<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

કાલાવડ રોડ પર વાહન ચાલકો ઉપર સતત ઝળુંબતુ મોત

ચિરાગ ચિકાણી જેવા કંઇક આશાસ્‍પદ નાગરીકોને ભરખી જવામાં કારણભૂત રખડતા ઢોર બેફામઃ નિંભર તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

કાલાવાડ રોડ પરના એ ગોઝારા પુલ ઉપર રખડતા ખુંટીયાઓ અડ્ડો જમાવી બેઠા હોય છે. પરીણામે વાહન ચાલકો ગમે ત્‍યારે અકસ્‍માતનો ભોગ બની શકે છે આવુ કટારીયા ચોકડીથી લઇને છેક ખિરસરા ગામ સુધી જોવા મળે છે. છતા નિંભર અને નમાલા તંત્રના પેટનું પાણી હલતુ નથી ત્‍યારે પ્રસ્‍તુત તસ્‍વીરમાં અકસ્‍માતમાં માર્યા ગયેલા ખુંટ, અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોર અને છેલ્લી તસ્‍વીરમાં ‘આખલા યુધ્‍ધ' નજરે પડે છે.

રાજકોટ, તા.,પ : રાજકોટથી જીઆઇડીસી મેટોડા સુધી ટ્રાફીકથી સતત ધમધમતા હાઇવે ઉપર વાહન ચાલકો ઉપર સતત મોત ઝળુંબતું હોય છે. સ્‍હેજની ગફલત જીવલેણ બની શકે છે. તાજેતરમાં કારખાને જતા ચિરાગ ચિકાણીનો જીવ આ રખડતા ખુંટીયાઓ તથા નિંભર તંત્રના પાપે ગયો છે. આવા તો અસંખ્‍ય અકસ્‍માતો છેલ્લા દિવસોમાં બન્‍યા છે. પરંતુ  તમામ સરકારી તંત્રો, ચુંટાયેલા લોક-પ્રતિનિધિઓ આ ગંભીર સમસ્‍યા તરફ કેમ આંખ-મિચામણા કરી રહયા છે તે નિર્દોષ વાહન ચાલકોને સમજાતુ નથી.

આમ તો કાલાવડ-રાજકોટ વચ્‍ચેનો હાઇવે સતત ધમધમતો હોય છે. પરંતુ સવારે રાજકોટથી હજારો મોટરકારો, હજારો બાઇક ચાલકો મેટોડા જીઆઇડીસીમાં આવેલી ફેકટરીઓમાં આવતા-જતા હોય છે અને તેઓને મોટામવાથી માંડીને મેટોડા સુધી રોડ ઉપર છડેચોક બેઠેલા અને ધીંગામસ્‍તી કરતા રખડતા ઢોર અને ખુંટીયાઓથી સતત બીક વચ્‍ચે પસાર થવુ પડે છે.

આ અંગે અખબારોમાં પણ અનેકવાર ચિંતા દર્શાવવામાં આવી છે છતાં માર્ગ અને મકાન વિભાગના નિંભર અધિકારીઓ, રૂડા, જીલ્લા પંચાયત તથા મેટોડા જીઆઇડીસીના નિષ્‍ક્રીય અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી. પોતે પણ હાઇવે પર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરની સમસ્‍યાઓ ભોગવી રહયા છે ત્‍યારે પ્રશ્ન એ છે કે પોતાને પડતી મુશ્‍કેલીઓ અંગે પણ ચિંતીત ન હોય તે લોકોના પ્રશ્ને શું ઉકાળવાના?

છેલ્લા ત્રણેક માસમાં ઢોરના પાપે અકસ્‍માતોમાં વડવાજડીના બે પરીવારનો માળો પિંખાયો છે. મેટોડા જીઆઇડીસીમાં અકસ્‍માતમાં એકી સાથે બબ્‍બે-ત્રણ-ત્રણ ફેટલ મોડી થાય છે. આમ છતા આ નફફટ અને નિંભર તંત્ર અને સતાવાસીઓની આંખ કેમેય ઉઘડતી નથી ત્‍યારે દરરોજ આવન-જાવન કરતા લાખો લોકોના જીવ ‘રામ ભરોસે' છોડી દેવામાં આવ્‍યા છે.

અકસ્‍માતો અંગે કોઇ ચિંતા દર્શાવતુ નથી તે ટાંકણે જીવદયા પ્રેમીઓ પણ આ પ્રશ્ને મુંગામંતર છે કેમ કે ચિરાગ ચિકાણી છે આશાસ્‍દ નવ લોહીયાઓ જ આ ગંભીર સમસ્‍યાનો ભોગ નથી બનતા પરંતુ અબોલ પશુઓ પણ અકસ્‍માતમાં છાશવારે મોતને ભેટે છે.

ગઇકાલે બાલાજી વેફર્સ સામે આવેલા હિરાબા સરોવર નજીકના ન્‍યારી નદીના પુલ ઉપર કે જયાં ચિરાગ વિકાણી જેવા ત્રણેક યુવાનો કાળનો કોળીયો બની ગયા છે ત્‍યાં એક ખુંટીયા સાથે અજાણ્‍યું વાહન એવુ જોરથી અથડાયું કે વિશાળકાય ખુંટીયાના રામ રમી ગયા.જે હાઇવે ઉપરથી દરરોજ માલેતુજાર ફેકટરી માલીકોથી માંડીને મજુરો દરરોજ મોતના ઓથાર વચ્‍ચે પસાર થઇ રહયા છે ત્‍યારે નિંભર તંત્ર તો સમસ્‍યા કે માલ મળતો હોય ત્‍યાં જ કામગીરી કરે પરંતુ મેટોડાનાં ઉદ્યોગપતિઓ શા માટે આ અંગે કોઇ નક્કર આયોજન કરતા નથી તે આમ જનતાની સમજમાં આવતુ નથી.

‘જાન હૈ તો જહાન હૈ' આ સુત્રનો વિચાર કરી કરોડો કમાતા કારખાનેદારો શું આ રખડતા ઢોરની સમસ્‍યા હલ થાય અને હાઇવે પર મોતનો સામાન બનીને અડીંગો જમાવી બેઠેલા રખડતા ઢોર અંગે કોઇ નક્કર આયોજન ન કરી શકે ?  અથવા નિંભર તંત્રનો કાન પણ ન આમળી શકે ?

આヘર્યની વાત તો એ છે કે આવી જ સમસ્‍યા શહેરના ચોતરફ છે ત્‍યારે ચુંટાયેલા પ્રતિનિધિઓ, મોટા રાજકીય નેતાઓ, કલેકટર તંત્ર, રૂડા તંત્ર કે જીઆઇડીસી તંત્રને કેમ આ ખતરનાક અને ગંભીર સમસ્‍યા દેખાતી નથી.

હજુ વધુ નિર્દોષ લોકો અકસ્‍માતનો ભોગ બને અને મોતને ભેટે તથા અબોલ પશુઓ અકસ્‍માતનો ભોગ બને તે પણ બસ્‍સો-પાંચસો જેટલા માતેલ સાંઢને યોગ્‍ય જગ્‍યાએ આશરો અપાવી પુણ્‍યનું ભાથુ મેળવવા માટે કોઇ આયોજન સૌ સાથે મળીને કરે તે જરૂરી છે અન્‍યથા ચિરાગ જેવા આશાસ્‍પદ યુવાનના કેટલાયના પરિવારો દુઃખની ગર્તામાં હોમાતા રહેશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મેટોડા ઔદ્યોગીક એશોસીએશન ખુબ જ સક્રિય અને કામ કરતુ મંડળ છે. ત્‍યારે આ ગંભીર સમસ્‍યા અંગે પણ નિભંર તંત્રનો કાન આમળે અથવા તો ‘અપના હાથ જગન્નાથ' અને ‘સૌનો સાથ સૌનો વિકાસ'ની જેમ ‘સૌના સાથથી સૌની સલામતી' જેવી અસરકારક કામગીરી કરી આવા માતેલ સાંઢ તથા રખડતા પશુઓને સદભાવના વૃધ્‍ધાશ્રમ જેવી નક્કર કામ કરતી સંસ્‍થાની મદદથી યોગ્‍ય જગ્‍યાએ આશ્રય અપાવી હજારો વાહન ચાલકોને નિશ્ચિત કરે તે જરૂરી છે.

આલેખન  નરેન્‍દ્રસિંહ જાડેજા

બાંધકામ વિભાગ, જીલ્લા પંચાયત, જીઆઇડીસી, ગ્રામ પંચાયતો, મેટોડા ઔદ્યોગીક એસોશીએશન અને ચુંટાયેલા  લોક-પ્રતિનિધિઓને આ ગંભીર સમસ્‍યા કેમ દેખાતી નથી

વિશાળકાય ખુંટીયાના સ્‍થળ પર ‘રામ રમી' ગયા તો તેની સાથે અથડાનાર વાહનચાલકનું શું થયું હશે?

કાલાવડ પરની ન્‍યારી નદીના પુલ ઉપર આવેલ હીરાબા સરોવર પાસેના પુલ ઉપર ગઇકાલે જયાં ચિરાગ વિકાણીનો જીવ ગયો હતો તે જ જગ્‍યાએ એક ખુંટને વાહનચાલકે હડફેટે લીધો અને એનીમલ કેર સંસ્‍થાએ સારવાર કરી પરંતુ મોતને શરણે થયેલા આખલા સાથે અથડાવનાર વાહન ચાલકનું શું થયું હશુ ? તે વિચારતા જ કમકમાટી આવી જાય છે.

જો નિંભર તંત્રોને લોકો તથા પશુઓના જીવની સ્‍હેજ પણ પરવા હોય તો આ ગંભીર સમસ્‍યાનો તાકીદે ઉકેલ લાવવો જોઇએ અન્‍યથા નિર્દોષ જીવોના મોત બદલ કુદરત કેવા દિવસો બતાવી શકે છે તેનો પણ વિચાર કરવો રહયો.

(2:39 PM IST)