News of Monday, 5th August 2024
સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે બાળકો માટે ચિત્ર સ્પર્ધા

રાજકોટ તા. ૫ : સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્યદિનની ઉજવણીના ભાગરૂપે તા.૧૩ ના મંગળવારે બાળકો માટે ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના બહેનોએ જણાવ્યુ હતુ કે સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા નજીવા દરે પુસ્તકાલયનું સભ્યપદ, વાંચનાલયમાં નિઃશુલ્ક વાંચન વ્યવસ્થા, વિદ્યાર્થીઓ માટે અલાયદી વાંચન વ્યવસ્થા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકોનું વિશાળ કલેકશન ધરાવવા સાથે અનેક સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. ઉપરાંત દર સોમવારે અને ગુરૂવારે હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન કેમ્પ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
હાલ સ્વાતંત્ર્ય પર્વને ધ્યાને લઇ તા. ૧૩ ના શનિવારે સાંજે ૪ થી પ.૩૦ સુધી સરદાર ભવન, કિશાનપરા ચોક, રેસકોર્ષ રોડ ખાતે બાળકો માટે અલગ અલગ વય ગ્રુપમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ છે. સ્પર્ધકે સ્પર્ધાની એન્ટ્રી તા. ૧૨ ના સોમવાર સુધીમાં સ્પર્ધાના સ્થળે સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૭ દરમિયાન કરાવવાની રહેશે. નામ નોંધાવવા તેમજ વધુ માહીતી માટે સંસ્થાના કાર્યાલય ફોન નં. ૦૨૮૧-૨૪૪૪૯૦૮ અથવા મો.૯૭૨૭૬ ૩૫૧૩૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ પુસ્તકાલયના ટ્રસ્ટી સ્મિતાબેન ઝાલા, ગ્રંથપાલ કોમલબેન વૈષ્ણવ તથા સાથે ધરાબેન પરમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(5:19 PM IST)










