<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજયા

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસનો આજે સોમવતી અમાસના સંગમ સાથે મંગલ પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવ, ૐ નમઃશિવાય, બમ બમ ભોલેના નાદોથી ગુંજી ઉઠયા હતા. રાજકોટના આજીનદીના કાંઠે બિરાજતા સ્‍વયંભુ શ્રીરામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે જ ભાવિકોએ દર્શન પૂજા માટે કતારો લગાવી દીધી હતી. શહેરના શ્રી જાગનાથ મહાદેવ, શ્રી આશુતોષ મહાદેવ, શ્રી ધારેશ્વર મહાદેવ, શ્રી પંચનાથ મહાદેવ મંદિરે તેમજ અન્‍ય શિવાલયોમાં પણ આજથી આખો શ્રાવણ માસ વિવિધ અભિષેક, સ્‍તોત્રપાઠ, પૂજન, યજ્ઞ સહીતના કાર્યક્રમોના આયોજનો થયા છે. લોકો વ્રત-જપ-તપ-ઉપવાસ-એકટાણા કરીને ભગવાન શિવની ભક્‍તિ કરશે. શિવાલયોમાં દર સોમવારે વિશેષ શોભાના દર્શનો ખુલ્લા મુકાશે. ઉપરોકત તસ્‍વીર શ્રી રામનાથ મહાદેવ મંદિરે દર્શન પૂજન માટે ઉમટી પડેલ ભાવિક ભકતોની છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:06 PM IST)