News of Monday, 5th August 2024
શેર બજારમાં મોટી રકમ ગુમાવતાં ૧.૭૭ કરોડનું ફ્રોડઃ દોઢ વર્ષથી ફરાર દંપતિ હુબલીથી ઝડપાયું
રોકાણ પર બાવીસ ટકા વળતરથી લાલચ આપી ૫૩ રોકાણકારોને છેતરતાં ગાંધીગ્રામમાં ગુનો નોંધાયો હતો : એસીપી રાધિકા ભારાઇ, ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયાની ટીમની કામગીરીઃ મુળ અમદાવાદનો રાહુલ સોની અને અદિતી સોની રિમાન્ડ પર

રાજકોટ તા. ૫: શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી ૫૩ રોકાણકારો સાથે રૂપિયા ૧.૭૭ કરોડની ઠગાઇનો બનાવ દોઢ વર્ષ પહેલા બન્યો હતો. આ કેસમાં ફરાર દંપતિને ગાંધીગ્રામ અને ક્રાઇમ બ્રાંચની ટીમે કર્ણાટકના હુબલી ખાતેથી પકડી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપતાં બંનેના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરવામાંઅ ાવી છે.
ગાંધીગ્રામ પોલીસમાં દોઢ વર્ષ પહેલા ગુનો દાખલ થયો હતો. જેમાં શેર બજારમાં બાવીસ ટકા રિફન્ડની લાલચ આપી દંપતિએ ૫૩ જેટલા રોકાણકારોને લલચાવી નાણાનું રોકાણ કરાવી એક કરોડ સત્યોતેર લાખની ઠગાઇ કરી હતી અને ભાગી ગયા હતાં. આ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ દંપતી રાહુલ રણજીતભાઈ સોની (ઉ.વ.૨૯, રહે. પામ સિટી ડી-૨૦૧, રૈયા રોડ, મુળ અમદાવાદ) અને તેના પત્નિ અદિતીબેન (ઉ.વ.૨૪)ને હુબલીથી પકડીલેવાયા છે. આરોપી દંપતી વિરળધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દોઢેક વર્ષ પહેલા વિશ્વાસઘાત, છેતરપિંડી, ગુનાહીત કાવતરું અને ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ડીપોઝીટરની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં દોઢેક વર્ષથી ફરાર આરોપી દંપતીનો કોઇ પત્તો પોલીસને મળતા નહોતો.
રાહુલ અને તેના પત્નિ અદિતીબેનની વિધીવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં આઠ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ગાંધીગ્રામ પોલીસના કહેવા મુજબ આરોપી દંપતીની ૧૫૦ ફૂટ રિંગ રોડ પર એન્જલ-૧ શેર માર્કેટ નામની ઓફિસ હતી. બંને શેર માર્કેટમાં ૨૨ ટકા રિફંડની લાલચ આપતા હતા. જેને કારણે રોકાણકારો તેમની જાળમાં ફસાઇ ગયા હતા. આરોપી રાહુલ હાલ હુબલીમાં એક હોટલમાં કામ કરતો હતો. શેર માર્કેટમાં મોટી રકમ હારી જતાં ફ્રોડ આચર્યાનું રટણ કયુૃ હતું. રોકાણકારોને તેમની ગુમાવેલી રકમ પરત મળે તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ એન. વી. હરિયાણી, ડીસીબીના હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, સંજયભાઇ રૂપાપરા, બ્રિજરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગાંધીગ્રામના અમિતભાઇ કોરાટ, મહેશભાઇ રબારી, સવજીભાઇ હુંબલ, કોન્સ. સલ્તાજબાનુ ભોરણીયા, ડ્રા.ભગીરથસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
(4:07 PM IST)










