<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

રાજકોટમાં ‘દેશી'ના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસઃ દારૂના ૭૯ કેસઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સુચનાથી શહેરભરની પોલીસ તૂટી પડી : જુઓ વિડિયો

 

રાજકોટઃ શહેરમાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાએ સુચના આપતાં આજે વહેલી સવારથી તમામ પોલીસ સ્‍ટેશનો, તમામ બ્રાંચના અધિકારીઓ અને તેમની ટીમોએ ક્રાઇમ બ્રાંચ ડીસીપી, ઝોન-૧, ઝોન-૨ ડીસીપી, તમામ એસીપીની રાહબરી અને સુચના અનુસાર પોતપોતાના વિસ્‍તારોમાં ડ્રાઇવ યોજી દરોડા પાડતાં દારૂના ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. સમયાંતરે પોલીસ આ રીતે ઓચીંતી ડ્રાઇવ યોજતી હોય છે. શ્રાવણ મહિનાનો આરંભ અને જન્‍માષ્‍ટમીના તહેવારો નજીક હોઇ કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને દારૂની રેલમછેલ ન થાય તે માટે આગોતરા પગલા રૂપે આ ડ્રાઇવ યોજવામાં આવી હતી. તમામ પોલીસ સ્‍ટેશનો, બ્રાંચ દ્વારા ૭૯ કેસ કરવાની તજવીજ થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ઓચીંતા જ દારૂની ડ્રાઇવ યોજવા સુચના આપતાં વહેલી સવારે પાંચ વાગ્‍યાથી તમામ પોલીસ સ્‍ટેશનના પીઆઇ, બ્રાંચના અધિકારીઓ અને તેમના ડી. સ્‍ટાફના તેમજ ચોકીઓના પીએઅસાઇ અને સ્‍ટાફ દ્વારા વિસ્‍તારમાં જ્‍યાં દેશી દારૂનું ઉત્‍પાદન થતું હોય અને વેંચાતુ હોય તેવા વિસ્‍તારોમાં દરોડાનો દોર શરૂ કરવામાં આવ્‍યો હતો. વહેલીસ સવારે ઓચીંતી પોલીસ ત્રાટકતાં દારૂના ધંધાર્થીઓમાં નાસભાગ થઇ ગઇ હતી. સવારે પાંચ વાગ્‍યે શરૂ થયેલી દરોડાની કામગીરી નવ વાગ્‍યા સુધી ચાલી હતી.  જેમાં અનેક દેશીના ધંધાર્થીઓ ઝપટે ચડયા હતાં. વિદેશી દારૂ સાથે પણ કેટલાક પકડાયા હતાં. પોલીસે દારૂ, ભઠ્ઠીના સાધનો કબ્‍જે લીધા હતાં અને આથાનો સ્‍થળ પર નાશ કરવા તજવીજ કરી હતી. એ ડિવિઝન, બી-ડિવીઝન, ભક્‍તિનગર, માલવીયાનગર, આજીડેમ પોલીસ, કુવાડવા રોડ, એરપોર્ટ થોરાળા, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા પોલીસ તેમજ ડીસીબી, એસઓજીની ટીમો આ ડ્રાઇવમાં સામેલ થઇ હતી.એ-ડિવીઝન પોલીસની ટીમે ૦૯ દરોડા, બી-ડિવીઝન પોલીસે ૦૫,  ભક્‍તિનગર-૦૫, તાલુકા-૦૬, કુવાડવા રોડ પોલીસે ૧૦, ગાંધીગ્રામ-૦૬, એરપોર્ટ પોલીસના ૦૫, માલવીયાનગરના-૦૪, આજીડેમના-૦૯ તેમજ થોરાળા, યુનિવર્સિટી પોલીસના મળી ૬૦ જેટલા દરોડા પાડવામાં આવ્‍યાનું જાણવા મળ્‍યું છે. તસ્‍વીરોમાં દરોડાની કાર્યવાહીના દ્રશ્‍યો જોઇ શકાય છે. ડીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયાએ જણાવ્‍યા મુજબ કુલ ૭૯ કેસ કરીને દેશી દારૂ ૫૧૭ લિટર  તથા આથો ૨૩૪૩ લિટર કબ્‍જે કરાયો છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:55 PM IST)