News of Monday, 5th August 2024
દૂકાન સામે કાર પાર્ક કરવા મામલે ઓટોબ્રોકર શૈલેષગીરી ગોસાઇ પર હુમલોઃ નાક તોડી નાખ્યું
૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાસે બનાવઃ તાલુકા પોલીસે બાજુમાં મોબાઇલની દૂકાન ધરાવતાં પરમિત પટેલ, રવિ પટેલ અને તુષાર પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૫: દોઢસો ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાસે જુની કાર લે-વેંચનો ધંધો કુટુંબી ભાઇ સાથે કરતાં આધેડ પર દૂકાન સામે કાર પાર્ક કરવા મામલે અન્ય દૂકાનદારે ડખ્ખો કરી બાદમાં પોતાના બે મિત્રોને બોલાવી હુમલો કરતાં આધેડના નાકમાં ફ્રેકચર થઇ ગયું હતું. તેને મારી નાખવાની ધમકી પણ અપાઇ હતી.
આ બનાવમાં તાલુકા પોલીસે મવડી બાયપાસ સાગર રેસીડેન્સી એપાર્ટમેન્ટ સી-૪૦૨માં રહેતાં શૈલેષગીરી કાંતિગીરી ગોસાઇ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી પરમીત પટેલ, રવિ પટેલ અને તુષાર પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. શૈલેષગીરી ગોસાઇ પરિવાર સાથે રહે છે અને પાંચેક મહિનાથી તેણે કુટુંબી ભાઇ પરેશગીરી સાથે ૧૫૦ રીંગ રોડ ફોર્ચ્યુન હોટેલ પાસે અવધ ટાવરમાં રામેશ્વર ઓટો નામે જુની કાર લે-વેંચનો ધંધો શરૂ કર્યો છે. સાંજે પાંચેક વાગ્યે તે બાલાજી હોલ પાસે હતાં ત્યારે કુટુંબભાઇ પરેશપરીને ફોન કરી કહેલું કે આપણી દુકાન સામે પાર્ક કરેલી કારને ટ્રાફિક પોલીસ ડિટેઇન કરવા આવી છે. આથી તેણે શા માટે પોલીસ આવી છે તેમ પુછતાં પરેશપરીએ કહેલું કે આપણી દુકાનની બાજુમાં નીચેના ભાગે ભગવતી ફોટો મોબાઇલવાળા પરમીત પટેલે સવારે ગાડી પાર્ક કરવા મામલે બોલાચાલી કરી હોઇ જેથી તેણે ટ્રાફિક પોલીસને બોલાવી છે તેમ કહેતાં શૈલેષગીરી પોતાની દૂકાને ગયા હતાં અને પરમીત પટેલને કહેલું કે કાર નડતી હોય તો અમને જાણ કરવી જોઇએ ને એમાં ટ્રાફિક પોલીસ શું કામ બોલાવી?
આ સાંભળી પરમીત ઉશ્કેરાઇ ગયો હતો અને હવે તું અહિ ગાડી કેમ રાખે છે એ જોવ છું, તું ખમ હમણા આવે છે કહ્યા બાદ પરમીતે ફોન કરતાં સફેદ ક્રેટામાં રવિ અને તુષાર આવ્યા હતાં અને ઝઘડો કરી ગાળાગાળી કરતાં ગાળો બોલવાની ના પાડતાં ત્રણેયએ શૈલેષગીરીને ઢીકાપાટુ માર્યા હતાં. તુષારે તેના હાથમાં પહેરેલુ કડી ફટકારતાં નાક પર ઇજા થઇ હતી. તેમજ ડાબી આંખ નીચે અને છાતીમાં ઇજાઓ થઇ હતી. આ વખતે પરેશપરી સહિતના વચ્ચે પડ્યા હતાં. ત્યારે તુષારે ધમકી આપી હતી કે હવે ગાડી બાબતે ઝઘડો થશે તો મારી નાખીશ. તેમ કહી ત્રણેય ભાગી ગયા હતાં. શૈલેષગીરીની નાક પર ઇજા થઇ હોઇ ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં તેમાં ફ્રેકચર થઇ ગયાનું નિદાન થયું હતું.
તાલુકા પોલીસ મથકના એએસઆઇ મયુરભાઇ બી. ઠાકર અને કિરીટભાઇ રામાવતે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(3:45 PM IST)










