News of Monday, 5th August 2024
ડોર ટુ ડોરના કોન્ટ્રાકટરનું ૮ મહિનાથી કાયમી ઠેકાણુ નથીઃ એક્ષટેન્સથી ગાડુ ગબડાવાય છેઃ કોનું હિત? કોંગ્રેસનો સવાલ
ટેન્ડરનો સમયગાળો પુર્ણ થતા ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડીંગની દરખાસ્ત અધ્ધરતાલઃ કર્મચારીઓને પગાર સમયસર ચુકવવા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની માંગ

રાજકોટ તા. પ :.. શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા આશરે ૩૦૦ થી ૩પ૦ ટીપરવેનમાં ત્રણ વર્ષનાં કોન્ટ્રાકટની મુદત નવેમ્બર-ર૦ર૩ માં પુરી થઇ ગઇ અને ટેન્ડર એક્ષટેન્શનનો છ મહિનાનો સમય ગાળો પણ પૂર્ણ થયેલ હોવા છતાં મુદત વધારાનો સમયગાળો પૂર્ણ થતાં ખર્ચ મંજૂરી માટેની સ્ટેન્ડીંગની દરખાસ્ત પણ અધ્ધરતાલથી ૭૦૦ થી ૮૦૦ કર્મચારીઓને તાત્કાલીક પગાર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ રજૂઆત કરી છે.
આ અંગે ગાયત્રીબાએ યાદીમાં જણાવ્યું છે કે, આ ટીપરવેન ચલાવવા માટેનો ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ જુદી - જુદી ચાર ખાનગી એજન્સીઓને આપવામાં આવેલ જે એજન્સીનો કામગીરીનો સમયગાળો નવેમ્બર-ર૦ર૩ માં પૂર્ણ થઇ ગયેલ છે. નિયમ અનુસાર કોઇપણ કામ માટે નકકી કરેલ એજન્સીની કામગીરીનો સમયગાળો પૂર્ણ થવાનાં છ માસ પહેલાં કામગીરીની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાની હોય છે. પરંતુ ખાટલે ખોટી મોટી હોય તેમ રા. મ.ન.પા.નાં બીન અનુભવી શાસકોનાં પ્રત્તાપે મ.ન.પા.માં અધિકાર રાજ પ્રવૃતિ રહ્યું છે. ત્યારે મ.ન.પા.ના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટીપરવેન કોન્ટ્રાકટનો સમયગાળો નવેમ્બર-ર૦ર૩ માં પૂર્ણ થયો ત્યારબાદ મે-ર૦ર૪ માં છ મહિનાનાં એક્ષટેન્શન (વધારાની મુદત)નો સમય ગાળો પણ પૂર્ણ થયો છે. છતાં હજુ સુધી ટીપરવેન કોન્ટ્રાકટનાં ટેન્ડરો બાબતની કોઇ નકકર કામગીરી હાથ ધરવામાં આવી નથી.
અંતમાં ગાયત્રીબાએ પર્યાવરણ વિભાગ દ્વારા મ.ન.પા. ભાજપના શાસકો અને કમિશનરશ્રીને અંધારામાં રાખી વધારાનાં ખર્ચ બાબતની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ મૂકવામાં આવી નથી. જેથી આ ટીપરવેન કોન્ટ્રાકટ એજન્સીઓને સમયસર તેમનાં પેમેન્ટ ન મળતા ઘણી એજન્સીઓ દ્વારા ત્રણ ત્રણ મહિનાથી ટીપરવેનનાં ડ્રાઇવર-કલીનરોનાં પગારો પણ ચૂકવાયા નથી. ત્યારે આ નાના માણસોને જન્માષ્ટમીનાં તહેવારો પણ પગાર વાંકે બગડે તેવી હાલત સર્જાય છે. ત્યારે તાત્કાલીક ધોરણે પગાર ખર્ચ દરખાસ્ત મંજૂર કરવા માંગ કરી છે.
(3:31 PM IST)










