ડ સામે પેટ્રોલ પંપ નજીક બનાવઃ કાકા અને તેમની દિકરી સાથે વાહન અથડાવા મામલે નાથબાવા શખ્‍સે ઝઘડો કર્યો હોઇ ધવલ સમજાવવા ગયા બાદ પરત કાકાના ઘરેથી પોતાના ઘરે જતો હતો ત્‍યારે રસ્‍તામાં આંતરી તૂટી પડયા

રાજકોટ તા. ૩૧: શહેરના ચુનારાવાડ ચોક શિવાજીનગર-૨૧માં રહેતાં અને ફર્નિચર કામની મજૂરી કરતાં ધવલ વલ્લભભાઇ ઓળકીયા (ઉ.વ.૩૬) પર રાતે અગિયારેક વાગ્‍યે જુના માર્કેટ યાર્ડ નજીક પેટ્રોલ પંપ પાસે અજાણ્‍યા શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાંખતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

ધવલના સગાના કહેવા મુજબ ધવલના કાકા અને કાકાની દિકરી રાતે બાઇકમાં બેસી બહારથી આજીડેમ ચોકડીએ માન સરોવર પાર્કમાં તેમના ઘર પાસે જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં તેમના વાહન સાથે એક નાથબાવા શખ્‍સનું વાહન અડી જતાં તેણે આ પિતા-પુત્રી સાથે ઝઘડો કરી મારામારી કરી લીધી હતી. તેની જાણ થતાં ધવલ ત્‍યાં ગયો હતો અને માથાકુટ કરનારાઓને સમજાવી ઠપકો આપ્‍યો હતો. બાદમાં તે કાકા અને કાકાની દિકરીને તેમના ઘરે મુકવા ગયો હતો. ત્‍યાંથી રાતે અગિયારેક વાગ્‍યે પરત મિત્ર જીતેન્‍દ્ર સોલંકી સાથે પોતાના ઘર તરફ જતો હતો તે વખતે યાર્ડ પાસે અજાણ્‍યા શખ્‍સોએ તેને આંતરીને હુમલો કર્યો હતો. જેમાં ધોકા-પાઇપના ઘા લાગતાં ધવલનો પગ ભાંગી ગયો હતો.

તેને હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. ધવલ પાસેથી રોકડ, મોબાઇલ, વાહનની ચાવી પણ પડાવી ગયાનો આક્ષેપ કરાયો હતો.  હુમલાખોરો નાથબાવા જ્ઞાતિના શખ્‍સો હોવાનું જણાવાયું હતું. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

(3:31 PM IST)