<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

પંચાયત પોલીસ ચોકીમાં કોન્‍સ્‍ટેબલ સહિત બે રૂપિયા ૨૫ હજારની લાંચમાં ઝડપાતાં ખળભળાટ

શહેરના એક વ્‍યક્‍તિ વિરૂધ્‍ધની અરજીમાં હેરાન પરેશાન નહિ કરવાના બદાલામાં રૂપિયા લઇ પોતાને વકિલ તરીકે ઓળખાવતો ભાવીન રૂઘાણી આવતાં જામનગર એસીબીની ટીમે તેને અને કોન્‍સ. વિપુલ ઓળકીયાને રંગેહાથ દબોચ્‍યા : પીએસઆઇની પુછતાછ થઇ : ઇન્‍ચાર્જ નિયામક કે. એચ. ગોહિલની સુચના અનુસાર પીઆઇ આર. એન. વિરાણી અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૫: શહેરના યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન હસ્‍તકની પંચાયતનગર પોલીસ ચોકીમાં જામનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક પોલીસ કોન્‍સ્‍ટેબલ અને પોતાને વકિલ તરીકે ઓળખાવતો શખ્‍સ લાંચના છટકામાં ઝડપી લેતાં ખળભળાટ મચી ગયો છે. એક અરજીની તપાસમાં હેરાન પરેશાન નહિ કરવાના બદલામાં લાંચ મંગાઇ હતી. આ કિસ્‍સામાં ફરિયાદીએ એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી. તેના આધારે જામનગર એસીબીની ટીમને ટ્રેપ ગોઠવવા સુચના મળતાં ત્‍યાંની ટીમે સફળ છટકુ ગોઠવ્‍યું હતું. કોન્‍સ્‍ટેબલ અને સાથેના શખ્‍સને ૨૫ હજારની લાંચના છટકામાં પકડવામાં આવ્‍યા છે. પીએસઆઇની પણ પુછતાછ કરવામાં આવી હતી. હાલ માત્ર કોન્‍સ્‍ટેબલ અને ખાનગી વ્‍યક્‍તિ સામે જ ગુનો દાખલ કરવામા આવ્‍યો છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ શહેરમાં રહેતાં એક વ્‍યક્‍તિ વિરૂધ્‍ધની અરજી થઇ હોઇ તેની તપાસ સાધુ વાસવાણી રોડ પર આવેલી પંચાયત પોલીસ ચોકી તરફ ગઇ હતી. અહિ ચોકીમાં બેસતાં કોન્‍સ. વિપુલ ઓળકીયા હસ્‍તક આ અરજી આવતાં તેણે વકિલ ભાવીન રૂઘાણીની મદદ લઇ જેના વિરૂધ્‍ધ અરજી હતી તેના વિરૂધ્‍ધ કાર્યવાહી કરી હેરાન પરેશાન નહિ કરવાના બદલામાં ૨૫ હજારની લાંચની માંગણી કરી હતી.

પરંતુ અરજદાર લાંચ આપવા માંગતા ન હોઇ તેણે એસીબીના ટોલ ફ્રી નંબર-૧૦૬૪ ઉપર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવતાં એસીબીના ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક કે. એચ. ગોહિલની સુચનાથી જામનગર એસીબીના પીઆઇ આર. એન. વિરાણી અને ટીમે રાજકોટ આવી પંચાયત પોલીસ ચોકી ખાતે ટ્રેપ ગોઠવી હતી. જેના વિરૂધ્‍ધ અરજી હતી તેની પાસેથી કોન્‍સ. વિપુલ સાર્દુળભાઇ ઓળકીયા (અનાર્મ કોન્‍સ.) અને ખાનગી વ્‍યક્‍તિ ભાવિન મગનભાઇ રૂઘાણીએ ૨૫ હજારની લાંચ માંગી હતી. આ રકમ બંનેએ સ્‍વીકારતાં જ એસીબીની ટીમે પકડી લીધા હતાં. ભાવિન પોતે વકિલ હોવાનું કહી રહ્યો હોઇ તેની પાસે સનદ હોય તો રજૂ કરવા જણાવાયું હતું.

ચર્ચા મુજબ ચોકીના પીએસઆઇને પણ એસીબી કચેરી રાજકોટ ખાતે પુછતાછ માટે લઇ જવામાં આવ્‍યા હતાં. જો કે તેમની હાલ સંડોવણી સામે આવી નહિ હોવાનું સુત્રોએ કહ્યું હતું. ખુદ પોલીસમેન અને વકિલ લાંચમાં ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. આગળની તપાસ યથાવત રખાઇ છે. 

(2:59 PM IST)