News of Monday, 5th August 2024
ભગવતીપરામાં મંડપ સર્વિસવાળા જગદીશભાઇ પર હુમલો, વચ્ચે પડેલા પુત્ર આશિષને પેટમાં છરી ઝીંકાઇ
આશાબા પીરની દરગાહ પાસે રહેતાં પરિવારને ત્યાં દશામાના મંડપ નાખવા ગયેલા આધેડને ‘આ શેરીમાં આવવું નહિ' કહી મારકુટ કરી, પછી ચાર ભાઇઓએ ઘરે આવી હુમલો કર્યો : સિકંદર રાઉમા અને તેના ભાઇઓ અફઝલ, દરેડ ઉર્ફ દલીયો અને સમીર રાઉમા વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી : પંજાબી ચાઇનીઝના ધંધાર્થી આશિષને ગંભીર ઇજાઃ તત્કાળ ઓપરેશન કરવું પડયું

રાજકોટ તા. ૫: ભગવતીપરામાં પંજાબી ચાઇનીઝ ફાસ્ટ ફૂડની દૂકાનમાં મોટા ભાઇ સાથે બેસતાં યુવાનને રાતે તેના ઘર નજીક જ ભગવતીપરાના ત્રણ મુસ્લિમ ભાઇઓએ પકડી રાખી ચોથા ભાઇએ પેટમાં છરી ભોંકી દેતાં લોહીલુહાણ થઇ જતાં દેકારો મચી જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. આ યુવાનના પિતા મંડપ સર્વિસનું કામ કરતાં હોઇ છકડો રિક્ષા લઇ આશાબા પીરની દરગાહ પાસે દેવીપૂજક પરિવારને ત્યાં દશામાના વ્રત નિમીતે મંડપ નાખવા ગયા હોઇ ચારેય ભાઇઓ ત્યાં રસ્તામાં બેઠા હોઇ તેણે તેમને આ શેરીમાં રિક્ષા લઇને આવવું નહિ કરી મારકુટ કરી હતી. એ પછી તેઓ રિક્ષા લઇ ઘરે આવી ગયા બાદ ફરીથી આ ચારેય ભાઇઓ છરીઓ સાથે ધસી આવતાં અને હુમલો કરતાં યુવાન પિતાને બચાવવા વચ્ચે પડતાં તેને છરીના ઘા ઝીંકી દેવાયા હતાં.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘવાયેલા ભગવતીપરા-૯માં રહેતાં આશિષ જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.૧૯)ના મોટા ભાઇ મિહીર જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી ભગવતીપરામાં જ રહેતાં સિકંદર રાઉમા, અફઝલ રાઉમા, દરેડ ઉર્ફ દલીયો રાઉમા અને સમીર રાઉમા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મિહીર વાઘેલાએ જણાવ્યું છે કે અમે બે ભાઇઓ છીએ જેમાં હું મોટો છું. હું અને મારો ભાઇ બંને ભગવતીપરા મેઇન રોડ પર લીજેન્ડ ઓફ પંજાબ નામે પંજાબી ચાઇનીઝ ફાસ્ટફૂડની દૂકાન ચલાવીએ છીએ. મારા પિતા જગદીશભાઇ મનુભાઇ વાઘેલા મંડપ સર્વિસનું કામ કરે છે. રવિવારે રાતે સાડા અગિયારેક વાગ્યે હું અને મારો નાનો ભાઇ આશિષ ભગતવીપરા બ્રીજ ઉતરતાં અમારા ઘર પાસે આવેલી અમારી દૂકાને હતાં ત્યારે મારા માતા સોનલબેન બૂમો પાડતાં હોઇ અમે ત્યાં ઘરે જતાં મારા પિતાજીએ કહેલું કે યુવરાજ અને હું રાતે અગિયાર આસપાસ ભગવતીપરા આશાબા પીરની દરગાહવાળા રોડ ખાતે દેવીપૂજકના ઘરે દશામાના વ્રત હોઇ મંડપ ફીટ કરવા ગયા હતાંત્યારે સિકંદર અને તેના ભાઇ અફઝલ તથા દરેડ ઉર્ફ દલીયો અને સમીર એમ ચારેય ભાઇઓ રસ્તામં બેઠા હોઇ મંડપની રિક્ષા લઇને અમે શેરીમાંથી નીકળતાં આ લોકોએ તારે આ શેરીમાંથી રિક્ષા લઇ નીકળવું નહિ તેમ કહી ઝઘડો કર્યો હતો.
આ ચારેય ભાઇઓએ મારી રિક્ષા રોકી મને અને સાથેના યુવરાજને મારકટ કરી ગાળો દીધી હતી. બાદમાં અમે રિક્ષા લઇને ત્યાંથી ઘરે આવી ગયા છીએ. પિતાજી મને આ વાત કરી રહ્યા હતાં ત્યાં જ સિકંદર, તેનો ભાઇ અફઝલ, દરેડ, સમીર એમ ચારેય ફરીથી છરીઓ લઇને અમારા ઘર પાસે આવી ગયા હતાં. આ વખતે હું, મારો ભાઇ, મારા પિતા, માતા એમ બધા ઘર બહાર જ ઉભા હતાં. એ દરમિયાન મારા પિતાજીને આ ચારેય ભાઇઓ ગાળો દઇ ઢીકાપાટુ મારવા માંડતાં હું અને મારો ભાઇ આશિષ વચ્ચે પડયા હતાં. જેથી સિકંદર અને દરેડે મને માર માર્યો હતો. મારા માતા સોનલબેન મારા પિતાજીને બચાવવા વચ્ચે પડતાં સિકંદરે તેને પણ માર મારી ઢસડયા હતાં.
દરમિયાન મારો નાનો ભાઇ આશિષ પિતાજીને બચાવવા વચ્ચે પડતાં સિકંદર અને દરેડ તથા સમીરે તેને પકડી લીધો હતો અને અફઝલે છરીથી હુમલો કરી મારા ભાઇ આશિષના પેટમાં ઘા મારી દેતા઼ લોહી નીકળવા માંડતાં માણસો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતાં. હું મારા ભાઇને મારા મિત્ર મયુરસિંહ ઝાલાના બાઇકમાં બેસાડી સિવિલ હોસ્પિટલે લાવ્યો હતો. તેમ વધુમાં મિહીરે જણાવતાં પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. એન. કલોત્રાએ ચારેય ભાઇઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આશિષને રાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્ દ્રભાઇ હુદડ, પદુભા જાડેજાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. આશિષને તત્કાળ ઓપરેશનમાં લઇ જવામાં આવ્યો હતો.
(12:17 PM IST)










