<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

હોર્ડિંગ્સ સુરક્ષિત છે? પ્રમાણિત ન થાય ત્યાં સુધી લાઇટીંગ બંધ રાખવા આદેશ

અંતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્ઞાન આવ્યુ... નિર્દોષ યુવતીને શોર્ટ લાગવાની ઘટના બાદ કીયોસ્કની લાઇટ બંધ કરાવ્યા બાદ મોટા હોર્ડિંગ્સની લાઇટ બે દિવસથી બંધ : સુરક્ષાની ખાતરી મળ્યા બાદ ચાલુ કરવા કડક સુચના

રાજકોટ,તા.૫ : કહેવત છે ને કે તરસ લાગે ત્યારે કુવો નો ખોદાય....આ કહેવત રાજકોટ મહાનગરપાલિકાને અસર કર્તા નથી.  ટીઆરપી ગેમઝોનમાં લાગેલ ભયાવહ અગ્નિકાંડ બાદ સફાળુ જાગેલુ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન, શાળા કોલેજો, હોસ્પિટલ, હોલ, પાર્ટીપ્લોટમાં સીલ લગાવીને કામગીરી દર્શાવી હતી...તેવી જ રીતે તાજેતરમાં વરસાદમાં એક યુવતીનું શોર્ટ લાગતા કરૂણ મોત નીપજેલ આ ગમખવાર કરૂણાંતીકામાં જવાબદાર કોણ? આ પ્રશ્નો જવાબ હજુ કોર્પોરેશન આપી શકયુ નથી  પરંતુ ધીમે ધીમે નક્કર કાર્યવાહી હાથ ધરી હોય તેવુ લાગી રહ્યું છે.

રાજકોટના નાનામવા રોડ ઉપર વરસાદી પાણી વચ્ચે એક યુવતી રોડ ઉપર લાગેલા કીયોસ્કવાળા થાંભલાને અડી ગયેલ અને શોર્ટ લાગતા કરૂણ મોત નીપજેલ. આ ઘટના બાદ કોર્પોરેશને પ્રથમ તો રાજકોટના ૪ હજારથી વધુ પોલબોર્ડ વાળા કીયોસ્કની લાઇટ બંધ કરવા આદેશ આપેલ પરંતુ  તોતીંગ હોર્ડિંગ્સની લાઇટ બંધ કરવાનું રહી ગયુ હતું.

આ બનાવના ૧૫ દિવસ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા હોર્ડિંગ્સ જે કોર્પોરેશનના હોય કે ખાનગી માલિકીમાં ઉભા હોય  તો ઇલેકટ્રીક તેમજ અન્ય પ્રકારે સુરક્ષીત છે કે કેમ? તેનું જવાબદાર માન્ય એજન્સી કે વ્યકિત દ્વારા પ્રમાણિત થયા બાદ જ ચાલુ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પ્રકારનો આદેશ શનિવારે મળતા તમામ એજન્સીએ લાઇટ બંધ કરી દીધી છે. પરિણામે શનિ-રવિની રજામાં રાત્રી દરમ્યાન ફરવા ગયેલા લોકો પણ હોર્ડિંગ્સની
ઝળહળાટ વાળી લાઇટોને બદલે અંધારા જોતા મુંઝાઇ ગયા હતા. કે શું થયું?

હોર્ડિંગ્સ એજન્સીના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હોર્ડિંગ્સ કેટલુ સુરક્ષિત છે? પડે તેમ તો નથી ને? ઇલેકટ્રીક શોર્ટ લાગે તેમ છે કે નહી? ઇલેકટ્રીકને લગતા સાધનો બરાબર છે કે નહી? વાયર લટકતો તો નથી ને ? હોર્ડિંગ્સનું સ્ટ્રકચર પવનમાં નીચે ખાબકે તેમ નથી ને? સહિતના અનેક માપદંડોની પુર્તતા કર્યા બાદ જ લાઇટ ચાલુ કરવા આદેશ મળ્યો હોવાનું જાણવા મળે છે. એપ્રુવ્ડ ઇલેકટ્રીશ્યન પાસેનું સર્ટીફીકેટ કોર્પોરેશનમાં રજુ કર્યા બાદ જ લાઇટ ચાલુ કરાશે.

રાજકોટમાં અંદાજે ૫ હજારથી વધુ કીયોસ્ક છે અને ૧ હજારથી વધુ મોટા હોર્ડિંગ્સ કોર્પોરેશની હદમાં આવેલા હોવાનું માનવામાં આવે છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનને હોર્ડિંગ્સની કરોડોની આવક થતી હોય છે.

ટીઆરપી ગેમઝોન બાદ હોર્ડિંગ્સને લઇને કોઇ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે કોર્પોરેશન દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(5:35 PM IST)